કોલંબિયામાં એક ઘર ચર્ચાનો વિષય બન્યું છે. જે જુએ છે તે જોતો જ રહી જાય છે. કારણ કે આ ઘર બહારથી જ નહીં અંદરથી પણ ઊંધુ છે. કોલંબિયાની રાજધાની બોગોટાથી થોડે દૂર આવેલા ગ્વાટાવિટામાં સ્થિત આ ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કહે છે કે કોરોના રોગચાળાએ દુનિયાને ઊંધી પાડી દીધી છે, તેથી આ ઘર તેનું સટીક પ્રતીક સમાન છે.એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, આ અનોખા ઘરને ઓસ્ટ્રિયાના ફ્રિટ્ઝ શૉલે ડિઝાઇન કર્યું છે, જેઓ તેમના પરિવાર સાથે કોલંબિયામાં રહે છે. આ ઘર એટલું અદ્ભુત છે કે પ્રવાસીઓ તેની છત પર ચાલે છે અને તેમની તસવીરોથી અન્ય લોકોને આશ્ચર્યચકિત કરે છે. ખરેખર, આ ઘરમાં પ્રવેશતા જ લાગે છે કે આપણે વિપરીત દુનિયામાં આવી ગયા છીએ. કારણ કે ઘરનું તમામ ફર્નિચર ફ્લોર પર દેખાય છે, જ્યારે આપણે આપણી જાતને છત પર ચાલતા જોતા હોઈએ છીએ.ઘરની ડિઝાઇન બનાવનાર ફ્રિટ્ઝે કહ્યું, 'જ્યારે મેં લોકોને કહ્યું કે હું ઊંધુ ઘર બનાવી રહ્યો છું, ત્યારે બધા મારી સામે એવું જોવા લાગ્યા કે જાણે હું પાગલ હોઉં. તેઓએ મારા પર બિલકુલ વિશ્વાસ ન કર્યો.' ફ્રિટ્ઝે જણાવ્યું કે તેમને આ અનોખું ઘર બનાવવાની પ્રેરણા ત્યારે મળી જ્યારે તેઓ 2015માં ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે તેમના દેશ ઑસ્ટ્રિયાની ટ્રીપ પર ગયા હતા. ત્યાં તેણે આવું જ એક ઘર જોયું.ફ્રિટ્ઝ શૉલ કહે છે કે, કોરોના મહામારીને કારણે આ ઘરના નિર્માણમાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે કામ મોડું થયું હતું. જોકે, જાન્યુઆરી 2022થી તેને પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું છે. પ્રવાસીઓને આ ઘર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ અનોખા ઘરને જોવા માટે લોકો દૂર-દૂરથી પહોંચી રહ્યા છે.