રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ચેતવણી : ગુજરાતની જમીન બંજર બની રહી છે, ‘પ્રાકૃતિક ખેતી’ જ એકમાત્ર ઉકેલ
Acharya Devvrat Statement : પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જમીનની ઘટતી જતી ફળદ્રુપતા અને સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર ભારતની જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.5 ટકાથી નીચે જઈ રહ્યું છે, જે જમીનને બંજર બનાવી રહ્યું છે. કેન્સર હોસ્પિટલના અધ્યક્ષ તરીકેના પોતાના અનુભવને ટાંકતા તેમણે ચોંકાવનારી વિગત આપી હતી કે, અગાઉ મહિનામાં એક કેન્સરનો દર્દી આવતો હતો, તેના બદલે હવે દરરોજ એક નવો કેસ નોંધાઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ આપણે ખોરાક સ્વરૂપે લઈ રહેલું 'ઝેર' છે. પશુઓમાં કેન્સર અને હાર્ટ એટેક જેવી બીમારીઓ તેમજ નાના બાળકોમાં વધતા જતા હૃદયરોગના હુમલા પાછળ રાસાયણિક ખેતી જવાબદાર હોવાનું જણાવી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ તમામ અસાધ્ય રોગો અને જમીનની ફળદ્રુપતા બચાવવા માટે હવે 'પ્રાકૃતિક કૃષિ' અપનાવવી અનિવાર્ય બની ગઈ છે.

