માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું અનેરું મહત્ત્વ, ઉમટી રહી છે શ્રદ્ધાળુઓની ભીડ
ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું જેટલું મહત્ત્વ લોકકલ્યાણ માટે છે, તેટલું જ મહત્ત્વ આ મહાન નદીની પાવન પરિક્રમાનું છે.. હાલ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે, ત્યારે દેશભરમાંથી સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 'મા રેવા'ની પાવન પરિક્રમાએ ઉમટી રહ્યાં છે.આવો જાણીએ મા નર્મદાની પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમાનું મહત્વ
મા રેવાનાં નામે ઓળખાતી પવિત્ર નર્મદા નદીનું ધાર્મિક મહત્વ અનોખું છે.મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી ગુજરાતની ધરાને પાવન કરી દરિયાને મળતી નર્મદા નદીની પરિક્રમા કરનાર ભાગ્યશાળી હોય છે અને તે વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. વેદો અને ઇતિહાસમાં મા નર્મદાને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેથી જ જેટલું ધાર્મિક મહત્ત્વ દેવી દેવતાઓનાં પૂજનનું છે, તેટલું જ મહત્ત્વ માં નર્મદાની આરાધના અને તેની પાવન પરિક્રમાનું છે. મોટાભાગનાં ગુજરાતની તરસ છીપાવતી અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી નર્મદા નદીની પરિક્રમા એ મનુષ્યના પાપોનો નાશ કરી પુણ્ય પ્રદાન કરે છે તેથી જ હાલ ચૈત્ર મહિનામાં મા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે..
પુરાણો મુજબ નર્મદા નદીની પરિક્રમા બલિરાજાનાં સમયથી થાય છે. જેમ ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્યનાં તમામ પાપ ધોવાઇ જાય છે તેમ નર્મદા નદીનાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. સ્કંદપુરાણોમાં જણાવ્યા મુજબ ભગવાન શિવના પરસેવાના ટીપાંથી નર્મદા નદીનું સર્જન થયું હતું. સામાન્ય રીતે અમરકંટકથી ભરૂચ સુધી નર્મદા નદી ઉત્તરથી દક્ષિણ દિશામાં વહી સમુદ્રમાં સમાઇ જાય છે પરંતુ નદીના રૂટ પર કેટલાંક ભાગો એવા છે, જ્યાં નર્મદા નદી દક્ષિણથી ઉત્તર દિશામાં વહે છે. કહેવાય છે કે નદીના આવા ખંડની પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે. ગુજરાતમાં આવો અલભ્ય ખંડ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં તિલકવાડા પાસે છે. જ્યાં મા રેવા ઉત્તર તરફ વહે છે અને ઉત્તર તરફ વહેતી હોવાને કારણે તેને મા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કહેવાય છે.
આમ તો નર્મદા નદીની પરિક્રમા કરવી હોય તો તેનાં ઉદ્દગમસ્થાન મધ્યપ્રદેશનાં અમરકંટકથી શરૂ કરી ગુજરાતના ભરૂચ જિલ્લામાં અરબના દરિયાકાંઠા સુધી 3750 કિલોમીટર પગપાળા ચાલવું પડે પરંતુ નર્મદા નદીની આ પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમા ફક્ત 21 કિ.મી.ની હોય છે અને ખાસ વાત એ છે કે, પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમા ત્રણ વાર કરવાથી એટલું જ પુણ્ય મળે છે જેટલું 3750 કિલોમીટર ચાલીને મળે છે. તેથી જ સંપૂર્ણ પરિક્રમા જેટલું જ પુણ્ય ફળ આપતી પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમાનું મહત્વ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ પરિક્રમા ફાગણ મહિનાની અમાસથી શરૂ થાય છે અને ચૈત્ર મહિનાની અમાસ સુધી કોઇપણ દિવસે કરી શકાય છે. નર્મદા જિલ્લાનાં માંગરોલના રામપુરાના પવિત્ર નર્મદા તટથી પરિક્રમાની શરૂઆત થાય છે અને માંગરોલ, ગુવાર, તિલકવાડા થઇ પુનઃ રામપુરા ખાતે આ 21 કિલોમીટરની પરિક્રમા પગપાળા અને હોડી માર્ગે પુરી થાય છે.
મા નર્મદાની પરિક્રમા કરવા દરરોજ હજારોની સંખ્યામાં પહોંચી રહ્યાં છે. શ્રદ્ધાળુઓ મળસ્કે 3 વાગ્યા બાદ પરિક્રમા કરવાનું શરૂ કરે છે. આ દરમ્યાન પરિક્રમાવાસીઓ નર્મદા નદી કાંઠે આવતાં પૌરાણિક મણીનાગેશ્વર મહાદેવ, કપિલેશ્વર મહાદેવ, રાજા રણછોડરાયના દર્શન કરવાનો લ્હાવો પણ મેળવે છે. અબાલ, વૃદ્ધ સૌ કોઇ હોંશે હોંશે મા રેવાની ઉત્તરવાહીની પરિક્રમા પૂરી કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે તે માટે સમગ્ર રૂટ પર તિલકવાડા, રામપુરા, માંગરોળ, ગુવાર, રામાનંદ આશ્રમ વિગેરે સ્થળોએ ગ્રામજનો દ્વારા વિસામા તેમજ ચા, પાણી, નાસ્તા ઉમદા સેવા પુરી પાડવામાં આવી રહી છે.
ગુજરાતમાં એકમાત્ર ઉત્તરવાહીની આવેલી છે, જ્યારે મધ્યપ્રદેશમાં નવ ઉત્તરવાહીની છે. નાંદોદ તાલુકાનાં હાલમાં અહીં દેશભરમાંથી રોજના હજારો શ્રદ્ધાળુઓમાં નર્મદાની ભક્તિ કરવા પરિક્રમા જોડાય છે. પરિક્રમા પૂર્વે ભક્તો નર્મદા સ્નાન કરી દીવડા તરતાં મૂકે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાનાં કપરાકાળને કારણે પરિક્રમા થઇ શકી ન હતી, જેના કારણે આ વર્ષે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પરિક્રમામાં ભાગ લઇ રહ્યા છે.