Israel-Iran War : સાઉદી અરેબિયામાં સુરત જિલ્લાના 300થી વધુ હાજીઓ અટવાયા
Israel-Iran War : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વણસેલી યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર હવે દક્ષિણ ગુજરાતના મુસાફરો પર જોવા મળી રહી છે, જેમાં સુરત જિલ્લાના અંદાજે 300થી વધુ હાજીઓ હાલ મક્કા-મદીનામાં ફસાઈ ગયા છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉમરાહની ઈબાદત માટે ગયેલા મોસાલી, કઠોર, કોસંબા તેમજ ઓલપાડ અને માંગરોળ પંથકના અનેક પરિવારો વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા વિમાન સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરો મક્કા-મદીનામાં જ અટવાઈ પડ્યા છે, જેને પગલે તેમના વતન પરત ફરવાની અનિશ્ચિતતા વધતા સુરતમાં રહેલા તેમના પરિવારોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભી થયેલી આ ભૌગોલિક-રાજકીય અશાંતિએ શ્રદ્ધાળુઓની ધાર્મિક યાત્રાના અંતિમ ચરણમાં મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે.


