Natural diet and health : આહારને જ તમારી દવા બનાવો અને દવાને આહાર ન બનવા દો
Natural diet and health : માણસ સ્વાદના ચક્કરમાં પેટને ગુલામ સમજે છે, પણ ચતુર પેટ અપમાન સહન નથી કરતું. જાણો ખોટા આહાર(Diet)થી થતા નુકસાન અને બચવાના ઉપાયો.
આપણે જે ખાઈએ છીએ તે આપણા અસ્તિત્વનો આધાર છે, પણ આજના ભૌતિકવાદી યુગમાં માણસ સ્વાદના ચક્કરમાં પોતાના પેટને ગુલામ સમજી બેઠો છે. સવારથી સાંજ સુધી જે હાથમાં આવે તે પેટમાં પધરાવતા રહેવું એ આધુનિક માનવીની આદત બની ગઈ છે. પણ યાદ રાખવું ઘટે કે પેટ ઘણું ચતુર છે, તે પોતાનું અપમાન લાંબો સમય સહન નથી કરતું અને મોડે મોડે પણ એવું વેર વાળે છે કે માણસ પથારીવશ થઈ જાય છે.
Natural diet and health : 25 ટકાનો જાદુ અને કરોડપતિ ડોક્ટરો
આધુનિક તબીબી વિજ્ઞાન(Medical science)ના પિતામહ હિપોક્રેટસે 2500 વર્ષ પહેલાં એક સાદી પણ સચોટ વાત કહી હતી કે, તમારા આહારને જ તમારી દવા બનાવો અને દવાને આહાર ન બનવા દો. સહેજ ભૂખ રાખીને, ચાવી ચાવીને મૂંગા મોંઢે ખાવાની આપણી પરંપરા પાછળ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.
ઇજિપ્તની એક પ્રાચીન કબર પર કોતરાયેલો શિલાલેખ આજે પણ આપણને આયનો બતાવે છે, જેમાં લખ્યું છે કે માણસ જે વધુપડતું ખાય છે તેમાંથી માત્ર 25 ટકા જ તેને જીવતો રાખે છે, બાકીનો 75 ટકા ખોરાક ડોક્ટરોને જીવાડે છે! આજે આ વાત વધુ પ્રાસંગિક બની છે, કારણ કે એ 75 ટકા ખોરાક હવે ડોક્ટરોને માત્ર જીવાડતો નથી, પણ કરોડપતિ બનાવે છે.
સુપ્રીમ કોર્ટના અમેરિકન જસ્ટિસ ઓલીવર વેન્ડેલ હોમ્સ(Oliver Wendell Holmes), જેઓ પોતે એક એમ.ડી. ડોક્ટર હતા, તેમણે એક કેસના ચુકાદામાં કટાક્ષ કર્યો હતો કે જો દુનિયાની તમામ એલોપથિક દવાઓને દરિયામાં ફેંકી દેવામાં આવે અને માણસ માત્ર કુદરતી આહાર પર જીવવા લાગે, તો માનવજાતનું તો કલ્યાણ થઈ જશે, પણ મુશ્કેલી એ થશે કે એ ઝેરી દવાઓ પીને બિચારી દરિયાની માછલીઓ મરી જશે!
મગજનો વિકાસ અને આંતરડાનું સંકોચન
માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ આહાર સાથે સીધો જોડાયેલો છે. આહાર નિષ્ણાતોના મતે, આદિમાનવનું મગજ નાનું હતું અને તેનું પેટ તથા આંતરડા મોટા હતા, જેથી તે પેટ ભરીને ગમે તે રાંધ્યા વગરનો ખોરાક પચાવી શકતો. આજે સદીઓ પછી માણસનું મગજ બે થી ત્રણ ગણું વિકસ્યું છે, જ્યારે તેની સામે આંતરડા નાનાં થતાં ગયાં છે. આ વૈજ્ઞાનિક સત્ય એ તરફ ઈશારો કરે છે કે જે લોકો મગજનું કામ વધારે કરે છે, તેમણે રાંધેલો અને ભારે ખોરાક શક્ય એટલો ઓછો કરવો જોઈએ. મગજની સક્રિયતા જાળવી રાખવા માટે આહારમાં વધુમાં વધુ કાચો ખોરાક, સલાડ અને તાજા ફળોનો સમાવેશ કરવો અનિવાર્ય છે.
સાંધાના દુખાવાનો કુદરતી ઈલાજ
પશ્ચિમી દેશોમાં હવે કુદરતી ચિકિત્સા અને 'રો ફૂડ' (Raw food)એટલે કે કાચા આહારનો પ્રચાર ખૂબ વેગ પકડી રહ્યો છે. ત્યાંના ન્યુટ્રિશન એસોસિએશનના સભ્યો સવારે નરણે કોઠે તાજી ચેરીનો રસ પીવાની સલાહ આપે છે. વિટામિન 'સી'નો અખૂટ ખજાનો ધરાવતી ચેરી માત્ર એક ઉત્તમ નર્વ ટોનિક નથી, પણ તે મગજનો થાક ઉતારવામાં પણ અજોડ છે.
રોમન શહેનશાહોના સમયમાં જાહેર રસ્તાઓની બંને બાજુ ચેરીના વૃક્ષો વાવવામાં આવતા, જેથી સૈનિકો કૂચ દરમિયાન તેને ખાઈ શકે અને તેમના સાંધાના દુખાવા મટી જાય. 20મી સદીમાં ડો. લુડવીગ બ્લાઉએ પોતાના અનુભવથી સાબિત કર્યું કે રોજનો રાંધેલો ખોરાક છોડીને માત્ર ચેરીનો રસ પીવાથી તેમનો વર્ષો જૂનો સંધિવા ગાયબ થઈ ગયો. વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે ચેરીમાં રહેલું એન્થોસાઇનીન્સ તત્વ શરીરમાંથી યુરિક એસિડ ઓછું કરે છે, જે સાંધાના દુખાવાનો અસલી વિલન છે.
હુંઝા સંસ્કૃતિ અને ઘોડાની તાકાતનો પાઠ
લાંબા આયુષ્ય અને બુઢાપો નિવારવા માટે વૈજ્ઞાનિકો જગતભરમાં સંશોધનો કરી રહ્યા છે, ત્યારે ડો. એમિલી કેને એક ખૂબ જ ટૂંકો અને સરળ મંત્ર આપ્યો છે: 'ઈટ લેસ એન્ડ સ્ટે એક્ટિવ'—ઓછું ખાઓ અને સક્રિય રહો. હિમાલયની ગોદમાં આવેલા પાકિસ્તાનના 'હુંઝા' Hunza પ્રદેશના લોકો આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. ત્યાંના લોકો માત્ર સાચું સંયમપૂર્વકનું ભોજન લે છે અને કડક ભૂખ લાગે ત્યારે જ જમે છે. પરિણામે, તેઓ કોઈપણ રોગ વગર 100 વર્ષથી વધુનું આયુષ્ય ભોગવે છે.
આપણા આહારને સમજવા માટે નિસર્ગોપચારો ઘોડાનું બહુ સરસ ઉદાહરણ આપે છે. માણસ અને ઘોડાના દાંતની રચના ઘણી સામ્યતા ધરાવે છે. ઘોડો સંપૂર્ણ શાકાહારી છે, તેને જ્યારે ભૂખ લાગે ત્યારે જ ચણે છે અને છતાં તેનામાં કેવી અખૂટ શક્તિ અને દોડવાની ક્ષમતા હોય છે! ફળો અને કાચા શાકભાજી એ પ્રકૃતિ દ્વારા તૈયાર કરાયેલું 'પ્રિ-ડાઇજેસ્ટેડ' ભોજન છે, જેને પચાવવા માટે શરીરને નકામી ઊર્જા વેડફવી પડતી નથી.
'મરેલો ખોરાક' અને લિવર પર વધતો બોજો
આજના કહેવાતા સિવિલાઈઝેશને માણસની આહારપદ્ધતિને સાવ વંઠાવી દીધી છે. રેસ્ટોરાંમાં મળતો પ્રોસેસ્ડ, પેકેજ્ડ અને વાસી ખોરાક વાસ્તવમાં 'મરેલો ખોરાક' છે, જે પોષણ નથી આપતો પરંતુ હૃદયરોગ ભેટમાં આપે છે. અમેરિકા જેવા દેશોમાં સ્થૂળતા (ઓબેસિટી) રોગચાળાની જેમ ફેલાઈ રહી છે, કારણ કે ત્યાંના લોકો લીલા શાકભાજી છોડીને માત્ર કૃત્રિમ ગળપણવાળા પીણાં અને જંક ફૂડ પર જીવે છે. આશ્ચર્યની વાત એ છે કે, ત્યાંના અડધાથી વધુ એલોપથિક ડોક્ટરો પોતે સ્વીકારે છે કે તેમની પાસે સ્થૂળતા નિવારવાનું કોઈ સ્પષ્ટ જ્ઞાન જ નથી!
આપણા આહારમાં કાર્બોહાઇડ્રેટ (ઘઉં, મેંદો, મકાઈ)નું પ્રમાણ માત્ર ૨૦ ટકા હોવું જોઈએ, જ્યારે બાકીનો 80 ટકા હિસ્સો ફળો અને શાકભાજીનો હોવો જોઈએ. જ્યારે આપણે દિવસ-રાત બ્રેડ, વડાપાંઉ કે પિઝા જેવો મેંદાવાળો ખોરાક પેટમાં નાખીએ છીએ, ત્યારે તેને પચાવવા માટે લિવરે ગજા ઉપરાંતનું કામ કરવું પડે છે અને અંતે લિવર ફેઈલ થાય છે. જૂની કહેવત છે કે, 'મેની ડિશીઝ બ્રિંગ મેની ડિસીઝ'—જમવાની થાળીમાં જેટલી વાનગીઓ વધારે, એટલી જ બીમારીઓ વહેલી આવશે.
પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય
જો યુવાની લાંબો સમય ટકાવી રાખવી હોય, ગર્ભવતી મહિલાઓ અને ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરવું હોય, તેમજ કરોડરજ્જુની બીમારીઓથી બચવું હોય તો શરીરમાં કુદરતી ફોલિક એસિડ જવું ખૂબ જરૂરી છે. આ ફોલિક એસિડ મેળવવા માટે પાલક, શતાવરી, કોબીજ, કેળાં, ગાજર અને મૂળા શ્રેષ્ઠ માધ્યમ છે. આપણા પરંપરાગત ખોરાકમાં ફેરફાર કરીને અઠવાડિયામાં બે-ત્રણ વાર જુવાર કે ચોખાના ઢોકળામાં ફોતરાવાળી મગની દાળ અને ભરપૂર લીલાં શાકભાજી ઉમેરીને ખાવું જોઈએ, જેથી કૃત્રિમ દવાઓ વિના જ શરીરને પૂરતું પોષણ મળી રહે.
આરોગ્યનો સાચો અને એકમાત્ર રાજમાર્ગ પ્રકૃતિ તરફ પાછા વળવાનો જ છે, કારણ કે 'હીલિંગ પાથ ઈઝ એ નેચર પાથ'. પેટ આપણું ગુલામ નથી, પણ જો આપણે તેને મિત્ર બનાવીને રાખીશું, તો તે આપણને દીર્ઘાયુષ્યનું વરદાન ચોક્કસ આપશે.
આ પણ વાંચો : Monsoon and Folk Traditions : ચોમાસું: ઋતુ નહીં, એક સંવેદના

