આનંદ મહિન્દ્રાના મતે ભારતમાં શેનઝેન જેવું શહેર બનવું જોઈએ, જાણો યુઝર્સે કેવી આપી પ્રતિક્રિયા ???
- આનંદ મહિન્દ્રા હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે
- હવે આનંદે ભારતમાં શેનઝેન જેવું શહેર બનવું જોઈએ તેવી રજૂઆત કરી છે
- શેનઝેન ટેકનોલોજી અને ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર સમાન શેહર છે
New Delhi: મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેમણે ફરી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ કરાવી છે. આ વખતે તેમણે X પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે કહ્યું છે કે, ભારતમાં શેનઝેન જેવું શહેર બનાવવાનો સમય આવી ગયો છે. તેમનું કહેવું છે કે ભારતને પણ શેનઝેન જેવા સ્પર્ધાત્મક શહેરની જરૂર છે. શેનઝેન ચીનનું ટેકનોલોજી અને ઉત્પાદન કેન્દ્ર છે. ભારતે પણ આ શહેર પાસેથી શીખવું જોઈએ. શેનઝેન ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યું છે. આ શહેર વૈજ્ઞાનિક સંશોધન અને GDPની દ્રષ્ટિએ પણ આગળ છે. અહીં ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાય છે.
આનંદ મહિન્દ્રાની પોસ્ટ પર યુઝર્સની પ્રતિક્રિયા
આનંદ મહિન્દ્રાના આ સૂચન પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે અલગ અલગ શહેરોના નામ આપ્યા છે. કેટલાક લોકોએ કોલકાતા, ચંદીગઢ, હૈદરાબાદ અને મછલીપટ્ટનમ જેવા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. એક યુઝરે લખ્યું, નોઈડાને ભારતનું શેનઝેન બનાવવું એ એક યોગ્ય વિચાર રહશે. તેમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અને સેમિકન્ડક્ટર સંશોધનથી લઈને બધું જ છે.
It’s time for a Shenzhen equivalent city in India….
— anand mahindra (@anandmahindra) April 12, 2025
મછલીપટ્ટનમ શહેર શેનઝેન બની શકે ?
એક યુઝરે આ માટે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ શહેરનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે આ શહેર પૂર્વ કિનારે આંધ્રપ્રદેશમાં અમરાવતી નજીક છે. ત્યાં ઘણા લોકો ખેતી છોડીને અન્ય કામ કરવા તૈયાર છે. તેનું માનવું છે કે આ શહેર શેનઝેનની જેમ જ વિકાસ કરી શકે છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે સરકારે મફત વસ્તુઓ આપવાને બદલે લોકોને ખોરાક, ઘર અને આરોગ્ય જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડવી જોઈએ. ઉપરાંત, લોકોને તેમની કુશળતા વધારવાની તકો આપવી જોઈએ.
આ પણ વાંચોઃ PSIની ભરતી માટે પહેલા સેશનની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ, શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ
પુણે માટે સંભાવના
અન્ય એક યુઝરે પુણે શહેરને યોગ્ય ગણાવ્યું. તેણે કહ્યું કે પુણેમાં આઇટી ફિલ્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યાં શિક્ષિત લોકો છે અને મૂળભૂત સુવિધાઓ પણ સારી છે. તેમનું કહેવું છે કે જો સરકાર શહેરી આયોજનમાં સુધારો કરે અને નિયમો હળવા કરે, તો આ શહેર ટેકનોલોજી અને ઉત્પાદનનું એક મુખ્ય કેન્દ્ર બની શકે છે. કેટલાક લોકોને એવું પણ લાગે છે કે ભારતના લોકો હજુ આ માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે અહીંના લોકોમાં કૌશલ્યનો અભાવ છે અને તેમની કામ કરવાની રીત પણ એટલી સારી નથી. તેથી, મહિન્દ્રાનું આ સ્વપ્ન કદાચ પૂરું ન થાય. તેમ છતાં, આ વિચારે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે કે ભારતમાં શેનઝેન જેવું શહેર કેવી રીતે બનાવી શકાય.
શેનઝેન શહેર એટલે ચીનની સિલિકોન વેલી
ચીનનું શેનઝેન શહેર ઈલેક્ટ્રોનિક્સ સામાનના નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. તેને 'ચીનની સિલિકોન વેલી' પણ કહેવામાં આવે છે. આ શહેર ટેકનોલોજી અને ઉત્પાદનની દ્રષ્ટિએ ઘણું આગળ છે. આ શહેરના ઝડપી વિકાસનું કારણ એ છે કે તે હોંગકોંગની નજીક છે. તેને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવવામાં આવ્યું હતું. આનાથી ત્યાં વિદેશી રોકાણ આવ્યું અને નવા વિચારોને પ્રોત્સાહન મળ્યું. આજે શેનઝેન શહેર ચીનની ઘણી મોટી ટેકનોલોજી કંપનીઓનું હેડ ક્વાર્ટર છે. ઉદાહરણ તરીકે ટેલિકોમ કંપની હુવેઈ અને ઇ-વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની BYDની હેડ ઓફિસ આ શહેરમાં જ છે.
આ પણ વાંચોઃ Harshabhai Sanghviએ કેજરીવાલ અને અખિલેશ યાદવની કાઢી જાટકણી, X પર પોસ્ટવોર