ગાંધી પરિવારની બહાર જશે કોંગ્રેસની કમાન, આ મહિને પાર્ટીને મળશે નવા અધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને અસમંજસ ખતમ કરતા પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી છે કે 28 ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થશે, જેમાં ચૂંટણીની તારીખો પર મહોર લગાવવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની બહાર હોવાને કારણે આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. સૂત્રો પ્રમાણે ઓકટોબરમાં દીવાળીની નજીક કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી જશે. બીજીવાર અધ્યક્ષ પદ સંભાળવાની રાહુલ ગાંધીએ ના પાડ્યા બાદ ચર્ચા તે વાતની છે કે હવે કોંગ્રેસની કમાન કોને મળશે
.
આગામી દિવસમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સૌથી વધુ અટકળો અશોક ગેહલોતને લઈને ચાલી રહી છે પરંતુ તેઓ ખુદ રાહુલ ગાંધીને કમાન સંભાળવાની અપીલ કરી રહ્યાં છે. ગેહલોતે કહ્યુ કે જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ ન બને તો દેશભરમાં પાર્ટી કાર્યકર્તાઓને નિરાશા થશે. તેમણે કાર્યકર્તાઓની ભાવના સમજવી જોઈએ.
કોંગ્રેસ મહાસચિવ તારિક અનવરે પણ કહ્યુ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને આગ્રહ કરશે. સામાન્ય કાર્યકર્તાઓની ભાવના છે એ આ મુશ્કેલ સમયમાં રાહુલ ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ સંભાળવું જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ માટે રાહુલ ગાંધી સિવાય કોઈ નજર આવતું નથી. તેમના અંગત નિર્ણય કરતા વધુ મહત્વની પાર્ટી કાર્યકર્તાઓની ભાવના છે.
અધ્યક્ષ પદ માટે આ નામ ચર્ચામાં
આગામી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, મીરા કુમાર જેવા નામોને લઈને ચર્ચા ચાલી રહી છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌથી આગળ છે. હવે જોવાનું તે રહેશે કે કોંગ્રેસના નારાજ જૂથ જી-23 કોઈ ઉમેદવાર ઉતારે છે કે નહીં. તો પાર્ટીનો એક વર્ગ સોનિયા ગાંધીને પદ પર રાખવા માટેના પક્ષમાં છે.