Daman : જૂનના પ્રથમ સપ્તાહમાં PM મોદીનો દમણ પ્રવાસ, રૂ. 3,000 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Daman : જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દમણની મહત્વપૂર્ણ મુલાકાતે આવે તેવી સંભાવના છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન દમણમાં રૂ.3,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યો (Development Projects)નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ખાસ કરીને દમણમાં નવનિર્મિત ડોમેસ્ટિક એરપોર્ટ (Domestic Airport)નું ઉદ્ઘાટન આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ બની શકે છે. આ એરપોર્ટ શરૂ થતાં દમણની અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, જેના કારણે પ્રવાસન અને વેપાર ક્ષેત્રને પણ મોટો ફાયદો થવાની શક્યતા છે. વડાપ્રધાન નાની દમણ વિસ્તારમાં વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરશે તેવી માહિતી મળી રહી છે. PM મોદીની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દમણ ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક લોકોમાં પણ આ પ્રવાસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


