Hansa Mehta : યુએનમાં 'All Men' ને 'All Human Beings' કરાવનાર વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી નારી
Hansa Mehta : ઘણીવાર લોકો માને છે કે ગુજરાતીઓ માત્ર વેપાર અને ગરબામાં જ નિપુણ હોય છે, પરંતુ આ માન્યતાને તોડનારું એક તેજસ્વી નામ એટલે હંસા મહેતા. જેમણે માત્ર ભારત જ નહીં, પણ સંયુક્ત રાષ્ટ્ર (UN) સ્તરે માનવ અધિકારોની વ્યાખ્યા બદલી નાખી.
વારસામાં મળેલું સાહિત્ય અને ફિલસૂફી
હંસાબહેનનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જ્યાં શિક્ષણ અને સાહિત્ય લોહીમાં હતું.
પિતા: મનુભાઈ મહેતા (બરોડા સ્ટેટના દીવાન અને ફિલસૂફીના પ્રોફેસર).
દાદા: નંદશંકર મહેતા (ગુજરાતીની પ્રથમ નવલકથા 'કરણ ઘેલો' ના લેખક).
1918માં જ્યારે સ્ત્રી શિક્ષણનો દર માત્ર 2% હતો, ત્યારે તેઓ ફિલસૂફીમાં સ્નાતક થયા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા.
Hansa Mehta : સરોજિની નાયડુ સાથેની મુલાકાત અને આઝાદીની લડત
લંડનમાં તેમની મુલાકાત સરોજિની નાયડુ સાથે થઈ, જેમણે હંસાબહેનને મહિલા અધિકારો તરફ વાળ્યા. 1922માં ગાંધીજીને જેલમાં મળ્યા બાદ તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય થયા.
વિદેશી કપડાં અને દારૂના અડ્ડાઓ પર ધરણાં કર્યા.
આઝાદીની લડત માટે 'દેશ સેવિકા દળ' ની સ્થાપના કરી.
સ્વતંત્રતાની લડાઈ દરમિયાન તેઓ ત્રણ વાર જેલ પણ ગયા.
Hansa Mehta : જ્ઞાતિવાદ સામે લડત અને ડો. જીવરાજ મહેતા સાથે લગ્ન
હંસાબહેને પ્રખર ગાંધીવાદી ડો. જીવરાજ મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી) સાથે લગ્ન કર્યા. તે સમયે આંતરજ્ઞાતિ લગ્ન-Inter-caste marriage બદલ નાગર જ્ઞાતિએ તેમનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ હંસાબહેને સામાજિક દબાણ સામે ઝૂકવાને બદલે પોતાના આદર્શો પર અડગ રહેવાનું પસંદ કર્યું.
Hansa Mehta : બંધારણ સભા અને મહિલા અધિકારોના પ્રણેતા
ભારતીય બંધારણ ઘડનારી 15 મહિલાઓમાં હંસાબહેન મુખ્ય હતાં.
તેમણે 'યુનિફોર્મ સિવિલ કોડ' 'Uniform Civil Code'(સમાન નાગરિક સંહિતા) ની હિમાયત કરી.
મહિલાઓ માટે અલગ ક્વોટાને બદલે પુરુષો સમાન તકની માગ કરી.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક શાળાઓની સ્થાપના કરી.
UN માં ઇતિહાસ સર્જ્યો: 'All Men' થી 'All Human Beings'
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચ (1947-52) માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેમણે એક ઐતિહાસિક સુધારો કરાવ્યો. માનવાધિકારના મુસદ્દામાં લખ્યું હતું: "All men are born free and equal". હંસાબહેને દલીલ કરી કે 'Men' શબ્દમાં સ્ત્રીઓનો સમાવેશ થતો નથી. તેમના આગ્રહથી આ વાક્ય બદલીને "All human beings are born free and equal" કરવામાં આવ્યું. આ એક સુધારાએ વિશ્વની તમામ મહિલાઓને સમાન અધિકાર અપાવ્યા.
શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: વિશ્વના પ્રથમ મહિલા કુલપતિ
હંસાબહેને SNDT યુનિવર્સિટી અને MS યુનિવર્સિટી (વડોદરા) ના કુલપતિ તરીકે સેવા આપી.
તેઓ વિશ્વમાં કોઈપણ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હતા.
તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસ અને હોમ સાયન્સ ફેકલ્ટી જેવી પ્રતિષ્ઠિત શાખાઓ શરૂ કરી.
ગુજરાતનું ગૌરવ-GujaratGaurav
આજે પણ યુએનમાં તેમના સન્માનમાં 'ડો. હંસા મહેતા સંવાદ' 'Dr. Hansa Mehta Dialogue' યોજાય છે. લંડનની નેશનલ પોર્ટ્રેટ ગેલેરીમાં પણ તેમનું ચિત્ર સ્થાન પામ્યું છે.
હંસા મહેતા એ માત્ર એક નામ નથી, પણ સ્ત્રી શક્તિ, શિક્ષણ અને સમાનતાનું જીવંત પ્રતીક છે.
આ પણ વાંચો :Bhishma Pitamah : શરશૈયા-ભીષ્મ પર કલંક કે કૃષ્ણભક્તિની પરાકાષ્ઠા?



