રશિયાના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી 40 મિનિટ મુલાકાત, વડાપ્રધાને તાત્કાલિક યુદ્ધ વિરામની કરી વાત
ભારતની બે દિવસીય મુલાકાતે ગુરુવારે દિલ્હી પહોંચેલા રશિયાના વિદેશ
મંત્રી સર્ગેઈ લવરોવ શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. PMOના નિવેદન મુજબ બેઠક દરમિયાન રશિયાના વિદેશ મંત્રી
લવરોવે પીએમ નરેન્દ્ર મોદીને યુક્રેનમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા સહિતની સ્થિતિ
વિશે જાણકારી આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસાનો વહેલી તકે અંત લાવવાના તેમના
આહ્વાનને પુનરાવર્તિત કર્યું અને શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવા માટે
ભારતની તૈયારી દર્શાવી. રશિયાના વિદેશ
મંત્રીએ ડિસેમ્બર 2021માં આયોજિત ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટ
દરમિયાન લેવાયેલા નિર્ણયોની પ્રગતિ અંગે પણ વડાપ્રધાનને અપડેટ કર્યું હતું. આ પહેલા લવરોવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ પહેલા પ્રેસને સંબોધિત કરતી વખતે રશિયાના વિદેશ મંત્રીએ મોટુ
નિવેદન આપ્યું હતું કે ભારત અમારી પાસેથી જે પણ સામાન ખરીદવા માંગે છે તેને અમે
સપ્લાય કરવા તૈયાર છીએ. રશિયા અને ભારતના ઘણા સારા સંબંધો છે.