Gandhinagar : કૌભાંડી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગ એક્શનમાં
- Gujarat: પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કાર્યવાહી
- મોડી રાત સુધી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સ્વયં કામગીરીમાં જોડાયા
- આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા ૪ હોસ્પિટલ સામે પગલા
Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૪ ખાનગી હોસ્પિટલમાંથી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૨ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ છે. ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે.