Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Retirement Life : પૂર્ણવિરામ નહીં, આત્માનો ઉત્સવ

સામાન્ય રીતે 'નિવૃત્તિ' શબ્દ સાંભળતા જ મનમાં એક એવા વિરામની છબી ઉપસે છે જ્યાં બધું જ થંભી ગયું હોય. લોકો માને છે કે નિવૃત્તિ એટલે સત્તા, પદ અને પ્રવૃત્તિનો અંત. પરંતુ, શું ખરેખર નિવૃત્તિ એટલે માત્ર કેલેન્ડરના પાનાંઓ ગણવા અને મૃત્યુની પ્રતીક્ષા કરવી? ખરી રીતે જોઈએ તો, નિવૃત્તિ એ ઈશ્વરે આપેલી એ 'સ્વતંત્રતા' છે, જે આપણને વર્ષોની પગારદાર ગુલામી પછી પોતાની જાતને શોધવા માટે મળે છે.
retirement life   પૂર્ણવિરામ નહીં  આત્માનો ઉત્સવ
Advertisement

Retirement Life : સામાન્ય રીતે 'નિવૃત્તિ' શબ્દ સાંભળતા જ મનમાં એક એવા વિરામની છબી ઉપસે છે જ્યાં બધું જ થંભી ગયું હોય. લોકો માને છે કે નિવૃત્તિ એટલે સત્તા, પદ અને પ્રવૃત્તિનો અંત. પરંતુ, શું ખરેખર નિવૃત્તિ એટલે માત્ર કેલેન્ડરના પાનાંઓ ગણવા અને મૃત્યુની પ્રતીક્ષા કરવી?

ખરી રીતે જોઈએ તો, નિવૃત્તિ એ ઈશ્વરે આપેલી એ 'સ્વતંત્રતા' છે, જે આપણને વર્ષોની પગારદાર ગુલામી પછી પોતાની જાતને શોધવા માટે મળે છે.

Advertisement

નિવૃત્તિ એ 'સડવાની સ્વતંત્રતા' પણ આપી શકે અને 'જીવી જવાની લલિત કલા' પણ શીખવી શકે.

Advertisement

નિવૃત્તિને આયુષ્યનો થાક નહીં, પણ આત્માનો ઉત્સવ બનાવી શકાય.

શ્વાસ ખૂટે, પરંતુ
ઇચ્છા ન ખૂટે
તેનું નામ મૃત્યુ!
ઇચ્છા છુટે, પરંતુ
શ્વાસ ન ખૂટે
તેનું નામ મોક્ષ!

Retirement Life :  આઝાદીનો ઉમળકો કે 'Fear of Freedom'?

ઘણા વડીલો લાંબી પગારદાર ગુલામી પછી મળેલી આઝાદીને બે હાથ પહોળા કરીને આવકારી શકતા નથી. જે માણસ નોકરીના છેલ્લા દિવસે ખેદ અનુભવે, તેને જીવનની પરીક્ષામાં 'ફુલ્લી નપાસ' થયેલો જાણવો. નિવૃત્ત થઈને ફરી કમાણીની નવી ગુલામી શોધવી એ એરિક ફ્રોમે કહેલો 'Fear of Freedom' (સ્વતંત્રતાનો ડર) જ છે. ગરીબીનો ખરો સંબંધ સુખી થવાની આકાંક્ષાના અભાવ સાથે છે.

Retirement Life : આચાર્ય કે 'લાચાર્ય'?

ગુજરાતે એવા અનેક મૂર્ધન્ય આચાર્યો જોયા છે જેમણે પોતાની નિવૃત્તિને માવજતપૂર્વક શણગારી છે. વડોદરાના વાડીભાઇ પટેલ આજે પણ ગજવાનું રિક્ષાભાડું ખર્ચીને સંસ્થાઓમાં જ્ઞાનના પુસ્તકો પહોંચાડે છે. બીજી તરફ, જેઓ પૂરતું કામ કર્યા વિના પગાર કે પેન્શન લે છે, તેઓ હકીકતમાં 'પવિત્ર ભ્રષ્ટાચાર' ના સહભાગી છે. ઘડપણ સાથે શાણપણ આવે જ એવું કોણે કહ્યું? ક્યારેક ઘડપણ એકલું જ આવતું હોય છે!

Retirement Life : 'સડવાની સ્વતંત્રતા' થી બચો

નિવૃત્તિ માણસને એક જોખમી આઝાદી આપે છે — 'સડવાની સ્વતંત્રતા'. જો માણસ પાસે કોઈ મનગમતી પ્રવૃત્તિ ન મળે, તો તેનું જીવન કટાઇ ગયેલી બાલદી જેવું બની જાય છે. કટાઇ ગયેલો માણસ એટલે એ, જે સવાર પડે ત્યારે સાંજની અને રાત પડે ત્યારે સવારની રાહ જોયા કરે છે.

 જીવનનો સર્વોચ્ચ આનંદ: 'બટકું રોટલો'

જ્યારે માણસ પોતાના આખા રોટલામાંથી અજાણ્યા માટે બટકું ભાંગે છે, ત્યારે સમગ્ર માનવતા એકરૂપ થઈ જાય છે. આપવાનો આનંદ એટલો અનેરો હોય છે કે એનો સ્વાદ ચાખ્યા પછી બધા ઉપદેશો અને શાસ્ત્રો ફિક્કા લાગે છે.

ઉપકાર હંમેશા લેનારનો માનવો જોઈએ, કારણ કે એણે તમને 'આપવાનો આનંદ' લેવાની તક આપી!

જીવનની રાજધાની એક્સપ્રેસ

આપણું જીવન નાના સ્ટેશન પરથી પસાર થઈ જતી રાજધાની એક્સપ્રેસ જેવું વેગીલું છે. ખબર પણ નહીં પડે તેમ માણસ બાળક મટીને કિશોર અને યુવાન મટીને નિવૃત્ત વૃદ્ધ બની જાય છે. જો વિચારો સાથે મહોબ્બત ન કેળવાય, તો મૃત્યુ વહેલું તાણી લાવે છે. 

 ખીલવાની નવી તક

નિવૃત્તિ એ પૂર્ણવિરામ નથી, પણ અલ્પવિરામ છે. જો તમે વિચારોના વૃંદાવનમાં વિહાર કરતા રહેશો અને સેવાનો આનંદ લેતા રહેશો, તો તમારું ઘડપણ ક્યારેય બોજ નહીં બને. મલયાલમમાં એક કહેવત છે: "ગાયના આંચળ પર બેઠેલા મચ્છરો કદી દૂધ નથી પીતા, લોહી જ પીએ છે!" યાદ રાખો, જીવન એટલું જ સુંદર છે જેટલા તમારા વિચારો સુંદર છે. તો ચાલો, નિવૃત્તિને 'સડવાની સ્વતંત્રતા' નહીં, પણ 'ખીલવાની તક' બનાવીએ!

આ પણ વાંચો : Winter Vibes: જ્યારે હવામાં ઠંડક અને દિલમાં રોમાન્સ હોય: શિયાળાની ઋતુનું કામણ

Tags :
Advertisement

.

×