PM મોદી સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે, સુરક્ષા માટે 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરતના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા છે. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સીધા અંત્રોલી પહોંચીને, તેઓ ટ્રેક-લેયિંગ અને સ્ટેશન વર્કના પ્રાથમિક તબક્કાની પ્રગતિની સમીક્ષા કરશે. પ્રોજેક્ટની કામગીરીમાં ઝડપ લાવવા માટે ખાસ બીજું ટ્રેક મશીન મંગાવવામાં આવ્યું છે, જેમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓનો PM મોદી રિયલ અનુભવ પણ લેશે.
આ મુલાકાત દરમિયાન, PM મોદી બુલેટ ટ્રેન જેવા મશીન દ્વારા ટ્રેકની ચોકસાઈની ચકાસણી કરશે અને ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) તથા ઇલેક્ટ્રિકલ કનેક્શનનું નિરીક્ષણ કરશે. NHSRCLના સિનિયર અધિકારીઓ અને ટેક્નિકલ ટીમ તેમને પ્રોજેક્ટ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપશે. PM ની મુલાકાતને લઈને સુરત જિલ્લા પ્રશાસન દ્વારા ટોચનો અલર્ટ જાહેર કરાયો છે અને અંત્રોલી વિસ્તારમાં આજે 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરી પોલીસ સિવાયના અન્ય તમામ ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અંત્રોલીનું નિરીક્ષણ પૂરું થયા બાદ PM મોદી ડેડિયાપાડાના કાર્યક્રમ માટે રવાના થશે.
આ પણ વાંચો : LIVE: PM Modi Visit Gujarat : સુરતમાં PM મોદી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના કામની કરશે સમીક્ષા