Ahmedabad માં 9મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો પ્રારંભ
Ahmedabad : અમદાવાદમાં હાલમાં એક અનોખો અને ભવ્ય આધ્યાત્મિક સમન્વય સર્જાઈ રહ્યો છે. ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના સંયુક્ત ઉપક્રમે તા. 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન એક ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં યોજાઈ રહેલા આ પરિસંવાદનો મુખ્ય વિષય ‘ધર્મ-ધમ્મ’ છે.
9મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદ
અમદાવાદમાં ઈન્ડિયા ફાઉન્ડેશન અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 18 થી 20 સપ્ટેમ્બર, 2025 દરમિયાન 9મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો મુખ્ય વિષય "કર્મ, પુનર્જન્મ, મૃત્યુ અને અવતારનો સિદ્ધાંત" છે. આ પરિષદનો મુખ્ય હેતુ ધર્મ અને ધમ્મ પરંપરાના ધાર્મિક, રાજકીય અને બૌદ્ધિક નેતાઓને એક મંચ પર લાવીને વર્તમાન વૈશ્વિક પડકારો માટે એક દાર્શનિક માળખું ઘડવાનો છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
18 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સત્રમાં અનેક પ્રતિષ્ઠિત વક્તાઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, મોરિશિયસ, ભૂટાન અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાય અને ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. રામ માધવએ પોતાના પ્રેરક વચનોથી પરિષદના હેતુને વધુ સ્પષ્ટ કરશે. આ નેતાઓ ધર્મ, ધમ્મ અને ભારતીય સંસ્કૃતિના વિશ્વલક્ષી મહત્વ પર ભાર મૂકશે.
વૈશ્વિક સહભાગિતા અને જ્ઞાનનું આદાન-પ્રદાન
આ પરિષદમાં 16 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ દેશોમાં આર્મેનિયા, ભૂતાન, કંબોડિયા, કેનેડા, ફ્રાન્સ, જ્યોર્જિયા, ભારત, જાપાન, મોરેશિયસ, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાનો, સંશોધકો અને નીતિ નિર્માતાઓ એક મંચ પર ભેગા મળીને વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.
આ પરિસંવાદમાં 100થી વધારે શોધપત્ર રજૂ થશે. ધર્મ-ધમ્મ વિષયક આધ્યાત્મિક, સાંસ્કૃતિક સઘન અધ્યયન તથા ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિના સમન્વયથી વિશ્વના 16 દેશના સહભાગી લાભાન્વિત થશે.
આ પણ વાંચો : OBC પર મિસ્ટેક કે પછી ભવિષ્યનો પ્લાન! બિહાર ચૂંટણી પહેલા રાહુલની વ્યૂહરચના