Ramnami Samaj : ભક્તિની એવી ક્રાંતિ જેણે જ્ઞાતિવાદના દરવાજા તોડી નાખ્યા
Ramnami Samaj : શરીર જ જેનું મંદિર છે! જાણો કોણ છે આ રામનામીઓ? કેમ તેઓ રોમેરોમમાં રામ નામ કોતરાવે છે અને કેવી રીતે આ સમાજે જાતિવાદ સામે અહિંસક જંગ જીત્યો
રોમેરોમમાં રામ: છત્તીસગઢના ‘રામનામી’ સમાજની અપ્રતિમ ભક્તિ અને સંઘર્ષની ગાથા
ભારતમાં ભગવાન રામ(Ram) એ આદર્શ પુરુષ અને ધર્મનિષ્ઠાના પ્રતીક છે. સામાન્ય રીતે લોકો મંદિરોમાં જઈને રામની પૂજા કરે છે, પરંતુ છત્તીસગઢ-Chhattisgarh મહાનદી કિનારે વસતા એક અનોખા સમાજે ભગવાનને પથ્થરની મૂર્તિમાં નહીં, પણ પોતાના શરીર પર કંડાર્યા છે. આ એવો સમાજ છે જેને રામની ભક્તિ કરવાનો અધિકાર મેળવવા માટે અંગ્રેજોના શાસનકાળમાં કોર્ટ સુધી લડાઈ લડવી પડી હતી.
રામ નામ મનિદીપ ધરુ જીહ દેહરીં દ્વાર |
તુલસી ભીતર બાહરેં જૌં ચાહસિ ઉજિઆર ||
જો તમે અંદર અને બહાર બંને તરફ પ્રકાશ ઈચ્છતા હોવ, તો જીભરૂપી ઉંબરા પર રામનામનો મણિદીપ સ્થાપિત કરો.
Ramnami Samaj : સંઘર્ષમાંથી સર્જન: રામનામી સમાજની શરૂઆત
19 મી સદીના અંત ભાગમાં ભારતમાં જાતિભેદ અને અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી. દલિત ગણાતા સમાજોને મંદિરમાં પ્રવેશવાની મનાઈ હતી. આ અન્યાય સામે એક અહિંસક બળવો શરૂ થયો.
પરસુરામ ભારદ્વાજની પ્રેરણા: ચારપોરા ગામના ખેડૂત પુત્ર પરસુરામે જ્યારે મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ત્યારે તેમણે મૂર્તિપૂજાને બદલે રામને પોતાના દેહ પર ધારણ કરવાનો નિર્ણય લીધો.
ચમત્કારિક કથા: એક માન્યતા મુજબ પરસુરામને કુષ્ઠરોગ થયો હતો, જે રામનામની ભક્તિથી દૂર થઈ ગયો અને તેમના શરીર પર 'રામરામ' ના નિશાન ઉતરી આવ્યા. ત્યારથી આ પ્રથા શ્રદ્ધાનું કેન્દ્ર બની.
Ramnami Samaj : 1910 ની ઐતિહાસિક જીત-ભક્તિનો કાયદેસર અધિકાર
જ્યારે આ સમાજે શરીર પર રામનામ કોતરાવવાનું શરૂ કર્યું, ત્યારે ઉચ્ચ ગણાતા કુળના લોકોએ તેનો વિરોધ કર્યો અને મામલો બ્રિટિશ કોર્ટમાં પહોંચ્યો. ૧૯૧૦માં કોર્ટે રામનામીઓના પક્ષમાં ચુકાદો આપ્યો કે, ઈશ્વર પર દરેકનો સમાન અધિકાર છે. આ જીત બાદ રામનામ કોતરાવવાની પ્રથા આખા સમાજમાં પ્રસરી ગઈ.
રામની અનોખી પરિભાષા: નિર્ગુણ ભક્તિ
રામનામીઓ માટે રામ એ માત્ર રાજા દશરથના પુત્ર નથી, પરંતુ તે એક નિર્ગુણ અને સર્વવ્યાપી શક્તિ છે.
તેઓ 'રામ' નહીં પણ 'રામ-રામ' બોલે છે.
તેમના મતે ભગવાન કોઈ ખાસ જગ્યાએ નથી, પણ દરેક મનુષ્યના શ્વાસમાં અને કણમાં વસેલા છે.
હૌં કહા લગિ નામ બડ઼ાઈ | રામુ ન સકહિં નામ ગુન ગાઈ ||
(અર્થાત્: રામનામની મહત્તાનું વર્ણન કઈ રીતે કરી શકાય? સ્વયં રામ પણ પોતાના નામની મહત્તા સંપૂર્ણપણે ગાઈ શકતા નથી.)
‘ગોંદના’ (Tatoo-ટૅટૂ): શરીર જ જ્યારે મંદિર બને
આ સમાજમાં ટૅટૂ કરાવવાની પ્રથા અત્યંત પવિત્ર મનાય છે. ટૅટૂની શાહી કેરોસીનના દીવાની મેષ (કાજળ) માંથી બનાવવામાં આવે છે.
ટૅટૂના સ્થાન મુજબ તેના ત્રણ પ્રકાર છે:
નખશિખ: માથાથી પગ સુધી આખા શરીર પર રામનામ.
શિરોમણિ: માત્ર મસ્તક પર રામનામ.
બદન: શરીરના અમુક ભાગો પર રામનામ.
. ‘બડા ભજન મેલા’: ભક્તિનો મહાકુંભ
દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પોષ શુક્લ એકાદશીના દિવસે 'બડા ભજન મેલા' યોજાય છે.
આ મેળો દર વર્ષે નવા ગામમાં યોજાય છે જેથી આર્થિક ભાર વહેંચાઈ રહે.
મેળાના સ્થળે ‘જૈત-ખંભ’ (વિજય સ્તંભ) ઊભો કરવામાં આવે છે.
રામનામીઓ મોરપીંછનો મુકુટ અને ઘૂંઘરૂ પહેરી રાતભર ભજન-કીર્તન કરે છે.
સામાજિક આદર્શો: સમાનતા અને સાદગી
રામનામી સમાજ આધુનિક યુગ માટે પણ પ્રેરણાસ્ત્રોત છે:
Gender Equality: અહીં સ્ત્રી-પુરુષ બંને સમાન રીતે ભક્તિ અને મેળામાં ભાગ લે છે.
દહેજ મુક્તિ: લગ્ન પ્રસંગો સાદગીથી અને દહેજ વગર થાય છે.
વ્યસન મુક્તિ: આ સમાજ કડક રીતે શાકાહાર અને નશામુક્ત જીવનનું પાલન કરે છે.
વસ્તી અને વર્તમાન સ્થિતિ
એક સમયે 6 લાખની વસ્તી ધરાવતો આ સમાજ આજે ઘટીને આશરે 1 લાખ (અંદાજે 20 હજાર સક્રિય રામનામી) પર આવી ગયો છે. નવી પેઢી હવે શિક્ષણ અને નોકરી માટે શહેરો તરફ વળી રહી છે, જેથી ચહેરા પર ટૅટૂ કરાવવાની પ્રથા ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. તેમ છતાં, તેમના હૃદયમાં રામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આજે પણ અકબંધ છે.
રામનામી સમાજ આપણને શીખવે છે કે ભક્તિ કરવા માટે આલીશાન મંદિરોની જરૂર નથી, જો મન શુદ્ધ હોય અને ઈરાદો મક્કમ હોય, તો આખું શરીર જ પવિત્ર ધામ બની શકે છે.
આ પણ વાંચો : Raaja Ram : રામ દરબારમાં ભગવાનને પણ અપાય છે ગાર્ડ ઓફ ઓનર!


