Mann Ki Baat : રમતગમત ક્ષેત્રે મળી રહેલી સિદ્ધિઓ પર PM મોદીએ શું કહ્યું?
Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ ‘Mann Ki Baat’માં ભારતના રમતગમત ક્ષેત્રમાં થઈ રહેલી સતત પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે ઝારખંડના રાંચીમાં યોજાયેલી નેશનલ સિનિયર એથલેટિક્સ સ્પર્ધાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો, જેમાં 800થી વધુ એથ્લેટ્સે ભાગ લીધો હતો અને 4 અલગ-અલગ ઈવેન્ટ્સમાં નવા નેશનલ રેકોર્ડ બન્યા હતા. ખાસ કરીને પુરુષોની 100 મીટર દોડમાં માત્ર 2 જ દિવસમાં 3 વખત રેકોર્ડ તૂટ્યો હતો, જેમાં Gurindervir Singh અને Animesh Kujur જેવા ખેલાડીઓના પ્રદર્શનને PM મોદીએ “જુગલબંધી” તરીકે વખાણ્યું હતું અને કહ્યું હતું કે હવે રમતના મેદાનમાં પણ ખેલાડીઓ એકબીજાને પ્રેરણા આપીને નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. છત્તીસગઢના વતની અને હાલ ઓડિશાનું પ્રતિનિધિત્વ કરનાર અનિમેષ કુજૂરે પોતાની સફરમાં ફૂટબોલથી શરૂઆત કરીને કોવિડ દરમિયાન એથલેટિક્સ તરફ વળ્યા પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી હોવાનું પણ જણાવ્યું હતું, જેમાં એશિયન ગેમ્સ અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ જીતવાનો સમાવેશ થાય છે. આ સિદ્ધિઓ દર્શાવે છે કે યોગ્ય તક, માર્ગદર્શન અને મહેનત સાથે ભારતીય યુવાનો વિશ્વ સ્તરે દેશનું નામ વધુ ઉજ્જવળ કરી શકે છે.


