કાશ્મીરમાં ફરી આતંકી હુમલો, પોલીસકર્મીની ગોળી મારી હત્યા, દીકરી પણ ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી
મારીને હત્યા કરી નાખી છે. આ હુમલો શ્રીનગર જિલ્લાના સુરા વિસ્તારમાં થયો હતો.
ફાયરિંગમાં પોલીસકર્મી સૈફુલ્લાહ કાદરી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. એટલું જ નહીં આ હુમલામાં
તેમની પુત્રી પણ ઘાયલ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ
સૂત્રોએ જણાવ્યું કે સૈફુલ્લાહ કાદરીને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો.
ડૉક્ટર જીએચ યાતુએ જણાવ્યું કે સૈફુલ્લાહ કાદરીનું હોસ્પિટલ પહોંચતા જ મૃત્યું થઈ
ગયું હતું. જોકે તેમની પુત્રીની હાલત સ્થિર છે. ઘટના
બાદ તરત જ પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ કરી છે.
જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે, જે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 43 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રામાં
શ્રદ્ધાળુઓની સંખ્યામાં પહેલા કરતા વધુ વધારો થવાની આશા છે. આ વખતે રામબન અને
ચંદનવાડીમાં શિબિરો મોટી હશે. તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં
આવશે. યાત્રાળુઓને ટ્રેક કરવા માટે બાર કોડ સિસ્ટમ્સ અને સેટેલાઇટ ટ્રેકર્સ સાથે RFID ટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ટ્રાવેલ રૂટ અને કેમ્પ સાઈટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. આ સિવાય
કાશ્મીરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે CRPFની 50 વધારાની કંપનીઓને સામેલ કરવામાં આવી
છે.