વડોદરામાં આવતીકાલે રૂ.૮૨ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત
અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવતીકાલે વડોદરામાં રૂ. ૮૨ કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરશે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રવિવાર, ૨૧ મે ના રોજ વડોદરા ખાતેથી રૂ. ૮૧.૯૫ કરોડની રકમના વિવિધ આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં અર્પણ કરશે.આ વિકાસ પ્રકલ્પોમાં વડોદરાના સયાજીપથ પાસે રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્યકેન્દ્રનું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
તદ્ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડ ફિલ્ડ હોસ્પિટલ, ૪૨ બેડ પિડીયાટ્રીક, ૨૦ બેડ આઇ.સી.યુ. અને ૫૦ બેડ ક્રિટીકલ કેર બાંધકામનું ઇ-ખાતમુહૂર્ત થશે.વધુમાં આરોગ્યમંત્રીના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ અને ખેડા જિલ્લાના કપડવંજ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણકાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે મધ્યગુજરાતમાં રૂ. ૮૨ કરોડથી વધુની રકમના આરોગ્યલક્ષી વિકાસકાર્યોની મળનાર ભેટ મધ્યગુજરાતના જન-જનની આરોગ્યસુખાકારીમાં વધારો કરશે.


