Ladakh Temple: લદ્દાખના મનાલી-લેહ હાઇવે પર આવેલા ગાટા લૂપ્સ (Gata Loops) વિસ્તારમાં આ અનોખું મંદિર આવેલું છે. તેને ઘોસ્ટ ટેમ્પલ (Ghost Temple) તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી પસાર થતા પ્રવાસીઓ અને વાહનચાલકો પાણી અર્પણ કરીને આગળની મુસાફરી શરૂ કરે છે.
સ્થાનિક લોકકથા મુજબ, વર્ષ 1999ની આસપાસ આ વિસ્તારમાં એક ટ્રક ખરાબ થઈ ગયો હતો. કડકડતી ઠંડી અને પાણીની અછત વચ્ચે ટ્રક સાથે જોડાયેલા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ તેની યાદમાં અહીં નાનકડું સ્મારક બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, આ ઘટનાની વિગતો વિશે અલગ-અલગ વર્ણનો મળે છે.
શ્રદ્ધાના નામે પ્લાસ્ટિકનો ઢગલો
સમય જતાં મુસાફરોમાં પાણી ચઢાવવાની પરંપરા લોકપ્રિય બની. પરંતુ અનેક પ્રવાસીઓ પાણી અર્પણ કર્યા બાદ ખાલી પ્લાસ્ટિક બોટલો ત્યાં જ છોડી દે છે. આ સમસ્યાને કારણે મંદિરની આસપાસ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો જમા થયો છે. લદ્દાખની સંવેદનશીલ પર્યાવરણીય વ્યવસ્થા (Himalayan Ecosystem) માટે આ ચિંતાજનક બાબત બની છે.
વાયરલ વીડિયોમાં પ્રવાસીની અપીલ
તાજેતરમાં મોટો વ્લોગર મનીષ (Manish) એ પોતાની લદ્દાખ યાત્રા દરમિયાન આ સ્થળનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેમણે શ્રદ્ધાળુઓને અપીલ કરી કે પાણી જરૂર ચઢાવો, પરંતુ ખાલી બોટલ સાથે પાછી લઈ જાઓ. તેમણે એક સ્થાનિક ટ્રક ડ્રાઇવરનું ઉદાહરણ આપ્યું હતું. ડ્રાઇવરે મંદિરમાં પાણી અર્પણ કર્યા બાદ બોટલ પોતાની ગાડીમાં મૂકી દીધી હતી. મનીષે આ વર્તનને જવાબદાર પ્રવાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
8 ટન જેટલો પ્લાસ્ટિક કચરો દૂર કરાયો
ઓક્ટોબર 2026માં ઉરૂજ મ્યુઝિક ફાઉન્ડેશનની ટીમે ગાટા લૂપ્સ નજીક ત્રણ દિવસ સફાઈ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન અંદાજે 7થી 8 ટન પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Viral Video : દરવાજે સિલિન્ડર મૂકતાં જ બન્યો આગનો ગોળો! CCTVમાં કેદ થયા રૂંવાડાં ઊભાં કરી દેતા દૃશ્યો