બાળકોને લાગેલું મોબાઇલનું વળગણ એ લગભગ પ્રત્યેક પરિવારની અને સમાજની ચિંતાનો વિષય બનતો જાય છે. એક જમાનામાં ઔદ્યોગિક ક્રાંતિ પછી સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું લાગતું હતું. માનવ જીવન માટે જાણે કે આરામના દિવસો શરૂ થયા હોય તેમ ઔદ્યોગિક ક્રાંતિને પગલે પગલે આવેલા યંત્રોની કમાલને ધમાલ પહેલાં ઉદ્યોગોમાં પછી શહેરોમાં, ગામોમાં અને પછી ઘરોમાં દાખલ થઇ. શરૂઆતમાં સગવડોની સાહ્યબી જેવી લાગતી ઔદ્યોગિક ક્રાંતિના કારણે આવેલા ઉપકરણોની ભરમારે આપણને આંજી દીધા અને ''ડિમાન્ડ સપ્લાય''ના બજાર નિયમ પ્રમાણે નિતનવા ઉપકરણોથી બજારો છલકાવા માંડ્યા. ઔદ્યોગિક ક્રાંતિ પછી આવેલી ટેક્નોલોજી પાછળ નવોઢાની જેમ ઘૂમટો તાણીને આવેલી ડીજીટલ રિવોલ્યુશન તો માણસને જાણે કે સાતમા આસમાને પહોંચાડી દીધો. જીવન શૈલીનું આખુ ચિત્ર ધડમૂળથી બદલાઇ ગયું. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે, ''નવી વહુ નવ દહાડા'' દસમે દાડે જ્યારે નવોઢાના ગુણદોષની ખબર પડે તેમ ડીજીટલ રીવોલ્યુશનના એક ભાગ રૂપે શરૂ શરૂમાં ચમત્કાર લાગેલી મોબાઇલ ટેક્નોલોજીના કેટલાક દુષ્પરિણામો દેખાવા માંડ્યા છે. એમાંનુ વધારે ઘાતક કોઇ દુષ્પરિણામ જો કોઇ હોય તો તે છે બાળકોના હાથમાં આવી ગયેલું નવું રમકડું મોબાઇલ આ દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણ બાળકોને માટે એક ઉત્તમ શૈક્ષણિક સાધન બની શક્યું હોત પણ વળી પાછા ''ડીમાન્ડ એન્ડ સપ્લાય''ના બજાર નિયમ પ્રમાણે બાળકોના મનને દુષિત અને કુંઠિત કરે તેવી સામગ્રી મોબાઇલના માધ્યમથી બાળકોને કાનવગીને હાથવગી બની છે જે આપણા સહુનો સામુહિક ચિંતાનો વિષય છે. એના દુષ્પરિણામોની યાદી તો ઘણી લાંબી થઇ શકે પણ એમાંના સૌથી ઘાતક દુષ્પરિણામની વાત કરીએ તો મોબાઇલે બાળકને તન અને મનથી આળસુ અને આરામપ્રિય બનાવ્યો છે. એના જીવનનું ચાલક બળ એના વિચાર વિશ્વની ધરી માતા પિતા કે દાદા દાદી બનીને એને સ્થાને મોબાઇલ ગોઠવાઇ ગયો છે. બાળકો મેદાની રમતોથી દૂર જતાં હોય, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશના વૈભવને વિસરીને બેઠા હોય, પ્રકૃતિ સાથેનો અનુબંધ ખોઇ બેઠા હોય અને સરવાળે ઘરના બેડ કે સોફા એજ એના સ્વજન બની ગયા હોય એમ પરિવારના સભ્યો સાથેના વ્યવહાર શુષ્ક થતા દેખાય છે... અને આ પછી પણ ચિંતા મોટીને મોટી થતી જાય છે. દુષ્કાળમાં અધિક માસ આવે તેવી રીતે કોરોના કાળમાં મજબૂરીથી અપનાવવામાં આવેલા ઓનલાઇન શિક્ષણથી કેટલો ફાયદો થયો હશે એ તો આવનારો સમય જ કહેશે પણ મોબાઇલ વાપરનારા બાળકોની સંખ્યામાં મજબૂરીની મંજૂરીથી માતા પિતાએ કરેલા સમાધાનને હવે તોડવું પડશે. ફરી પાછો બાળક આંગણાની અને મેદાનની રમતો તરફ વળે, ખેતરોમાં ખોવાય, નદીઓમાં નહાય અને હરતો ફરતો થાય ને ઘરનો સોફાસેટ છોડીને ફરી પાછો ''મોબાઇલ'' થાય તો કદાચ આ ડીજીટલ મોબાઇલના વળગણમાંથી વછૂટે...