રોજેરોજ ઢગલાબંધ નશીલા દ્રવ્યો પકડાયાના સમાચારો પ્રથમ નજરે આનંદ આપી જાય છે પણ જરાક વિચાર કરીએ તો ગભરાઇ પણ જવાય છે. જે પકડાઇ ગયા તે નશીલા દ્રવ્યો સીવાય પણ કેટલા બધા નશીલા દ્રવ્યો દેશમાં પ્રવેશતા હશે ? પછી વિચાર આવે કે સ્વાભાવિક રીતે એ પ્રવેશેલા નશીલા દ્રવ્યો વેચાતા અને વહેંચાતા વહેંચાતા મોટેભાગે આપણા યુવાનોના હાથમાં ચઢતા હશે? અને એરીતે એ યૌવન ધનના શું હાલ થતા હશે? ગુજરાત રાજ્યની સ્થાપના પછી આપણે “દારૂબંધી” કરી અને અનેક આકર્ષણો વચ્ચે પણ આપણી સરકારો “દારુબંધી”ની નિતીને વળગી રહી છે જેની સરાહના કરવી જોઇએે એ પણ સાથે - સાથે દારૂબંધીની નિતી હોવા છતાં ગામડાઓમાં દારૂનું ઉત્પાદન અને વેચાણધૂમ ચાલી રહ્યાના સમાચારો પણ અનેક શહેરામાં બુટલેગરોના ક્યારેક પોલીસતંત્રની રહેમ નજરની નીચે ચાલતા દારૂ કે લઠ્ઠાના વેપાર-વેચાણ અને પીનારના સમાચારો પણ લગભગ રોજીંદા બન્યા છે. જેમ આપણે આપણી સરહદોને સુરક્ષિત રાખવા માટે લશ્કરી શક્તિને સજ્જ રાખીએ છીએ તેટલી સતર્કતાથી આપણે આપણા રાજ્યના અને દેશમાં નશીલા પદાર્થોની ઘૂષણખોરીને અટકાવવા માટે કામ કરવું જોઇશે. સ્વતંત્રતાનું રક્ષણ એ આપણી પ્રાથમિકતા છે. એટલીગંભીર પ્રાથમિકતા આપણી નવી પેઢીને સાચું અને સારું શિક્ષણ અપાયને સાથે - સાથે દારૂ કે નશીલા દ્રવ્યોથી તેમને દૂર રખાય તે પણ એટલી અગત્યની પ્રાથમિકતા બની રહી છે. કોઇપણ સરકાર એકલે હાથે આ કામ નહીં કરી શકે એ માટે આપણા સહુના સહિયારા પ્રયાસો અને જાગૃતિ જ આ દૂષણતાને લડવાનું બળ પૂરુ પાડશે.