2 ટર્મ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે
કોંગ્રેસ પાર્ટીની 'ભારત જોડો યાત્રા' આજે પૂર્ણ થઈ રહી છે. આ ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ પાર્ટી જનતાના હ્રદયમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ થઇ હોવાની ઘણી ચર્ચાઓ થઇ રહી છે પરંતુ આ વચ્ચે કોંગ્રેસના નેતાઓ પાર્ટીને છોડી રહ્યા હોવાનો સિલસિલો સતત ચાલું રહ્યો છે. તાજેતરમાં આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરી લીધો છે.
પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢાએ પાર્ટીને અલવિદા કહ્યું
એક તરફ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશમાં ભારત જોડો યાત્રા નીકાળીને દેશને એક કરવાની અપીલ કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીની અંદર જ એકતા નથી તેવું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢાએ પાર્ટીને અલવિદા કહેતા ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કાંતિ સોઢા પરમારે મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, કાંતિ સોઢા પરમાર અમૂલના ડાયરેક્ટર પણ છે. તેઓ આણંદ તાલુકા પંચાયતના બે ટર્મના પ્રમુખ પણ હતા. આ ઉપરાંત તેઓ બે ટર્મ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચુક્યા છે.
કેસરિયો ધારણ કર્યા બાદ શું કહ્યું કાંતિ સોઢા પરમારે
કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી અને ભાજપનો કેસરિયો ધારણ કર્યા બાદ કાંતિ સોઢા પરમારે કહ્યું કે, હું વિકાસની રાજનીતિમાં જોડાયો છું. આણંદ જિલ્લાનો વિકાસ થાય તે મારો હેતુ છે. હું કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીથી ખૂબ ખુશ છું. હું કોઈ પણ અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છું. પાર્ટી જે જવાબદારી આપશે તે જવાબદારી હું નિભાવીશ. આપને જણાવી દઇએ કે, કાંતિ સોઢા પરમારને રાજ્ય પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે સી.આર.પાટિલે કેસરિયો પહેરાવી પાર્ટીમાં સમાવેશ કરાવ્યો હતો.
કાંતિ સોઢા પરમાર કોણ છે?
કાંતિ સોઢા પરમાર અમૂલના ડાયરેક્ટર છે. તેઓ 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળો સામે આવી હતી. તો વળી તાજેતરમાં સ્થાનિકોએ મતવિસ્તારમાં પડતી અગવડોને લઈને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા. આ સાથે તાજેતરમાં કાંતિ સોઢા પરમારના દિકરા ઉપર એક યુવકને માર માર્યાનો આક્ષેપ લાગ્યો હતો.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટપર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.