ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Birdhouse : 1500 માટલાંમાંથી બે હજારથી વધુ પક્ષીઓ માટે અનોખું રેનબસેરા

પંખીઓનો વૃદ્ધાશ્રમ પણ બની રહ્યો છે
05:29 PM Apr 22, 2025 IST | Kanu Jani
પંખીઓનો વૃદ્ધાશ્રમ પણ બની રહ્યો છે

Birdhouse : ઉત્તર ગુજરાતના મહેસાણા પાસેના પાંચોટ ગામમાં શિવગંગા ઍનિમલ હેલ્પલાઇન સંસ્થા (Sivaganga Animal Helpline)એ 1500 માટલાંમાંથી બે હજારથી વધુ પક્ષીઓ માટે રેનબસેરા ઊભું કર્યું છે, જ્યાં રોજ સાંજ પડે ને આવે છે અસંખ્ય પક્ષીઓ અને કરે છે રાતવાસો. આ સંસ્થા પંખીઓ માટે વૃદ્ધાશ્રમ અને અદ્યતન હૉસ્પિટલ બનાવવાની છે જેમાં એવું નૅચરલ વાતાવરણ ક્રીએટ કરવામાં આવશે જેથી પક્ષીઓને સુર‌ક્ષિત અને પોતીકું લાગે

શિવગંગા ઍનિમલ હેલ્પલાઇન સંસ્થામાં પક્ષીની ચાલી રહેલી સારવાર

અબોલ જીવો માટે સેવાભાવી લોકો વર્ષોથી કામ કરતા આવ્યા છે અને કરતા રહેશે પરંતુ ઉત્તર ગુજરાતના મહેસાણાને અડીને આવેલા પાંચોટ ગામમાં બનાવેલું પંખીઓનું માટલાઘર Birdhouse આજકાલ આવકારદાયક ચર્ચાનો વિષય બન્યું છે. શિવગંગા ઍનિમલ હેલ્પલાઇન(Sivaganga Animal Helpline) સંસ્થા આમ તો છેલ્લા ઘણા સમયથી અહીં પશુપંખીઓ માટે સેવા અને સારવાર કરી જ રહી છે, પરંતુ આ ટ્રસ્ટે 1500 થી વધુ માટલાં મૂકીને પક્ષીઓ માટે રેનબસેરા એટલે કે પંખીઓ માટે આખી કૉલોની જ ઊભી કરી છે જ્યાં રોજ સાંજ પડે ને અસંખ્ય પક્ષીઓ આવે છે અને રાત્રે રાતવાસો કરે છે. આનાથી આગળ વધીને આ ટ્રસ્ટ અહીં પંખીઓ માટે વૃદ્ધાશ્રમ, હા, પંખીઓનો વૃદ્ધાશ્રમ બનાવી રહ્યું છે અને એની સાથે-સાથે અદ્યતન હૉસ્પિટલ પણ બનાવી રહ્યું છે. અહીં આવતાં કબૂતર, પોપટ, ચકલી સહિતનાં પક્ષીઓને પોતાના ઘરે એટલે કે માળામાં પાછાં ફર્યાં હોય એવી લાગણી થાય એનું વિશેષ ધ્યાન રાખીને નૅચરલ વાતાવરણ ક્રીએટ કરી રહ્યું છે.

પંખીઘરમાં બેથી અઢી હજાર પંખીઓ રહી શકે એવી વ્યવસ્થા

પંખીઓના માટલાઘર વિશે વાત કરતાં શિવગંગા ઍનિમલ હેલ્પલાઇન સંસ્થાના દિનેશ શાહ કહે છે, ‘મારાં દાદા–દાદી ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતાં. વર્ષો પહેલાં તેમણે પણ ચબૂતરો બનાવ્યો હતો અને પશુ-પંખીઓ માટે સેવાકાર્યો કરતાં. એ રસ્તા પર અમે ચાલીએ છીએ અને અબોલ જીવો માટે કામ કરીએ છીએ ત્યારે પંખીઓનું આ ઘર બનાવવા પાછળનો કન્સેપ્ટ એવો છે કે કોઈ અવાજ થાય તો પંખીઓ એકસાથે ઊડે છે એટલે થયું કે એવા ડાયરેક્શન સાથે કામ કરીએ કે પંખીઓ ઊડે તો એકબીજાને ટચ ન થાય અને ઊડવામાં તકલીફ ન પડે.

પંખીઘરમાં બેથી અઢી હજાર પંખીઓ રહી શકે એવી વ્યવસ્થા

રાત્રે પંખીઓને રહેવા માટે સુરક્ષિત જગ્યા મળી રહે અને રાતે પણ પંખીઓ એકબીજાને ડિસ્ટર્બ ન કરે એને ધ્યાનમાં રાખીને આ પંખીઘર બનાવ્યું છે. મારે કન્સ્ટ્રક્શનનું કામકાજ છે એટલે પંખીઓને રહેવા માટે ત્રણ સ્ટ્રક્ચર બનાવવાનો વિચાર આવ્યો. હાલમાં અમે પાંચોટ ગામમાં જે જગ્યાએ પંખીઓનો વૃદ્ધાશ્રમ અને હૉસ્પિટલ બનાવી રહ્યા છીએ એની ટેરેસ પર સ્ટીલના ગર્ડર પર ગોળ પાઇપની સાત લાઇન કરીને એનું મેકૅનિઝમ કરાવી ત્રણ સ્ટ્રક્ચર ઊભાં કરીને એમાં માટલાંઓ ગોઠવીને પંખીઘર તૈયાર કર્યાં છે. આ પંખીઘર જમીનથી ૨૭ ફુટ ઊંચે છે. હાલમાં આ માટલાઘરમાં કબૂતર, હોલા, પોપટ, ચકલી સહિતનાં પંખીઓ આવતાં-જતાં હોય છે તેમ જ માળા બનાવીને ઈંડાં પણ મૂકે છે. આ પંખીઘરમાં બેથી અઢી હજાર પંખીઓ રહી શકે એવી વ્યવસ્થા કરી છે.’

પાંચોટમાં બની રહેલું પંખીઓનું વૃદ્ધાશ્રમ અને હૉસ્પિટલનું બિલ્ડિંગ.

પંખીઘર Birdhouse બનાવીને પલાંઠી વાળીને બેસી રહેવાના બદલે આ સંસ્થા હવે અબોલ પક્ષીઓ માટે નવીન પહેલ કરી રહી છે અને હવે પક્ષીઓ માટે વૃદ્ધાશ્રમ બનાવી રહી છે. પંખીઓનો આ વૃદ્ધાશ્રમ એવો હશે જેમાં ઉપરથી નદી વહેતી-વહેતી નીચે આવે. એક તળાવ હોય, ચબૂતરો હોય, પંખીઓ માટે વૃક્ષો હોય અને એવું નૅચરલ વાતાવરણ ક્રીએટ કરવામાં આવશે જેથી પક્ષીઓને એ જગ્યા પોતીકી લાગે. ટાઢ, તડકો કે વરસાદની સીઝન હોય તો પણ તાપમાન જળવાઈ રહે અને પક્ષીઓને તકલીફ ન પડે એવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પંખીઓનો વૃદ્ધાશ્રમ તેમ જ પશુ-પંખીઓની હૉસ્પિટલ પણ હવે શરૂ થવાની તૈયારીમાં છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘૪૦ હજાર સ્ક્વેરફીટની જગ્યામાં પંખીઘર, પંખીઓ માટેનો વૃદ્ધાશ્રમ અને હૉસ્પિટલ બની રહ્યાં છે. ટેરેસ પર પંખીઘર અને નીચે પંખીઓનો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. ઘરડાં પંખીઓ અને માંદાં પંખીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી છે જેમાં પંખીઓને અનુકૂળ પડે એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ.

સંસ્થામાં સારવાર માટે ગાયોને રાખવામાં આવી રહી છે.

ટેરેસ પરથી નદી નીચે વહેતી હોય, નાનકડા તળાવના કિનારે પંખીઓ વૃક્ષના થડ પર કે નાનાં વૃક્ષ પર બેસે એવી વ્યવસ્થા, નદી અને તળાવમાંથી પંખી પાણી પી શકે, સ્પ્રિન્ક્લર મૂકવામાં આવશે જેથી પંખીઓને લાગે કે વરસાદ પડે છે, માટીના ઢગલા રાખવામાં આવશે, ઝાડનાં ડાળખાં હશે અને એ રીતે ક્લાઇમેટ ઊભું કરવા સાથે પંખીઓને અનુકૂળ બની રહે એ રીતે ટેમ્પરેચર મેઇન્ટેન થાય એવો માહોલ ઊભો કરીને પંખીઓ માટે વન જેવો માહોલ ક્રીએટ કરવામાં આવશે. આ ઉપરાંત પશુ-પંખીઓ માટે અદ્યતન હૉસ્પિટલ બનશે જેમાં ઑપરેશન થિયેટર સહિતની તમામ સગવડો ઊભી કરવામાં આવશે. પંખીઘર ખુલ્લું મૂક્યાને એક મહિના જેટલો સમય થયો છે અને પંખીઓના વૃદ્ધાશ્રમ અને હૉસ્પિટલનું ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં આ પહેલો પંખીઓનો વૃદ્ધાશ્રમ હશે. કદાચ ભારતમાં પણ આ પ્રથમ હોઈ શકે.’

પંખીઓના વૃદ્ધાશ્રમમાં આ રીતે કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવશે.

શિવગંગા ઍનિમલ હેલ્પલાઇન સંસ્થા પાંચોટમાં અક્ષમ, ઘાયલ, અકસ્માતનો ભોગ બનેલાં, બીમાર પશુ-પંખીઓની સારવાર છેલ્લા ઘણા સમયથી કરવામાં આવે છે અને આસપાસના વિસ્તારોમાંથી રોજેરોજ ગાય, કૂતરા, કબૂતર સહિતનાં પશુ-પંખીઓને સારવાર માટે લાવવામાં આવે છે એ વિશે વાત કરતાં સંસ્થાના મૅનેજર ભરત આચાર્ય  કહે છે, ‘ભુવનેશ્વરી માતાજીના મંદિરની પાસે આવેલી જગ્યામાં હાલમાં પશુ-પંખીઓની સારવાર કરી રહ્યા છીએ. અહીં ૧૫ જણનો સ્ટાફ છે અને ઍમ્બ્યુલન્સ પણ છે. અમારે ત્યાં હાલમાં ૧૫૫ ગાયો, ૩ ઊંટ અને ૩ ગધેડાની સારવાર ચાલી રહી છે. રોજના સરેરાશ ૬૦ જેટલા કેસ પશુ-પક્ષીઓના આવે છે. પાંચોટ ગામની આસપાસના ૧૫ કિલોમીટરના એરિયામાંથી અમે બીમાર ગાયોને સારવાર માટે લઈ આવીએ છીએ અને સારવાર કરીએ છીએ.’

આ પણ વાંચો : Transgender : એક પુત્રીની માતા અને ઘણા બાળકોની દાદી ગૌરી સાવંતની વાર્તા તેમના પોતાના શબ્દોમાં...

Tags :
Animal HelplineBirdhouse
Next Article