Gujarat Rain Alert : હવામાન વિભાગની આગાહી, છુટાછવાયાથી ભારે વરસાદની શક્યતા
Gujarat Rain : ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં 25 મે સુધી રાજ્યમાં છૂટોછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 થી 25 મે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે 21 થી 25 મે દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થતા વરસાદ પડશે. તથા એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી અરબી સમુદ્રમાં સક્રિય છે. હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે.
21 મે એ વરસાદની સ્થિતિ યથાવત રહેશે, જોકે 21 એ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. જેમાં વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે આગામી 22, 23 અને 24 મે સુધી વરસાદી વાદળો સમગ્ર રાજ્યમાં ફેલાતા ભારે વરસાદની સ્થિતિ ઉદ્ભવી શકે છે. જેમાં 24 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે આ સમયે માત્ર કચ્છમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે, છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન સિસ્ટમના કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી, જોકે તેની અસર ગુજરાતમાં વધુ થઈ નથી. પરંતુ તેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વરસાદની સ્થિતિ સર્જાઇ છે તેમ જણાઈ આવે છે.