Kheda teacher viral video : વસ્તી ગણતરીમાં રોકાયેલા એક શિક્ષકનો વીડિયો વાયરલ
Kheda teacher viral video : ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે પણ ચાલતા દારૂના અડ્ડાઓ અને સરકારી સિસ્ટમ પર સવાલ ઉઠાવતો ખેડા જિલ્લાના એક શિક્ષકનો કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગળતેશ્વર તાલુકાની સનાદરા પ્રાથમિક શાળાના એક શિક્ષક હાલ વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા છે. આ કામગીરી દરમિયાન તેમણે એક રમુજી વીડિયો બનાવ્યો છે, જેમાં તેઓ હળવા અંદાજમાં વહીવટી તંત્ર પર મોટો કટાક્ષ કરતા જોવા મળે છે. વીડિયોમાં શિક્ષક પૂછી રહ્યા છે કે, "વસ્તી ગણતરી કરતા-કરતા જો દારૂનો અડ્ડો મળે તો તે ચોપડે બતાવી શકાય ખરો? અને જો દારૂનો અડ્ડો બતાવીએ તો ક્યાંક અમને પોલીસની કામગીરી તો નહીં સોંપી દેવામાં આવે ને?" કોમેડી સ્વરૂપે બોલાયેલા આ શબ્દો માત્ર હાસ્ય નથી ફેલાવી રહ્યા, પરંતુ પોલીસની કામગીરી અને દારૂબંધીની વાસ્તવિકતા પર એક મોટો અને ગંભીર સવાલ પણ ઊભો કરી રહ્યા છે, જેને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.

