Gir Somnath જિલ્લાના વેરાવળ તાલુકામાં અતિ પ્રાચીન વાવ આવેલી છે. સારસવા ગામમાં આવેલી આ વાવ આજે પણ ઇતિહાસની સાક્ષી બની ઊભી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વાવ 11મી સદીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોકવાયકા પ્રમાણે રાજમાતા મીનળદેવીએ સોમનાથ યાત્રા દરમિયાન આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.
સોમનાથ યાત્રા દરમિયાન મુસાફરો અને સ્થાનિકોને પાણીની સુવિધા મળે તે હેતુથી આ વાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. જોકે તેના અંગે કોઈ સત્તાવાર દસ્તાવેજ ઉપલબ્ધ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાજમાતા મીનળદેવી જ્યારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે જતાં હતા ત્યારે નજીકના ખોરાસા ગામ વિસ્તારમાં તેમનો પડાવ હતો. તે દરમિયાન આ વિસ્તારમાં મુસાફરો અને સ્થાનિક લોકો માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ ભવ્ય વાવનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ગામની મધ્યમાં આવેલી આ વાવમાં આજે પણ પાણી ઉપલબ્ધ છે, જે તેની મજબૂત પ્રાચીન જળસંચય વ્યવસ્થાનો પુરાવો આપે છે. વાવની દિવાલો પર ભગવાન ગણેશ, હનુમાન, વિષ્ણુ, નાગ અને કચ્છપ સહિતની સુંદર શિલ્પકૃતિઓ તેમજ અજાણી પ્રાચીન લિપિના અવશેષો જોવા મળે છે. તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે તો વાવના ઇતિહાસ વિશે વધુ માહિતી મળી શકે છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર વર્ષ 1987ના ગંભીર દુષ્કાળ દરમિયાન આ વાવ ગામ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની હતી. સ્થાનિકો સરકારના પુરાતત્ત્વ તથા પર્યટન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણ, સંરક્ષણ અને વિકાસ કરીને તેને મહત્વના પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માગ કરી રહ્યા છે.