Surat : ખાડો ખોદે તે સૌથી પહેલા તેમાં પડે!, ઝેર ભેળવનારી મહિલા પહોંચી જેલમાં
સુરતના ઉત્રાણ વિસ્તારમાં "ખાડો ખોદે તે પડે" જેવી કહેવત સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. અહીં વેરની અગ્નિમાં અંધ બનેલી એક મહિલાએ પવિત્ર 'પ્રસાદ'ને જ હત્યાનું હથિયાર બનાવી દીધું.ઉત્રાણ પોલીસે ઉષા નાકરાણી નામની મહિલાની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે ઉષાના પાડોશીની દીકરી અગાઉ કોઈની સાથે ભાગી ગઈ હતી. આ જૂની વાતનો ખાર રાખીને ઉષાએ પાડોશી પરિવાર પ્રત્યે અંગત વેર બાંધ્યું હતું. આ વેર એટલું હિંસક બન્યું કે તેણે સામૂહિક હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું.ઉષાએ ઘરમાં પ્રસાદ બનાવ્યો અને તેમાં ગુપ્ત રીતે ઘેનની ગોળીઓ અને ઝેરી પદાર્થો ભેળવી દીધા. પાડોશી પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદે તેણે આ પ્રસાદ તેમને આપ્યો. પ્રસાદ આરોગ્યા બાદ પરિવારના બે સભ્યોની તબિયત ગંભીર રીતે લથડી હતી, પરંતુ સમયસર સારવાર મળતા તેમનો જીવ બચી ગયો હતો.


