ગિરનારમાં રોપ વે સફર હવે સંગીતમય બનશે, પ્રવાસીઓમાં સતત વધારો
વેકેશનના દિવસોમાં ક્યાં ફરવા જવું એ સવાલ સૌને સતાવતો હોય છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં લાંબા સમયથી ટુરિઝમ ક્ષેત્રે એક નવું આકર્ષણ ઉમેરાયું છે. એ છે જૂનાગઢના ગિરનાર ઉપર રોપ વેની સુવિધા. દરેક ઉંમરની વ્યક્તિને રોપ વેમાં સફર કરવાનો રોમાંચ થતો હોય છે. સફરમાં સાથે સંગીત હોય તો ઓર આનંદ આવે. આવો જ નિર્ણય ગિરનાર ઉપર રોપ વે માટે લેવાયો છે. યાત્રાધામ ગિરનારમાં રોપ વે કેબિનને હવે સંગીતમય બનાવાનો
10:51 AM May 17, 2022 IST
|
Vipul Pandya
વેકેશનના દિવસોમાં ક્યાં ફરવા જવું એ સવાલ સૌને સતાવતો હોય છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં લાંબા સમયથી ટુરિઝમ ક્ષેત્રે એક નવું આકર્ષણ ઉમેરાયું છે. એ છે જૂનાગઢના ગિરનાર ઉપર રોપ વેની સુવિધા. દરેક ઉંમરની વ્યક્તિને રોપ વેમાં સફર કરવાનો રોમાંચ થતો હોય છે. સફરમાં સાથે સંગીત હોય તો ઓર આનંદ આવે. આવો જ નિર્ણય ગિરનાર ઉપર રોપ વે માટે લેવાયો છે.
યાત્રાધામ ગિરનારમાં રોપ વે કેબિનને હવે સંગીતમય બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
જૂનાગઢમાં ગિરનારમાં રોપ વેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં રોજગારીનું સર્જન પણ થઇ રહ્યું છે. ગત 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેનું લોકાર્પણ કર્યું હતું. પ્રવાસીઓ ગિરનારના રોપ વેમાં સફર કરીને ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
2.32 કિમીનો આ રોપ વે એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેકટ છે. અત્યાર સુધી આ પ્રોજેકટનો 11 લાખ લોકો લાભ થઇ ચૂકયા છે અને તેના લીધે 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ફેબ્રુઆરી, 2022માં 59,188 પ્રવાસીઓએ રોપ વેની સેવા માણી હતી, જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ હતી. આવકની દ્રષ્ટીએ પણ ફેબ્રુઆરીમાં 3.1 કરોડની આવક થઇ હતી જેની સરખામણીમાં માર્ચમાં 1 કરોડનો વધારો જોવા મળ્યો હતો. 2320 મીટર લાંબા અને 898.4 મીટર ઉંચા રોપ વેમાં અત્યારે રોજની સરેરાશ 551 ટ્રીપ મારવામાં આવે છે. પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર દ્વારા ટૂંક સમયમાં રોપ વે કેબિનને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. હેરિટેજ ટુરિઝમ પોલિસી અને મેડિકલ ટુરિઝમ જેવા આધુનિક વિષયો સાથે સરકારે નીતિ જાહેર કરી છે. ગુજરાત પ્રવાસન નિગમના એમડી આલોક કુમાર પાંડેએ જણાવ્યું કે, ગિરનાર ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે. રોપ વેની સુવિધા લીધે મા અંબેના દર્શન કરવા અત્યંત સુલભ બની ગયા છે. રોપ વેના કારણે પર્વતના 10 હજાર પગથિયા ચડયા વગર થોડી મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે. સ્થાનિક લોકોને પણ રોજગારી મળી છે અને આવકમાં પણ માત્ર એક મહિનામાં 1 કરોડ રુપિયાનો વધારો થયો છે.
Next Article