લજામણીનો છોડ કદાચ જોયો ન હોય તો પણ એના વિશે સાંભળ્યુ તો હશે. પૂરબહારમાં ખીલેલા લજામણીના છોડ કે ફૂલને માણસ જ્યારે સ્પર્શે છે. ત્યારે તે બીડાઇ જાય છે. આપણે એનું અર્થઘટન એવું કરીએ છીએ કે લજામણીનું ફૂલ શરમાઇ જાય છે - એ તો આપણે કરેલું અર્થઘટન છે હકીકતમાં કદાચ માનવસ્પર્શની લજામણીનો છોડ ગભરાઇ જાય છે. એની ગભરામણને સમજ્યા વગર જો તમે એને સ્પર્શમુક્ત નથી કરતાં તો એ કરમાઇ પણ જાય અને કદાચ સૂકાઇ પણ જાય. જર્મનીમાં થોડાક વર્ષો પૂર્વ વનસ્પતિના એક વિજ્ઞાનશાસ્ત્રીએ કરેલો એક વૈજ્ઞાનિક પ્રયોગ વાંચવા મળેલો તેણે એક રૂમમાં ફૂલછોડના ત્રણ કુંડા મૂક્યા એની ડાળીઓ અને પાંદડાઓ સાથે સુક્ષ્મ ઇલેક્ટ્રોનિક તાર જોડીને તેમના પ્રત્યાઘાતોને માપતા એક મીટર સાથે જોડ્યા પછી નક્કી કરેલા સમયે તેણે રૂમમાં પ્રવેશ કર્યો અને ત્રણ કુંડામાંના એક કુંડાના છોડને ક્રુરતાપૂર્વક તોડી ફોડીને મસળી નાખ્યો એણે નોંધ્યું કે એ વખતે તાર સાથે જોડેલા મીટરમાંનો કાંટો અનિયમિત રીતે સમજી ન શકાય તેવા પ્રતિભાવ દર્શાવતો હતો, બીજા દિવસે ફરીથી રૂમમાં ગયો અને બીજા છોડના કૂંડાને એજ રીતે ક્રુરતાથી મારી મચડીને મસળી નાખ્યો. આ વખતે પેલા મીટરના કાંટાએ ગઇકાલ કરતાં વધારે પ્રતિક્રિયા દર્શાવી. ત્રીજા દિવસે એ નિશ્ચિત સમયે જ્યારે તે રૂમમાં પ્રવેશ્યો અને ત્રીજા છોડને હજુ ત્યાં સ્પર્શ્યો પણ નહોતો ત્યાં મીટરના કાંટાએ બે દિવસ કરતાં પણ વધારે તીવ્ર હલન ચલન કરી. આ તો વૈજ્ઞાનિકે કરેલા પ્રયોગની આપણી ભાષામાં કરેલી રજૂઆત માત્ર છે. એ વૈજ્ઞાનિકે તારવેલા આ પ્રયોગના તારતમ્યને જ્યારે જગત સામે મુક્યું તો એનો સાર એ હતો કે ત્રીજા દિવસે ત્રીજા છોડે તેની હાજરી માત્રથી પોતાને ઘાતકી રીતે મારવા કસાઇ આવી પહોંચ્યો છે એવો ભય પ્રગટ કર્યો જે સાબિત કરે છે કે વનસ્પતિ જોઇ પણ શકે છે, સમજી પણ શકે છે અને પ્રત્યાઘાત પણ આપી શકે છે. આપણે એને સમજવાની ક્ષમતા ગુમાવતા જઇએ છીએ. આ અગાઉ વર્ષો પૂર્વે ભારતના વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે વનસ્પતિમાં પણ જીવ છે એ તથ્ય દુનિયાને સમજાવ્યું હતું. હમણાં હમણાં ખબર પડી છે કે દક્ષિણ આફ્રિકામાં એવી વનસ્પતિનો છોડ છે કે જેને માણસ વહાલ કરે કે પંપાળે છે તો એ ખુશ થાય છે અને કોઇ પ્રાણીની હાજરીમાં તે ગભરાઇને સંતાઇ જવાના પ્રયત્ન પણ તે કરે છે. આવાતો અનેક ઉદાહરણો આપણને વૃક્ષો અને વનસ્પતિમાં જીવ અને સંવેદના હોવાના પૂરાવા મળે છે પણ આપણી સંવેદન શૂન્યતા એનો પણ મેળવવાની સંવેદના ગુમાવી ચૂકી છે. ( ક્રમશ: )