આ છે ગુજરાતની જુનામાં જુની કોલેજ, 125 વર્ષ જૂની કોલેજમાં ઉપલબ્ધ છે 55 હજાર પુસ્તકો
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ રસપ્રદ ઈતિહાસ ધરાવે છે, હેરીટેજ બિલ્ડીંગ સાથે કોલેજની લાઈબ્રેરીમાં 55 હજાર પુસ્તકો ઉપલબ્ધ છે એટલું જ નહીં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ રાજ્યની એક માત્ર એવી કોલેજ છે કે જ્યાં અન્ડર ગ્રેજ્યુએટ ફોરેન્સિક સાયન્સ કોર્સ ચાલે છે, મહત્વની વાત એ પણ છે કે આ સરકારી કોલેજમાં ભરપુર સુવિધા સાથે ઓછી ફી માં ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ છે.જૂનાગઢ શહેરમાં આવેલી ઐતિહાસિક બહà
06:52 AM Feb 10, 2023 IST
|
Vipul Pandya
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ રસપ્રદ ઈતિહાસ ધરાવે છે, હેરીટેજ બિલ્ડીંગ સાથે કોલેજની લાઈબ્રેરીમાં 55 હજાર પુસ્તકો ઉપલબ્ધ છે એટલું જ નહીં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ રાજ્યની એક માત્ર એવી કોલેજ છે કે જ્યાં અન્ડર ગ્રેજ્યુએટ ફોરેન્સિક સાયન્સ કોર્સ ચાલે છે, મહત્વની વાત એ પણ છે કે આ સરકારી કોલેજમાં ભરપુર સુવિધા સાથે ઓછી ફી માં ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ છે.
જૂનાગઢ શહેરમાં આવેલી ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની જો વાત કરીએ તો કોલેજનું બિલ્ડીંગ હેરિટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરાયું છે, બહાઉદ્દીન કોલેજ બિલ્ડીંગ સવાસો વર્ષ જૂનું છે, અંગ્રેજ સરકારના એજન્ટ એ.કે. હન્ટરે તેનું ખાતમુહુર્ત કર્યું હતું અને આ ગુજરાતની જૂનામાં જૂની કોલેજ છે કે જેનું ખાતમુહૂર્ત થયા બાદ અત્યાર સુધી તેનો કોલેજ તરીકે જ ઉપયોગ થઈ રહ્યો છે.
બહાઉદ્દીન કોલેજનો ગૌરવવંતો ઇતિહાસ છે, જૂનાગઢ આઝાદ થતાં સરદાર વલ્લભભાઈ પટેલે આ જ કોલેજના મેદાનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, મનોજ ખંઢેરીયા જેવા સાહિત્યકારો અને કવિઓ ઉપરાંત અનેક ઉધોગપતિ, વકીલો અને રાજકારણીઓ પણ આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે, જ્યારે આ બિલ્ડીંગનું નિર્માણ થયું ત્યારે તેનો સેન્ટ્રલ હોલ તે સમયે એશિયામાં એકમાત્ર એવો સેન્ટ્રલ હોલ હતો કે કોઈપણ પીલર વગર સૌથી વધુ ઊંચાઈ ધરાવતો હતો, બેનમુન કલાકૃતિનો નમૂનો કહી શકાય તેવી બહાઉદ્દીન કોલેજ બિલ્ડીંગ ને હેરિટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરાઈ છે. આમ આ કોલેજમાં અભ્યાસ કરવો એ વિદ્યાર્થીઓ માટે ગૌરવની વાત તો છે જ સાથોસાથ આ કોલેજની અનેક વિશેષતાઓ પણ છે જેને લઈને વિદ્યાર્થીઓ કોલેજ તરફ આકર્ષાય છે.
બહાઉદ્દીન કોલેજ બિલ્ડીંગ સદી વટાવી ચૂકેલી બેનમૂન કલાકૃતિ ધરાવતું એકમાત્ર એવું શૈક્ષણિક સંકુલ છે કે જેનો પાયો નંખાયો ત્યારથી જ તેનો ઉદ્દેશ્ય નિશ્ચિત હતો, આ કોલેજમાં હેરિટેજ ઉપરાંત કોલેજની લાઈબ્રેરી પણ અદભૂત છે, આ લાઈબ્રેરીમાં પાંચ પચ્ચીસ નહીં પરંતુ 55 હજાર જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે. બહાઉદ્દીન કોલેજની લાઈબ્રેરીમાં અનેકવિધ દુર્લભ પુસ્તકો છે, જૂનવાણી કલાત્મક કબાટમાં અતિ દુર્લભ કહી શકાય તેવા સુવર્ણથી મઢેલા ટાઈટલ ધરાવતા ઐતિહાસિક પુસ્તકો અને હસ્ત લીખીત પ્રતો સાથે ઇતિહાસની ઝાંખી કરાવતા ફોટો આલ્બમ પણ છે.
આ તમામ દુર્લભ પુસ્તકોનું અહીં જતન થાય છે, તેની કાળજી લેવાય છે અને તેની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં લાઈબ્રેરીમાં જે પુસ્તકો ઉપલબ્ધ છે તે માસ્ટર ડીગ્રી અને સંશોધનના વિષયો પર અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે તો એક દુર્લભ ખજાના સમાન છે જ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી એવું તમામ સાહિત્ય લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે.
બહાઉદ્દીન કોલેજના શિક્ષણની વાત કરીએ તો ગુજરાતમાં એક માત્ર જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ ફોરેન્સિક સાયન્સ નો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. અહીંથી ફોરેન્સિક સાયન્સ નો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓને સીબીઆઈ, આઈબી, ગૃહ વિભાગ, ફોરેન્સિક સાયન્સ સહિતના સરકારી વિભાગોમાં સારાં હોદ્દાની નોકરી મળી શકે છે.
ફોરેન્સિક સાયન્સ સાથે સાયબર સિક્યોરિટી નો અભ્યાસ પણ હોય છે તેથી આ વિષયમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ અનડિટેક્ટ ગુનાA ના ભેદ ઉકેલી શકે છે. હાલ બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે ચાલી રહેલા ફોરેન્સિક સાયન્સના અભ્યાસમાં 30 વિદ્યાર્થીઓ છે. જ્યાં ન માત્ર જૂનાગઢ કે ગુજરાત પરંતુ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓમાં ફોરેન્સિક સાયન્સના અભ્યાસને લઈને ઉત્સાહ અને ખુશી જોવા મળે છે. ફોરેન્સિક સાયન્સનો અભ્યાસક્રમ વિદ્યાર્થીને ઉજળા ભવિષ્ય તરફ લઈ જાય છે.
બહાઉદ્દીન સરકારી કોલેજમાં ભરપુર સુવિધા સાથે ઓછી ફી માં શિક્ષણ ઉપલબ્ધ છે તેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ સરકારી કોલેજ વરદાનરૂપ સાબિત થાય છે. ન માત્ર ઓછી ફી પરંતુ કોલેજ ના ફેકલ્ટીના વિષયો વિદ્યાર્થીઓને આ કોલેજ તરફ આકર્ષણ જન્માવે છે કારણ કે અમુક વિષયો જીલ્લામાં અથવા તો રાજ્યમાં એકમાત્ર બહાઉદ્દીન કોલેજમાં જ ભણાવવામાં આવે છે તેથી સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ વિષય પસંદગીને લઈને આ કોલેજમાં ભણવાનો આગ્રહ રાખે છે.
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાનગી શાળા કોલેજમાં અભ્યાસ કરવાનું આકર્ષણ હોય છે, લોકો મોંઘા શિક્ષણને સારું શિક્ષણ માનતા હોય છે પરંતુ ખાનગી શાળા કોલેજમાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો નથી હોતાં કે નથી હોતી ઓછી ફી... ત્યારે જૂનાગઢની સરકારી બહાઉદ્દીન કોલેજ પોતાના વિષયો અને ઐતિહાસિક વારસા તથા ફોરેન્સિક સાયન્સ જેવા ઉચ્ચ શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચોઃ એક એવું સ્થાનક જયા બાધા પુર્ણ થતા લોકો પાણીની બોટલ ચઢાવે છે, આજે અહીં ખડકાઇ ચૂક્યો છે પાણીનો બોટલોનો પહાડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article