ઓટો રિક્ષા પાછળ લખેલું એક સ્લોગન અને અધિકારીની પારખું નજર
૨૦૧૭ની સાલની આ વાત છે.... અમદાવાદ શહેરમાં હત્યા અને લૂંટની ઘટનો બનાવો વધી ગયા હતા. ગુનેગારો જાણે કે બેલગામ બની ગયા હોય તેમ આડેધડ ફાયરિંગ, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા હતા. સમચારપત્રો અને ટીવી ન્યૂઝ ચેનલોની હેડલાઈનમાં શહેર પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા હતા. કારણકે પાંચ વર્ષ અગાઉ શહેરમાં આંતરે દિવસે લૂંટની ઘટના બનતી અથવા તો હત્યાના બનાવો સામે આવ્યા કરતા હ
Advertisement
૨૦૧૭ની સાલની આ વાત છે....
અમદાવાદ શહેરમાં હત્યા અને લૂંટની ઘટનો બનાવો વધી ગયા હતા. ગુનેગારો જાણે કે બેલગામ બની ગયા હોય તેમ આડેધડ ફાયરિંગ, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા હતા. સમચારપત્રો અને ટીવી ન્યૂઝ ચેનલોની હેડલાઈનમાં શહેર પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા હતા. કારણકે પાંચ વર્ષ અગાઉ શહેરમાં આંતરે દિવસે લૂંટની ઘટના બનતી અથવા તો હત્યાના બનાવો સામે આવ્યા કરતા હતા. જાણે કે વર્ષ ૨૦૧૭માં તો વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવાઈ રહી હતી. ઘરમાં ઘૂસીને વૃદ્ધોને બંધક બનાવીને લૂંટી પણ લેવાયા હોવાના કિસ્સાઓ છાશવારે અખબારોમાં છપાયા કરતા હતા. મોટાભાગના બનાવો શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જ બનતા હતા. આથી શહેર પોલીસની છબી પણ ખરડાઈ રહી હતી. તેનું સીધું દબાણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પર આવી રહ્યું હતું.
આવું બનવાનું એક કારણ એ પણ છે કે, સમગ્ર શહેરમાં બનતી કોઈપણ મોટા ગુનાઓ પર સીધી કે પછી આડકતરી રીતે ક્રાઈમ બ્રાંચની બાજ નજર રહેતી હોય છે. શહેરમાં બનતા ગંભીર ગુનાઓને ઉકેલવાની વણકહેલી નૈતિક જવાબદારી ક્રાઈમ બ્રાંચના શીરે રહેલી જ હોય છે. ટેકનિકલ બાબતો હોય કે પછી બાતમીદારના સોલિડ નેટવર્કની વાત આવે ત્યારે અમદવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ગણના થતી હોય છે. જ્યારે ૨૦૧૭ની સાલમાં શહેરમાં ગુનેગારો બેફામ બની રહ્યા હતા તે સમયે ક્રાઈમ બ્રાંચમાં આવેલા કોન્ફરન્સ રૂમમાં તમામ અધિકારીઓની મિટીંગ બોલાવવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ કડક શબ્દોમાં મિટીંગમાં હાજર તમામ અધિકારીઓને સૂચના આપી હતી કે કોઈપણ ભોગે અમદાવાદમાં બની રહેલા ગુનાઓને અટકાવવાના છે. બાદમાં ક્રાઈમ બ્રાંચના કોન્ફરન્સ રૂમમાં શહેરમાં બનેલા ગંભીર પ્રકારના ગુનાઓની એક પછી એક ચર્ચા કરવામાં આવી રહી હતી, જેમાં સૌથી અગત્યનો મુદ્દો હતો કે શહેરમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધ લોકોની સલામતી જોખમાઈ રહી છે. જેમાં વૃદ્ધ લોકોને બંધક બનાવીને લૂંટ ચલાવવા થી લઈને વૃદ્ધોની હત્યા કરી નાખવા જેવી તમામ ઘટનાઓ તાત્કાલિક અસરથી અંકુશમાં લેવી અને ઝડપથી આવા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટેની કવાયત હાથ ધરવામાં આવે તેવી સૂચના ક્રાઈમ બ્રાંચના એ કોન્ફરન્સ રૂમમાં આપવામાં આવી હતી. લગભગ ત્રણેક કલાક ચાલેલી આ મિટીંગ બાદ તમામ અધિકારીઓ પોતાની ડાયરીમાં તમામ મુદ્દાઓને નોટ ડાઉન કરી રહ્યા હતા.
આ સમયે ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા એક PSI કક્ષાના પોલીસ અધિકારી પણ પોતાની ડાયરીમાં કેટલીક ખાસ વિગતો લખી રહ્યા હતા. મિટીંગ બાદ તમામ અધિકારીઓ પોતપોતાની ચેમ્બરમાં જતા રહ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા એક PSIએ પોતાના વિશ્વસનીય બાતમીદારોને નેટવર્ક અંગે તેમના સિનિયર અધિકારીઓને પણ વાકેફ હતા. ત્યારે આ PSI પણ કામે લાગી ગયા હતા અને પોતાના બાતમીદારો અને લોકલ સોર્સને સતર્ક કરી દીધી હતા.
ક્રાઈમ બ્રાંચમાં થયેલી આ મિટીંગના થોડા દિવસો બાદ ૨૧/૧૨/૨૦૧૭ ના દિવસે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો. વાત એમ હતી કે, ઘાટલોડિયાના કર્મચારી નગર વિભાગ-૨માં રહેતી એક વૃદ્ધાની હત્યા થઈ હતી. કોલ મળતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વાયરલેસ મેસેજ કરવામાં આવ્યો જેમાં સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી. તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો. આ સમયે ક્રાઈમ બ્રાંચમાં PSI તરીકે ફરજ બજાવતા અધિકારી પણ પોતાની સ્ક્વોડ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સાથે આવેલા કોન્સ્ટેબલો આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસમાં લાગી ગયા હતા.
ઘટના સ્થળની મુલાકાત જોતા પ્રથમ દ્રષ્ટિએ તો લાગી રહ્યું હતું કે, લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. પરંતુ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટાવર લોકેશન સાથે જ ડમ્પ ડેટાનું એનાલિસીસ કરતા કેટલીક એવી બાબતો સામે આવી હતી જેના આધારે ગુનેગાર અને ગુનો કરનારને પારખી જનાર આ ચબરાક અધિકારીને એ અંદાજો આવી ગયો હતો કે, આ કેસ માત્ર લૂંટના ઈરાદે હત્યા કરવાનો નથી લાગતો. ઈરાદાપૂર્વક હત્યા કરવામાં આવી છે. શાંત સ્વભાવના અધિકારીએ પોતાની રીતે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી. તેમના હાથે એક સીસીટીવી ફૂટેજ લાગ્યા. જેમાં બંગલાની આસપાસ એક ઓટો રીક્ષા નીકળી હતી. આ રીક્ષામાં એક વ્યક્તિ દેખાઈ આવતો હતો. આ સીસીટીવી અને અન્ય બીજા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક વ્યક્તિની સતત અવરજવર દેખાતી હતી. આ તમામ સીસીટીવી ફૂટેજની કલિયારિટી માત્ર 10 થી ૧૨ ટકા જેટલી હતી. પણ કહેવાય છે ને કે, ગુનેગાર ક્યારેય સ્માર્ટ પોલીસ અધિકારીની નજરમાંથી બચી શકતો નથી. આ ગુનેગારને પણ બાજનજર અધિકારી ઓળખી ગયા. સીસીટીવીમાં પસાર થનારી ઓટો રીક્ષાના પાછળના ભાગે "યા અલી મદદ" સ્લોગન લખેલું હતું. બાદમાં શરુ થઇ ગઈ સમગ્ર કેસની તપાસ એક પછી એક બાતમીદારોને આ પ્રકારની રીક્ષા શોધવાનું કામ સોંપી દેવામાં આવ્યું હતું.
આ જ અધિકારીના વિશ્વાસુ બાતમીદારે ઘટનાના બીજા દિવસે ફોન કરીને બાતમી આપી હતી કે સાહેબ આ કેસમાં રૂપિયા પાંચ લાખની સોપરી અપાઈ છે. સોપારી લેનારા શખ્સો મુંબઈના છે. કામ કરીને ગયા તે લોકો પણ મુંબઈના જ છે. માત્ર આ જે રીક્ષા તમે કહો છો તે અમદાવાદની છે... સામાન્ય રીતે કોઈપણ પોલીસકર્મીને તેના કેસમાં આરોપીઓ અંગેનું થોડું ઘણું પણ પગેરું દેખાતું હોય છે. આવું થાય ત્યારે મહેનત કરવાની વધુ ઈચ્છા જાગતી હોય છે. આ અધિકારી સાથે પણ આવું જ થયું. પોતાના બાતમીદાર પાસેથી મળેલી બાતમીના આધારે તપાસનો દોર શરુ કરી દીધો. જેમાં મૃતક વૃદ્ધાના પરિવારજનોમાંથી એક વ્યક્તિનું નામ ટેકનિકલ એનાલિસીસમાં વારંવાર સામે આવી રહ્યું હતું. એનું નામ રમેશ પટેલ. આ રમેશ પટેલની મુંબઈના કેટલાક નંબરો પર બનાવના થોડા દિવસો અગાઉ વાતચીત થયેલાના ટેકનિકલ પુરાવાઓ હાથ લાગ્યા. પરંતુ પરિવારનો વ્યક્તિ હોવાને કારણે તેની અટકાયત કરવી તે પણ યોગ્ય બાબત ન હતી લગતી. કારણકે કોઈપણ કેસમાં ઉતાવળ કરવી તે આખા કેસની તપાસને નુકશાન પહોંચાડી શકે એમ હતું.
ખૂબ જ ધીરજપૂર્વક આ કેસની તપાસ કરી રહેલા PSIએ સૌ પ્રથમ મુંબઈમાં કોને સોપારી આપી હતી તે દિશામાં તપાસ શરુ કરી. જેમાં ઈશ્તિયાક નામના એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. આ વ્યક્તિ રમેશ પટેલનો ડ્રાઈવર હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. રમેશ પટેલનો રેતીનો ધંધો હતો. બોડેલીથી મુંબઈ વચ્ચે રેતીનો ધંધો કરતા હતા. રમેશ પટેલે એક દિવસ આ ઇશ્તિયાકને કહ્યું હતું કે, હું તને પાંચ લાખ રૂપિયા આપીશ એક વૃદ્ધાની હત્યા કરવાની છે. બોલ કરીશ?
મોટી રકમ સાંભળીને ઈશ્તિયાકે ફટાક દઈને હા કહી હતી. બાદમાં મુંબઈ ગયો હતો અને અગાઉ તેની પાડોશમાં રહેતા મહમ્મદ લતીફ ફકીરને કહ્યું હતું કે, આપણે પેલા રમેશભાઈનું કામ કરી આપવાનું છે. આપણને ખૂબ વધારે પૈસા પણ મળશે. કામ શું છે તે હું તને પછી જણાવીશ અને કેવી રીતે કરવાનું છે પણ. એક બુઢિયાનું કામ તમામ કરવાનું છે. બસ આટલું કહીને ઈશ્તિયાક નીકળી ગયો હતો. બાદમાં ૧૩-૦૭-૨૦૧૭ની રાત્રે લતીફના મોબાઈલ ફોન પર ફોન આવ્યો. સામી બાજુ ઇશ્તિયાક હતો એણે લતીફને કહ્યું કે, આવતીકાલે તારે અમદાવાદ જવાનું છે. પેલું કામ કહેલું ને એ પતાવવાનું છે. સવારે મુંબઈથી ટ્રેનમાં નીકળી જજે. લતીફે હા પાડી અને સવારે મુંબઈથી અમદાવાદ આવવા માટે ટ્રેનમાં નીકળી ગયો. વડોદરા પહોંચીને લતીફે ઈશ્તિયાકને ફોન કરીને કહ્યું કે, વડોદરા પહોંચી ગયો છું. એટલે ઈશ્તિયાકે લતીફના મોબાઈલ નંબર પર રમેશભાઈનો નંબર સેન્ડ કર્યો હતો. ચાલુ ટ્રેનમાંજ લતીફે રમેશ ભાઈને કોલ કરીને કહ્યું કે, ઈશ્તિયાકે નંબર આપ્યો છે પેલા કામ માટે. એટલે સામે છેડેથી રમેશ ભાઈએ કહ્યું કાલુપુર ઉતરીને બરોડા એક્સપ્રેસ હાઈ વે આવી જજે. બસ પછી તો લતીફ પણ અમદાવાદ ઉતરીને એક્સપ્રેસ હાઈ-વે ઉતર્યા બાદ રમેશભાઈ લતીફને બોડેલી એક કામથી લઇ ગયા. લતીફને રાત્રે ત્રણ વાગે રાણીપ બસ સ્ટેશન ઉતારી દીધો. બાદમાં રમેશભાઈ પોતના ઘરે જતા રહ્યા. બીજા દિવસે રમેશભાઈએ લતીફને કોલ કર્યો ઘાટલોડિયા વૃદ્ધાના ઘર પાસે રેકી કરાવવા માટે લઇ ગયા. રેકી કર્યા બાદ લતીફે કહ્યું કે તેની પાસે એક પણ રૂપિયો હવે રહ્યો નથી. રમેશભાઈએ લતીફને રૂપિયા ૨૦૦૦ વાપરવા આપ્યા હતા. લગભગ બે ત્રણ દિવસ સુધી રમેશભાઈ લતીફને સાથે રાખીને વૃદ્ધાના ઘરની રેકી કરતા હતા. વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી જાણકાર થવાય. ક્રિમિનલ માનસિકતા દરેક વ્યક્તિમાં હોય જ છે પરંતુ તેણે ક્યારેય ઉત્પન્ન કરવી જોઈએ નહિ પરંતુ કહેવાય છે ને કે "જર,જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું" આમાં પણ કઈક આવું જ થયું હતું જેમાં રમેશભાઈને આ વૃદ્ધાની પ્રોપર્ટી પચાવી પાડવામાં રસ હતો.
આખરે તમામ પ્રકારની રેકી થઇ ગયા બાદ હત્યા કરવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો. ૨૧-૧૨-૨૦૧૭ના દિવસે રમેશભાઈએ લતીફને ફોન કરીને ઘાટલોડિયા બોલાવ્યો. જેથી લતીફ અને તેનો મિત્ર શેરુઅલી તેની ભાડાની રીક્ષામાં શાસ્ત્રીનગર બસ સ્ટેન્ડ પહોંચ્યા જ્યાં આગળ રમેશભાઈએ કહ્યું હતું કે, તારે કુરિયર બોય બનીને ઘરમાં પ્રવેશ કરવાનો છે. જેથી ગમે ત્યાંથી એક બોક્સની અને ટી-શર્ટની વ્યવસ્થા કરી લે. આ રાખ બીજા ૧૫૦૦ રૂપિયા. લતીફ એક બોક્સ શોધી લાવ્યો અને પ્લાસ્ટિકની દુકાનમાંથી પ્લાસ્ટીકના ગ્લાસ લાવ્યો. બોક્સમાં પેક કરીને સેલોટેપ ચોંટાડી દીધા બાદ લતીફે રમેશભાઈને કોલ કર્યો અને પૂછ્યું કે, આ કુરિયર ઉપર નામ કોનું લખવાનું છે? આ રમેશભાઈ કે જે પ્રોપર્ટીના નશામાં ચૂર હતા તેમણે પૂનમબહેનનું નામ ઉપર લખી દે તેવું કહીને ફોન કટ કરી દીધો. લતીફે પોતાની જોડે આવેલ મિત્ર શેરુ અલી ઉર્ફે શેરુ સૈયદને કહ્યું કે, રીક્ષા લઈને આગળ ઉભો રહેજે હું કોલ કરું એટલે આવજે બાદમાં શરુ થઇ ગયો ખૂની ખેલ.
લતીફે ઘરનો કોલબેલ માર્યો અને દરવાજો પણ આ વૃદ્ધાએ ખોલ્યો અને લતીફે કહ્યું કે, આ તમારું કુરિયર આવ્યું છે. આ વૃદ્ધા ઘરના દરવાજામાંથી બહાર નીકળી. એને એમણે સામેવાળાને પૂછ્યું કે, કોણે મોકલ્યું છે તો લતીફે થોડું આજુ બાજુ જોઈને જરા અચકાઈને કહ્યું કે, પૂનમબહેન કરીને કોઈ છે તેમનું નામ લખ્યું છે બોક્સ પર. વૃદ્ધાએ લતીફને કહ્યું કે, કુરિયર અંદર સોફા ઉપર મૂકી દો. કુરિયર સોફા પર મૂકતા લતીફે મહિલાને કહ્યું કે, કુરિયર ખોલીને એક વખત જોઇ લો એટલે વૃદ્ધા જેવા કુરિયર ખોલવા લાગ્યાં કે, તેટલામાંજ સોફા પર પડેલો રૂમાલ લઈને લતીફે વૃદ્ધાના ગળે રૂમાલથી ટૂંપો દઈ દીધો. હટ્ટાકટ્ટા લતીફ સામે એ વૃદ્ધાનું કંઈ ન ચાલ્યું. થોડી જ ક્ષણોમાં તો એમણે શ્વાસ છોડી દીધાં.
વૃદ્ધાએ શરીર પર પહેરેલાં દાગીના ઉતારીને એ ઘરમાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને પોતાના મિત્ર શેરુને કોલ કર્યો. તેની રીક્ષા બેસીને નીકળી ગયો. ઘાટલોડિયા વિસ્તાર કે જ્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે વિસ્તારમાં લોકોની અવાર જવર એમ પણ સામાન્ય રહેતી હોય છે. આરામથી રીક્ષા લઈને લતીફ અને શેરુ અલી નીકળી ગયા. રીક્ષામાં બેઠા બેઠા લતીફે પહેલા રમેશભાઈને કોલ કર્યો અને કહ્યું કે, કામ થઇ ગયું છે. બાદમાં ઇશ્તિયાકને કોલ કરીને કહ્યું કે, ભાઈ કામ હો ગયા હેૈ. બાદમાં લતીફે તેના બન્ને સીમકાર્ડ તોડીને નાખી દીધા. લતીફે પોતાના મિત્રને શેરુ સૈયદને કહ્યું કે, આ દાગીના વેચવા છે કોઈ ઓળખીતો હોય તો કહે. એટલે શેરુ સૈયદે તેની ઓળખીતી મહિલાને બોલાવી દાગીના લઈને માણેકચોક ખાતે જઈને રૂપિયા ૪૫૦૦૦માં વેંચી દીધા. જેમાંથી લતીફે રૂપિયાય ૫૦૦૦ શેરુઅલી સૈયદને આપ્યા. બાદ ટ્રેનમાં બેસીને લતીફ મુંબઈ જતો રહ્યો. બે દિવસ બાદ ઈશ્તિયાક અને લતીફ મળ્યા ત્યારે એને બીજા બેહજાર રુપિયા આપ્યા. બાકીના રુપિયા રમેશભાઈ પાસે જઈને લઇ લઈશું. આવું કહેતા જ લતીફ બોલ્યો કે, બોલો બોલો કબ જાના હે જભી જાના હો તભી ચાલે જાયેંગે. બાદમાં લતીફ અને શેરુ અલી સૈયદ રૂપિયા લેવા માટે ૨૯-૧૨-૨૦૧૭ ના રોજ અમદાવાદ આવ્યા. રમેશભાઈને કોલ કરતા હતા પરંતુ થોડા-થોડા સમયે રમેશભાઈનો કોલ લાગતો હતો અને બંધ થઇ જતો હતો.
આ જ સમયે ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પીએસઆઈની શંકાની સોય રમેશ પટેલ પર હતી. જેથી સ્થાનિક ઘાટલોડિયા પોલીસને જાણ કરીને તેને ડિટેઈન કરી લેવાની સૂચના આપી દીધી. રમેશના મોબાઈલ નંબર પર ઇશ્તિયાકના અવારનવાર ફોન આવતા હતા જેના આધારે રમેશનો મોબાઈલ પણ આ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ સર્વેલન્સ ઉપર મૂકેલો જ હતો. આ કારણે જ લતીફ અને ઈશ્તિયાકના લોકેશન વટવા ખાતેના મળી આવ્યા હતા.
આ અધિકારી માટે વટવા વિસ્તારની એકએક ગલીઓ મગજમાં ફીટ થઇ ગયેલી હતી. પોતાના કરિયરની શરૂઆત વટવા પોલીસ સ્ટેશનથી કરેલી હતી. વટવા લોકેશન મળતાની સાથે જ પીએસઆઈ તેમના સ્ક્વોડની સાથે વટવા બીબી તળાવ પહોંચી ગયા હતા. બન્ને વ્યક્તિઓના હાવભાવ જોતાની સાથે જ સમજી ગયા હતા કે આજ આરોપી છે અધિકારીએ બન્નેની પાસે જઈને કહ્યું કે, રમેશભાઈને મળવાનું છે. બસ આટલું બોલતાની સાથે જ લતીફ અને ઇશ્તિયાક બોલી ઉઠ્યા કે, તમને રમેશભાઈએ મોકલ્યા છે? તેટલામાં જ ચારેય બાજુથી બન્ને આરોપીઓની આસપાસ પોલીસ ગોઠવાઈ ગઈ. લતીફ અને ઈશ્તિયાકને ઉઠાવીને ગાડીમાં બેસીને રવાના થઇ ગઈ હતી.
Advertisement
Advertisement


