કદમ અસ્થિર હો તેને રસ્તો કદી જડતો નથી,અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી... સફીન હસન, એક એવુ નામ જે થોડા સમય પહેલા લોકો માટે અજાણ હતું, પણ હવે સફીનને બધા લોકો જાણે છે. એક માતા પિતા જેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે હીરા ઘસવાનું કામ કરતા હતા અને આકરી મહેનત કરતા. તેમના દિકરા સફીનને ભણવાની ધગશ હતી અને તેનું એકજ લક્ષ્ય હતુ કે તેણે મહેનત કરીને પોતાના માટે અને પોતાના પરિવાર માટે એક બહેતર જીંદગીનું નિર્માણ કરવું છે. બનાસકાંઠામાં આવેલા નાનકડા કણોસરા ગામમાં રહેતા સફીને પ્રાઇમરી શાળાના અભ્યાસ દરમિયાન જ એક ઓફિસરનો રૂતબો જોઇને મનોમન તેમના જેવા જ ફીલ્ડમાં જવાનું મન બનાવી લીધું. તે દિશામાં આગળ કેવી રીતે વધવું તેને લઇને કોઇ રસ્તાની જાણ ન હોવા છતા પણ હિંમત ન હારી અને પોતાના વિચારને મૂર્તિમંત કરવાના પ્રયાસો અવિરત કરે રાખ્યા. સફીનના માતા પિતા દિકરાની ધગશ જાણતા હતા પણ આર્થિક અગવડતાઓ તેમનો રસ્તો રોકતી હતી. પરંતુ તેઓ તેમના દિકરાની ધગશને પાંખો આપવા માંગતા હતા અને તેથી તેમણે ન રાત જોઇ કે ના દિવસ પણ આકરી મહેનત કરતા રહ્યા અને સફીન માટે રાહ આસાન કરવાની કોશિશ પણ કરતા રહ્યા.સફીનની માતા હીરા ઘસવાનું કામ કરતા અને લોકોના ઘરે જઇને પણ કામ કરતા. સફીન તેના માતા પિતાની મહેનતને જોઇ રહ્યા હતા અને મનોમન તેમનો નિર્ધાર વધુને વધુ મજબૂત કરી રહ્યા હતા. સફીનની દ્રઢ ઇચ્છાશક્તિ, તેમના માતા પિતાની તપસ્યા અને તેમના સગા સંબંધીઓની સફીનના ભણતરમાં કરાતી મદદ રંગ લાવી અને માત્ર 22 વર્ષની વયે આઇપીએસ અધિકારી બનવામાં સફીનને સફળતા હાથ લાગી. આ સફળતા એ સફીનની સફળતા છે, તેમની મહેનતની પાછળ તેમના માતા પિતાનો સંઘર્ષ છે અને એટલે જ આ સફળતા આમ નહીં પણ એકદમ ખાસ બની જાય છે. મક્કમ મનોબળ, દ્રઢ નિર્ધાર અને પોતાના લક્ષ્ય પર પહોંચવાની જીજીવિષા જે વ્યક્તિના મનમાં આગ બનીને પ્રજ્વલે તેને પોતાની નિશ્ચીત મંઝિલ સુધી પહોંચાડી જ દે છે. સફીન હસન જેવો દ્રઢ નિર્ધાર જે કરે તે સફીન હસન જેવી સફળતા હાંસિલ કરી શકે છે અને એટલે જ અમે કહીએ છીએ કે આ વાત તમારી છે. જો તમે પણ તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રતિબધ્ધતા સાથે આગળ વધતા રહેશો તો તમને પણ આ સફળતા હાથ લાગશે જ.. તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો...