હાથી મેરે સાથી...!!! મૃત્યુશૈયા પર રહેલા મહાવતને મળવા હાથી આવ્યો હોસ્પિટલમાં
Viral Video: સુપરસ્ટાર રાજેશ ખન્નાએ રીલ લાઈફમાં હાથી માટે કહ્યું હતું કે, તું યારો કા યાર હે.....કિતના વફાદાર હૈ. આ પંક્તિ રીયલ લાઈફમાં એક હાથીએ સાચી સાબિત કરી દીધી છે. જિંદગીના મોટાભાગના વર્ષો જે મહાવત સાથે વીતાવ્યા તેમના અંતિમ સમયે છેલ્લીવાર મળવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો. આ ઘટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મહાવતની છેલ્લી મુલાકાત માટે હાથીએ કર્યુ કંઈક આવું
આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક હાથી હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેના વૃદ્ધ મહાવત કે જે મૃત્યુ શૈયા પર હોય છે તેને મળવા-જોવા માટે આવે છે. આ પ્રસંગે હાજર લોકોની આંખો પણ ભીની થઈ જાય છે. ખરેખર, હાથીનો તેના મહાવત સાથે ખાસ સંબંધ છે. કદાચ આ જ કારણ છે કે હાથીઓ તેમના સંભાળ રાખનારા મહાવત સાથે અંત સુધી રહે છે.
આ પણ વાંચોઃ OMG : વિમાન ઉડ્યું, પછી ખબર પડી - પાયલટ પાસપોર્ટ ભૂલી ગયો!
હાથીની સમજદારીને સલામ
હોસ્પિટલમાં હાથીની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની મહાવત પ્રત્યેની મમતા અને લાગણી સ્પષ્ટ જોઈ શકાય છે. આ સાથે હાથીની સમજદારી પણ આ વીડિયોમાં જોઈ શકાય છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ જે રૂમમાં મહાવતને મળવા જાય છે તે રુમની છત નીચી હોવાને લીધે હાથી ધીમે ધીમે નીચે બેસે છે. વૃદ્ધ માણસને સ્પર્શ કરવા માટે તેની સૂંઢ લંબાવે છે. ત્યાં ઉપસ્થિત એક સ્ત્રી પ્રેમથી પોતાનો હાથ ઉંચો કરે છે અને હાથીની સૂંઢ પર મૂકે છે. આ ક્ષણ અત્યંત કરુણ અને હૃદયસ્પર્શી છે. એવું લાગતું હતું કે હાથી તેના પ્રિય મિત્રને જગાડવાનો અને તેની સાથે છેલ્લી વાર વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
યુઝર્સ થઈ ગયા ભાવુક
આ વાયરલ વીડિયો જોનાર દરેક જણ ભાવુક થઈ ગયા છે. કેટલાક યુઝર્સે તો લાગણીશીલ કોમેન્ટ્સથી કોમેન્ટ સેકશન ધણધણાવી દીધું છે. એક યુઝરે લખ્યું કે, મને એ ઘટના યાદ છે જ્યારે એક હાથીએ તેના ટ્રેનરના મૃત્યુ પછી ઘણા દિવસો સુધી શોક વ્યક્ત કર્યો હતો. હાથીઓ ક્યારેય ભૂલતા નથી. બીજા યુઝરે લખ્યું કે, આ વિડીયો એ વાતનો પુરાવો છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. આ સૌથી સુંદર અને હૃદયસ્પર્શી દ્રશ્ય છે. ત્રીજા યુઝરે લખ્યું કે, એક મૂક પ્રાણી પણ પ્રેમની કેવી અભિવ્યક્તિ અને અનુભૂતિ કરી શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચોઃ આને કહેવાય છે કિસ્મત! કાકાએ 40 વર્ષ નાની યુવતી સાથે કર્યા લગ્ન, સો. મીડિયા પર લોકોએ લીધી મોજ