Beyond Sixty : સાઈઠે સાંજ નહીં, સવાર: જીવતરની શાનદાર સેકન્ડ ઇનિંગ્સ
Beyond Sixty : ભારતમાં નિવૃત્તિ પછીનું જીવન હવે બદલાયું છે. સાઈઠ પછી સક્રિય જીવન, સિલ્વર ઇકોનોમી(Silver Economy) અને 'Young-Old' પેઢીની "Generation Gap' વિષે હકારાત્મક વલણ અને ઊમરનો સહર્ષ સ્વીકાર અને માનસિક વૃધ્ધ ન થવાય એ માટે આપણે જ કૈંક કરવું પડે.
કેટલાક દાયકાઓ પહેલાં સુધી આપણા સમાજમાં સાઈઠ વર્ષની ઉંમર એટલે જીવનની સ્ક્રિપ્ટનો 'ધ એન્ડ' મનાતો હતો. માથાના ધોળા વાળ, હાથમાં લાકડી, ચશ્માની પાછળથી ડોકાતી થાકેલી આંખો અને ઘરમાં ગોઠવાયેલ દવાઓનું કબાટ—આ આપણી પરંપરાગત કલ્પના હતી. જાણે સાઈઠે પહોંચવું એટલે સક્રિય દુનિયામાંથી એક્ઝિટ લઈને પૌત્રો-પૌત્રીઓ સાથે સમય વિતાવવો અને ઈશ્વર ભક્તિમાં લીન થઈ જવું.
પરંતુ, 21મી સદીના ત્રીજા દાયકામાં વૈશ્વિક સ્તરે એક શાંત, છતાં અત્યંત શક્તિશાળી ક્રાંતિ થઈ રહી છે. વિજ્ઞાન, તબીબી ક્ષેત્રની અભૂતપૂર્વ પ્રગતિ અને બદલાતી જીવનશૈલીએ આ જૂની સ્ક્રિપ્ટને ફાડી નાખી છે. આજે ઘડપણ પાછળ ઠેલાઈ રહ્યું છે અને જેને આપણે વૃદ્ધાવસ્થા કહેતા હતા, તે હવે 'સેકન્ડ યુવાની'ના બ્રેકેટમાં પ્રવેશી ચૂકી છે. સાઈઠ એ અંત નથી, પણ ઉત્સાહથી સભર એક નવું પ્રકરણ છે.
"નથી આ સાંજ કે આથમતા સૂરજની ઉદાસી છે,
આ તો નૂતન પ્રભાતની સ્નિગ્ધ, સોનેરી અગાસી છે."
Beyond Sixty : સમયરેખા બદલાઈ, ગણિત બદલાયું
ભૂતકાળમાં માનવ આયુષ્ય ટૂંકું હતું. પૌરાણિક હિન્દુ પરંપરામાં અર્થ, કામ, ધર્મ અને મોક્ષ જેવા ચાર પુરુષાર્થો અને ચાર આશ્રમોની વ્યવસ્થા પણ એ જ ધારણા પર આધારિત હતી કે મનુષ્ય પાસે મર્યાદિત સમય છે, તેથી બધું સમયસર પૂરું કરી લેવું જોઈએ. ૧૯૪૭માં ભારતમાં સરેરાશ આયુષ્ય માત્ર ૩૨ વર્ષની આસપાસ હતું, જે વીસમી સદીના મધ્યમાં વધીને સિત્તેરની આસપાસ પહોંચ્યું.
આજે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે:
વધતી આવરદા: ભારતમાં સરેરાશ આયુષ્ય હવે 72 વર્ષને પાર કરી ચૂક્યું છે અને 2050 સુધીમાં તે 78 વર્ષ થવાની સંભાવના છે.
શતકની આશા: તજજ્ઞો માને છે કે આજે જન્મેલું બાળક 100 વર્ષનું આયુષ્ય ભોગવે તેવી પૂરી શક્યતા છે.
વસ્તીનું નવું માળખું: યુનાઈટેડ નેશન્સ (UN) અનુસાર, ભારતમાં હાલમાં ૬૦થી વધુ ઉંમરના લોકોની સંખ્યા આશરે ૧૫.૩ કરોડ છે, જે ૨૦૫૦ સુધીમાં વધીને ૩૪.૭ કરોડ થવાનો અંદાજ છે.
આ આંકડા માત્ર વસ્તીવધારો નથી દર્શાવતા, પણ સમાજના સામાજિક અને આર્થિક ચહેરાના નવજીવનનો સંકેત આપે છે.
Beyond Sixty :'Young Old': જીવિત રહેવાથી જીવન જીવવા સુધીની સફર
યુનાઈટેડ નેશન્સે હવે 60થી 75 વર્ષની વયના લોકો માટે 'યંગ-ઓલ્ડ' (Young-Old) જેવો રસપ્રદ શબ્દ પ્રયોગ શરૂ કર્યો છે. આ એ પેઢી છે જે કેલેન્ડરની ઉંમરને વટાવીને મન અને શરીરથી સક્રિય છે. તેઓ માત્ર શ્વાસ નથી લઈ રહ્યા, તેઓ જીવી રહ્યા છે. મહાન ચિંતક માર્ટીન લ્યુથર કિંગે(Martin Luther King) એક જગ્યાએ બહુ માર્મિક વાત કહી હતી:
"મહત્વનું એ નથી કે તમે તમારા જીવનમાં કેટલા વર્ષો ઉમેર્યા, મહત્વનું એ છે કે તમે એ વર્ષોમાં કેટલું 'જીવન' ઉમેર્યું!"
અમેરિકન સમાજશાસ્ત્રી લોરા કારસ્ટેન્સન(Laura Carstensen) તેમના પુસ્તક 'અ લોંગ બ્રાઈટ ફ્યુચર' (A Long Bright Future)માં લખે છે કે વૃદ્ધાવસ્થા હવે આશ્રિતતા કે લાચારીનો સમય નથી, પરંતુ અવસરોની નવી ક્ષિતિજ છે. આ જીવનનો એવો ગાળો છે જ્યાં તમે એ કામો કરી શકો છો જે યુવાનીની જવાબદારીઓ વચ્ચે અધૂરા રહી ગયા હતા.
આ બદલાવ આપણી આસપાસના બગીચાઓમાં રોજ સવારે દેખાય છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી કે બેંગ્લોર જેવા શહેરોમાં સવારે દોડતા, સાયકલિંગ કરતા, યોગાભ્યાસ કરતા કે લાફ્ટર ક્લબમાં ખડખડાટ હસતા સિનિયર સિટિઝન્સ આજના યુવાનોને પણ ફિટનેસના મામલે શરમાવે તેવા છે. અહીં કેલેન્ડરની ઉંમર કરતાં 'Biological Age' (શારીરિક અને માનસિક ફિટનેસ) વધુ મહત્વની બની ગઈ છે.
થ્રી-સ્ટેજ મોડલનો અંત અને 'સિલ્વર ઇકોનોમી'નો ઉદય
બ્રિટિશ લેખકો એન્ડ્ર્યુ સ્કોટ અને લિન્ડા ગ્રેટને તેમના પ્રખ્યાત પુસ્તક 'ધ ૧૦૦ યર્સ લાઈફ' (The 100-Year Life)માં એક અદ્ભુત વાત કહી છે. તેઓ જણાવે છે કે જો માણસ ૧૦૦ વર્ષ જીવવાનો હોય, તો જીવનનું જૂનું મોડલ—શિક્ષણ, નોકરી અને નિવૃત્તિ—હવે નકામું બની જશે. હવે જીવન બહુ-તબક્કાવાર (Multi-stage) બનશે, જ્યાં માણસ ૬૦ વર્ષની ઉંમરે પણ નવું ભણશે, નવો વ્યવસાય શરૂ કરશે અને પોતાની જાતને રી-ઇન્વેન્ટ (નવા રૂપે સ્થાપિત) કરશે.
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું:
"જ્યારે તમે નવું શીખવાનું બંધ કરો છો, ત્યારે તમે મૃત્યુ પામવાનું શરૂ કરો છો."
આજના વયસ્કો આઈન્સ્ટાઈનની આ વાતને અક્ષરશઃ જીવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે 'અનરિટાયરમેન્ટ' (Unretirement)નો ટ્રેન્ડ વધ્યો છે. નિવૃત્તિ પછી લોકો કન્સલ્ટિંગ કરે છે, નવી સ્ટાર્ટ અપ્સ કંપનીઓ સ્થાપે છે, સામાજિક સંસ્થાઓ ચલાવે છે અને સોશિયલ મીડિયા પર પ્રભાવક બને છે. આ બદલાવે આર્થિક જગતમાં 'સિલ્વર ઇકોનોમી' (Silver Economy)ને જન્મ આપ્યો છે. સિનિયર સિટિઝન્સ હવે માત્ર પેન્શન મેળવનારા આશ્રિતો નથી; તેઓ સક્રિય ગ્રાહકો, રોકાણકારો અને અર્થતંત્રને ગતિ આપનારું મોટું બળ છે.
અંતિમ ચિંતન: જીવનનો વિસ્તાર
હાર્વર્ડ યુનિવર્સિટીના અસંખ્ય અભ્યાસો સાબિત કરે છે કે સક્રિય સામાજિક જીવન, નિયમિત વ્યાયામ અને માનસિક વ્યસ્તતા માણસના ઘડપણની પ્રક્રિયાને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.
સાઈઠ પછીની આ ઉંમર સંકુચિત થવાની નથી, પણ 'વ્યક્તિ' મટીને 'વિશ્વમાનવી' બનવાની, પોતાના અનુભવોનો લાભ સમગ્ર સમાજને આપવાની અવસ્થા છે.
આપણે લાંબા સમય સુધી ઉંમરને છુપાવવાની કોશિશ કરતા રહ્યા છીએ. કોઈ મોટી ઉંમરની વ્યક્તિ નાની દેખાય તો આપણે તેને પ્રશંસા માનીએ છીએ, જાણે મોટી ઉંમર હોવી એ કોઈ ગુનો હોય! હવે સમય આવી ગયો છે કે આપણે ઉંમરના દરેક વર્ષને ગૌરવપૂર્વક સ્વીકારીએ. ઉંમર વધવી એ જીવનના દરવાજા બંધ થવાનો અવાજ નથી, પરંતુ એક એવા નવા રૂમનો દરવાજો ખુલવાનો સંકેત છે જે વધુ શાંત છે, વધુ સમૃદ્ધ છે, અને અનુભવોના ભાથા સાથે વધુ સુંદર છે. ઘડપણ એ યુવાનીનો અંત નથી, એ તો જીવનની નવલકથાનું સૌથી પરિપક્વ અને રસપ્રદ બીજું પ્રકરણ છે.
આ પણ વાંચો : Ancient Indian science : પશ્ચિમી શોધને વૈદિક પડકાર: મહર્ષિ કણાદનું વિજ્ઞાન-સૂત્ર


