શું આદિમાનવ જાણતો હતો વિજ્ઞાન? 60 હજાર વર્ષ જૂના તીરો પર 'ઝેર' મળતા ખળભળાટ
- દક્ષિણ આફ્રિકામાં મળ્યા 60,000 વર્ષ જૂના ઝેરી તીર (60000 Year Old Arrows)
- ગુફામાંથી શિકાર માટે વપરાતા પ્રાચીન હથિયારો મળ્યા
- 'બુફોન ડિસ્ટિકા' છોડના ઘાતક ઝેરનો થતો હતો ઉપયોગ
- ક્વાઝુલુ-નતાલની ઉમ્લાતુઝાના ગુફામાં થયું સંશોધન
- શિકારની ગતિ ધીમી પાડવા વપરાતી હતી આ ખાસ ટેકનિક
60000 Year Old Arrows : દક્ષિણ આફ્રિકાની એક ગુફામાંથી સંશોધકોને એક એવી વસ્તુ મળી છે જેણે માનવ ઈતિહાસની સમજણ બદલી નાખી છે. અહીંથી શિકાર માટે વપરાતા એવા ઝેરી તીરો મળી આવ્યા છે, જેનો સમયગાળો આશરે 60,000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. આ શોધ સાબિત કરે છે કે તે જમાનાનો આદિમાનવ માત્ર પથ્થરો ઘસતો ન હતો, પરંતુ આપણી કલ્પના કરતાં પણ વધુ સ્માર્ટ અને સમજદાર હતો. સ્વીડન અને દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમે ક્વાઝુલુ-નતાલ વિસ્તારમાં આવેલી 'ઉમ્લાતુઝાના રોક શેલ્ટર' (Umlatuzana Rock Shelter) નામની ગુફામાંથી ક્વાર્ટઝ પથ્થરમાંથી બનેલા આ તીરો શોધી કાઢ્યા છે. આ શોધ દર્શાવે છે કે હજારો વર્ષ પહેલાનો માનવી પ્રકૃતિમાં રહેલા ઝેરનો ઉપયોગ હથિયાર તરીકે કેવી રીતે કરવો તે સારી રીતે જાણતો હતો.
60000 Year Old Arrows : ઝેર મારી નાખતું નહીં પણ...
વૈજ્ઞાનિકોના મતે, આ તીરોની ખાસિયત એ હતી કે તેના પર લગાડેલું ઝેર શિકારને તરત જ મારી નાખતું ન હતું. આ એક સોચી-સમજી રણનીતિ હતી. ઝેરની અસરથી પ્રાણીની ભાગવાની ગતિ ધીમી પડી જતી, જેથી શિકારી તેને સરળતાથી પકડી શકતો. લેબોરેટરી ટેસ્ટમાં ખુલાસો થયો છે કે આ ઝેર દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા ઝેરી છોડ 'બુફોન ડિસ્ટિકા' (Boophone Disticha) ના કંદમાંથી બનાવવામાં આવતું હતું. આ છોડનું ઝેર એટલું ઘાતક છે કે તે એક ઉંદરને માત્ર 20-30 મિનિટમાં મારી શકે છે અને મનુષ્યને પણ અશક્ત બનાવી દે છે. નવાઈની વાત એ છે કે ઇતિહાસના પાછળના તબક્કાઓમાં પણ તીરો પર આ જ ઝેરનો ઉપયોગ થતો હોવાના પુરાવા મળ્યા છે.
60000 Year Old Arrows : ભવિષ્યનું પ્લાનિંગ કરવાની ક્ષમતા
સ્ટોકહોમ યુનિવર્સિટીના પ્રોફેસર સ્વેન ઇસાકસન આ શોધને ક્રાંતિકારી ગણાવે છે. તેમના મતે, આ શોધ પ્રાચીન માનવીની 'કારણ અને અસર' (Cause and Effect) સમજવાની ક્ષમતા સાબિત કરે છે. તેઓ જાણતા હતા કે તીર પર ચોક્કસ પદાર્થ લગાવવાથી ભવિષ્યમાં તેની શું અસર થશે. આ પહેલા વિશ્વમાં સૌથી જૂના ઝેરી તીર 4,000 થી 8,000 વર્ષ જૂના મનાતા હતા, પરંતુ આ નવી શોધે ઇતિહાસને હજારો વર્ષ પાછળ ધકેલી દીધો છે. આ સાબિત કરે છે કે પ્લેઇસ્ટોસીન યુગનો શિકારી જટિલ વિચારો ધરાવતો હતો.
હજારો વર્ષો સુધી સાચવાયેલું રહસ્ય
સંશોધકો માટે સૌથી મોટા આશ્ચર્યની વાત એ હતી કે 60,000 વર્ષ વીતી ગયા હોવા છતાં, તીરો પર લાગેલા ઝેરના રાસાયણિક અંશ હજુ પણ જળવાયેલા હતા. રાસાયણિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું કે આ ઝેર માટીની અંદર લાંબા સમય સુધી ટકી શકે છે. વૈજ્ઞાનિકોએ તીરો પર ચોંટેલા ચિપચિપા પદાર્થની બારીકાઈથી તપાસ કરી, જેનાથી પ્રાચીન શિકારની પદ્ધતિઓ અને તે સમયના લોકોને રસાયણો વિશે જે જ્ઞાન હતું તેનો તાગ મળ્યો છે. આ શોધે માનવ ઉત્ક્રાંતિની વાર્તામાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે.
આ પણ વાંચો : Magh Mela : કોણ છે સતુઆ બાબા ? 3 કરોડની કાર લઈને માઘ મેળામાં કરી એન્ટ્રી


