Ahmedabad: ફ્લાવર-શોની તારીખ લંબાવવામાં આવી જેમાં ફિલ્મનું શૂટ પણ કરી શકાશે
- ફ્લાવર-શો 2 દિવસ વધારવામાં આવ્યો છે
- આગામી શનિવારથી શૂટ માટેના બુકિંગ શરૂ કરાશે
- સવારે 7 થી 9 સુધીની મંજૂરી આપવામાં આવી
Ahmedabad: અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર-શોની તારીખ લંબાવવામાં આવી છે. જેમાં ફ્લાવર-શો 2 દિવસ વધારવામાં આવ્યો છે. તેમાં 22 જાન્યુઆરીના બદલે 24 જાન્યુઆરી સુધી ફ્લાવર-શો યોજાશે સાથે જે ફ્લાવર-શોમાં પ્રી વેડિંગ તેમજ ફિલ્મનું શૂટ કરી શકાશે. જેમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ સવારે 7 થી 9 સુધીની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફિલ્મ માટે 1 લાખ રૂપિયા ચાર્જ તેમજ પ્રી વેડિંગ માટે 25૦૦૦ રૂપિયા ફી વસૂલવામાં આવશે.
આગામી શનિવારથી શૂટ માટેના બુકિંગ શરૂ કરાશે
આગામી શનિવારથી શૂટ માટેના બુકિંગ શરૂ કરાશે જેમાં અનેક લોકોની રજૂઆત બાદ AMC દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફ્લાવર્સ-શોએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. કારણ કે આ ફ્લાવર-શોમાં બનાવવામાં આવેલા એક બુકે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યા બાદ આ વર્ષે હવે સૌથી મોટા બુકે માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. 7 જાન્યુઆરી, 2025ના રોજ ગિનિસ બુક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન અપાયુ હતુ.
શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવે છે
ફ્લાવર-શોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન રૂપિયા 70 પ્રવેશ ફી લેવાય છે. તેમજ શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવે છે. તથા સ્પેશિયલ કેસમાં ફ્લાવર-શો નિહાળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં રૂ.500 ફી આપી ખાસ લાઈનમાં પ્રવેશ અપાઇ રહ્યો છે. ફ્લાવર-શો 2025માં રૂપિયા 15 કરોડ ખર્ચ થયો છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો (Flower show)નું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર-શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આવી ફ્લાવર-શોનો આનંદ માણ્યો છે.
આ પણ વાંચો: Rajkot: વિંછીયામાં પથ્થરમારાના મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આરોપ


