જીવતા જીવ 12 લાખની કબર! 80 વર્ષના વૃદ્ધે કેમ મર્યા પહેલા જ તૈયાર કરી લીધું 'મોતનું ઘર'?
- લંગાણાના વૃદ્ધે જીવતા જીવ 12 લાખ ખર્ચી બનાવી પોતાની કબર ( Man Builds Own Grave)
- જગતિયાલના 80 વર્ષીય વૃદ્ધે તૈયાર કરાવ્યો આલીશાન 'ગ્રેનાઈટ મહેલ'
- પત્નીની કબર પાસે જ પોતાનું અંતિમ નિવાસસ્થાન બનાવ્યું
- વૃદ્ધ રોજ પોતાની કબર સાફ કરી છોડને પાણી પાય છે
- 'મૃત્યુ પછી કોઈ પર બોજ નથી બનવું' તેવા હેતુથી લીધો નિર્ણય
Man Builds Own Grave : 'પોતાની કબર જાતે ખોદવી' એ કહેવત આપણે ઘણી વાર સાંભળી છે, પરંતુ તેલંગાણાના એક વૃદ્ધે આ કહેવતને હકીકતમાં બદલી નાખી છે. જગતિયાલ જિલ્લાના લક્ષ્મીપુર ગામમાં રહેતા 80 વર્ષીય નક્કા ઇન્દ્રય્યાએ જીવતા જીવ જ પોતાના માટે એક શાનદાર કબર તૈયાર કરાવી છે, જે જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
તેલંગાણાના જગતિયાલ જિલ્લાના નક્કા ઇન્દ્રય્યાએ મૃત્યુ પછીની તૈયારીઓ અત્યારથી જ કરી લીધી છે. તેમણે પોતાની અંતિમ વિશ્રામી જગ્યા એટલે કે કબર બનાવવા માટે અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ આલીશાન કબર સંપૂર્ણપણે ગ્રેનાઈટ પથ્થરોથી બનેલી છે, તેથી લોકો તેને પ્રેમથી 'ગ્રેનાઈટ મહેલ' તરીકે ઓળખે છે.
તમિલનાડુથી બોલાવ્યા ખાસ કારીગરો
આ વિશિષ્ટ માળખું આશરે 5 ફૂટ ઊંડું અને 6 ફૂટથી વધુ લાંબુ છે. ઇન્દ્રય્યાએ આ કબરની ડિઝાઇન માટે ખાસ તમિલનાડુથી કુશળ કારીગરોને બોલાવ્યા હતા. તેમણે પોતાની સ્વર્ગસ્થ પત્નીની કબરની બિલકુલ બાજુમાં જ પોતાની કબર બનાવી છે.
Man Builds Own Grave : રોજ કબરની સફાઈ અને છોડને પાણી પાય છે
નક્કા ઇન્દ્રય્યા માટે આ કોઈ ડરામણી જગ્યા નથી, પરંતુ એક સુખદ અનુભવ છે. તેઓ દરરોજ પોતાની કબર પાસે જાય છે, તેની સફાઈ કરે છે, આસપાસના છોડને પાણી આપે છે અને ત્યાં બેસીને થોડો સમય શાંતિથી વિતાવે છે. તેઓ કહે છે કે, "આ મારું ભવિષ્યનું ઘર છે, જેને મેં મારી ઈચ્છા મુજબ તૈયાર કર્યું છે. અહીં મને આત્માની શાંતિ મળે છે."
મૃત્યુનો ડર નહીં પણ સ્વાભિમાન
ઇન્દ્રય્યાનું માનવું છે કે મૃત્યુ પછી તેઓ કોઈના પર બોજ બનવા માંગતા નથી. તેઓ કહે છે, "દરેક વ્યક્તિએ એક દિવસ મરવાનું જ છે, તો પછી ડરવાની શું જરૂર? મને એ જાણીને સંતોષ થાય છે કે મારા ગયા પછી મારી અંતિમ વિધિ માટે બધું જ અગાઉથી તૈયાર છે." આ અનોખી ઘટના હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો : બંગાળમાં સનસનાટી: સિંગર સચેત-પરંપરાની કાર પર હિંસક હુમલો, જુઓ ડરામણો Video


