૨૧મી સદીની કહેવાતી આધુનિક જીવનશૈલી સામે ક્યારેક એક પ્રશ્નાર્થ મુકાઇ જાય છે!
૬૫ થી ૭૦ વર્ષથી વચ્ચેની વયના એક સીનીયર સીટીઝન આધુનિક વેદનાની આ સત્ય ઘટના છે. આજથી ૪૦ વર્ષ પૂર્વે પેટીયું રળવા માટે અમદાવાદની એક પોળમાં આવી વસેલા દંપતીના ઘરે પુત્રનો જન્મ થાય છે. પત્ની ઓછુ ભણેલા હોવાથી અને એ જમાનામાં સ્ત્રીઓ નોકરી કરવા માટે બહાર જવાનો રીવાજ ન હોવાથી માત્ર પતિની ટૂંકી આવકમાં પરિવારનું ગુજરાન ચાલતું હતું. દિવસે દિવસે મોંઘવારી વધતી જતી હતી અને બીજી બાજુ ઘરમાં બાળકનો જન્મ થયો હોવાથી ખર્ચ પણ વધતો જતો હતો. રોજ રાતે માતા-પિતા પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્યની કલ્પનાઓને સાકાલ કરવા પોતે શું કરી શકે તે મનોમંથન વિચાર કરતા હતા.
દીકરાને સારું શિક્ષણ આપવા માટે સીધ્ધાંતો સાથે અને પરિસ્થિતિ સાથે સમાધાન કરીને પિતાએ બીજી પાર્ટટાઇમ નોકરી સ્વીકારી તો વળી માતાએ આજુબાજુના ઘરોમાં વાસણ પોતા કરીને આવકમાં વધારો કરવાનું વિચાર્યું.
દીકરાને સારી શાળામાં શિક્ષણ અપાવ્યું. જોતજોતામાં વર્ષો વિતતા ગયા. દીકરો ભણીગણીને હોશિયાર થયો. બેંકમાં નોકરી મેળવી અને માતા-પિતાએ સારા દિવસોની આશા સાથે દેવું કરીને દીકરાને પરણાવ્યો. બંનેને લાગતું હતું કે હવે આપણી પીડાના દિવસો પુરા થયા ત્યાજ અચાનક દીકરાની માતાને કેન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડતા ટૂંકી માંદગી બાદ તેનું મુત્યુ થયું.
બીજી બાજુ બેંકમાં નોકરી મળવાથી સારો પગાર અને લોનની સગવડ હોવાથી નદીપારના વિસ્તારમાં અદ્યતન ફ્લેટ ખરીદી એકલવાયા પિતાને પોળમાં જ છોડીને સહજોડે ફ્લેટમાં રહેવા જવાનું નક્કી કર્યું.
પાછલી ઉમરમાં વયના કારણે અશક્ત બનેલા અને દીકરાના લગ્નના દેવાના ભારથી વધારે અશક્ત બનતા જતા પિતાની દેખભાળ તો ઠીક પણ એમની દરકાર કરવાનું પણ બંધ કરીને પોતાની નવી દુનિયામાં ઓતપ્રોત થઇ ગયો હતો.
પોળના એક રૂમના જર્જરિત મકાનમાં જીવનને ટકાવી રાખવા માટે પિતા રાતના અંધારા ઉતરે પછી કોઈ મંદિરના સદાવ્રત ભોજનાલયની લાઈનમાં ઊભા રહીને આવતીકાલના અંધારાને અને ચાલી ગયેલી સહધર્મસારીણી તથા પોતાને છોડીને ચાલી ગયેલા એકના એક પુત્રને યાદ કરીને કોઈ જુએ નહિ તેમ થોડુક રડી લઈને પોતાની જાતે જ પોતાની વેદનાનું વિસામો ખોળે છે, અને ત્યારે ૨૧મી સદીની કહેવાતી આધુનિક જીવનશૈલી સામે આપોઆપ એક પ્રશ્નાર્થ મુકાઇ જાય છે.


