Ahmedabad Lakes Reality Check : કરોડો ખર્ચ્યા છતાં તળાવો તરસ્યા
- કરોડો ખર્ચે પણ તળાવો ગટરથી ભરાયા!
- તળાવ બચાવવાની વાતો ખાલી વાયદા?
- પાણી નહીં, AMCના વાયદાઓ ઓવરફ્લો!
- જળસંચય યોજનાઓ માત્ર કાગળ પર?
- 5 વર્ષ, 180 કરોડ ખર્ચ તેમ છતા ગંદકી!
Ahmedabad Lakes Reality Check : ગુજરાત સ્ટેટ વોટર પોલિસી કે જે અંતર્ગત અમદાવાદ શહેરના 156 તળાવોના બીફોર અને આફ્ટરનું મેપિંગ, સ્ટ્રોંગ વોટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણીનો સંગ્રહ સહિતની અલગ અલગ વસ્તુઓને લઈને આ પોલિસી બનાવવામાં આવી હતી. જે પોલીસી પાછળ છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકાએ 180 કરોડનો ખર્ચો કર્યાની વાત છે, તો વર્ષ 2025_26 માં વધુ 100 કરોડ ખર્ચાય તે પ્રકારનું આયોજન AMC કરી રહ્યું છે પરંતુ અહીં સવાલ એ જ છે કે આટલા કરોડોના ખર્ચ બાદ તળાવોની સ્થિતિ બદલાઈ કે નહિ ?
અમદાવાદ શહેરના તળાવો
અમદાવાદ શહેરની અંદર 156 તળાવો સરકારી ચોપડે નોંધાયેલા છે જે પૈકી 143 તળાવ અમદાવાદ મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ છે જેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મનપાની છે. ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ આ તમામ તળાવની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જેને લઈને Gujarat First ની ટીમ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આવતા તળાવનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યારે રિયાલિટી ચેકમાં તળાવોની દયનિય પરિસ્થિતિ જોવા મળી કોઈક તળાવની અંદર વરસાદી પાણીના બદલે ગટર લાઈનનું કનેક્શન, લીલવાળુ પાણી, તળાવની બાજુમાંથી નીકળતા સતત મારતી દુર્ગંધ તો તળાવની ફરતે ગંદકી પણ જોવા મળી જતી હતી. પરંતુ છેલ્લા 5 વર્ષની જો વાત કરીએ તો અમદાવાદ મનપા દ્વારા તળાવોના ઇન્ટરલિંકિગ કરવા પાછળ વર્ષ 2021-22 માં 45 કરોડ, વર્ષ 2022 -23 માં 10 કરોડ, વર્ષ 2023 -24 માં 51.5 કરોડ, વર્ષ 2024 -25 માં 73.1 કરોડ રૂપિયાનો ખર્ચ બજેટની અંદર મૂકવામાં આવ્યો હતો પરંતુ જ્યારે તમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો સામે ખૂબ જ ચોકાવનારા દ્રશ્યો આવ્યા હતા. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના છેડાને આવરી લે તે પ્રકારે તળાવોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
પાંચા તળાવ પ્રહલાદ નગર
અમદાવાદ શહેરનો સૌથી પોષ વિસ્તાર એટલે પ્રહલાદ નગર કે જ્યાં પાંચ તળાવ આવેલું છે જે તળાવ પાછળ અમદાવાદ મનપા દ્વારા કરોડોનું ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ તળાવ વરસાદના પાણીથી ભરાય તે પ્રકારેનું આયોજન કાગળ ઉપર કરવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ તળાવની અંદર જોવા મળી, કારણ કે ભૂતકાળમાં પણ અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદમાં આ તળાવ ઓવરફ્લો થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. ગત વર્ષે પણ ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હતી, તો વર્ષ 2022 ની અંદર તળાવ ઓવરફ્લો થયું અને બાજુના ફ્લેટની દિવાલ તૂટી હતી, જેના કારણે પાણી ભરાયા હતા તો ચાલુ વર્ષે પણ તળાવને વરસાદી પાણીના બદલે ગટરના પાણીથી ભરવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ વગર વરસાદે તળાવની અંદર ગટરનું પાણી ઠાલવવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ કેમેરાની અંદર કેદ થયા છે. સાથે જ ગટરનું પાણી તળાવની અંદર આવતું હોવાના કારણે આસપાસના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
વસ્ત્રાલ તળાવ
શહેરના પૂર્વ ઝોનમાં એસપી રીંગ રોડ પર વસ્ત્રાલ જેમાં પણ કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ સ્થિતી દયનીય હતી. અંદાજે 20 કરોડ રૂપિયાનો ખર્ચ વર્ષ 2017 થી 21 દરમિયાન કરાયો હતો. બીજલબેનના હસ્તે આ તળાવનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ પરિસ્થિતિ એ હદે ખરાબ છે કે તળાવમાં સિક્યુરિટી કરતી એજન્સીના માણસો પણ એવું કહે છે કે તળાવમાં પાણી દૂષિત હોવાના કારણે દુર્ગંધ મારે છે તેમજ અધિકારીઓ ગમે ત્યારે આવીને ગટરનું પાણી તળાવની અંદર છોડે છે સાથે જ તળાવમાં એસટીપી પ્લાન્ટ પણ મુકવામાં આવ્યો નથી જેના કારણે દુર્ગંધના લીધે લોકો તળાવમાં આવવાનું ટાળી રહ્યા છે.
મહાકાળી તળાવ
સામાન્ય રીતે કોર્પોરેશન તળાવો ભરવા માટે ખર્ચો કરતી હોય છે પરંતુ આ અમદાવાદનું એક એવું તળાવ છે કે જેને પહેલા ભરવા માટે અમદાવાદ મનપા નાણાંનો ખર્ચો કરે છે અને પછી ખાલી કરવા માટે પણ કોર્પોરેશન લાખોનો ખર્ચો કરી રહી છે. જી હા આ અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા નજીક આવેલું મહાકાળી તળાવ જે ઔડા મહિલા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ તળાવને ગટરના પાણીથી ભરવામાં આવે છે અને બાદમાં હેવી ડીવોટરીંગ મશીન લગાવીને તેને ખાલી પણ કરવામાં આવે છે. ત્યારે અહીંયા સવાલ જ એક છે કે જો તળાવને ખાલી જ કરવું હતું તો શા માટે પહેલા ગટરના પાણીથી આ તળાવને ભર્યું. એસટીપી પ્લાન્ટ લગાવ્યો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન થાય સાથે જ વરસાદી પાણીની અને ગટરના પાણીની લાઈનો પણ અલગ અલગ કરી હોય તો પછી તળાવની ગટરના પાણીથી ભરવાની જરૂર ન પડે અને આ પ્રકારેની પરિસ્થિતિ ન સર્જાય. તળાવની ફરતે આવેલા ગાર્ડનમાં પણ લોકો તળાવના કારણે આવે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે તળાવનું પાણી પણ ડાર્ક ગ્રીન કલરનો એટલે કે મોટી સંખ્યામાં લીલ વાળુ જોવા મળી રહ્યું છે. ત્યારે આ તળાવને ઇન્ટર લિન્કિંગ કરવા માટે કરોડો ખર્ચાયા પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ઇન્ટરલિંકિંગ વરસાદના પાણીથી કરવાનું હતું પરંતુ કોર્પોરેશનના અધિકારીઓની આવડતના કારણે આ તળાવ ગટરના પાણીથી ઇન્ટરલિંકિંગ કરાયા જેના કારણે પહેલાં ભરવા માટે ખર્ચો અને હવે ખાલી કરવા માટે પણ પ્રજાના પૈસાનો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે.
ચાંદલોડિયા તળાવ
ચાંદલોડિયા તળાવ એટલે એક એવું તળાવ કે જે એસજી હાઇવેની ખૂબ જ નજીક આવેલું તેમ જ બાજુમાં જ શાળા અને કોલેજ બંને આવેલી છે. તળાવની અંદર ગટરના પાણી તો છોડવામાં જ આવે છે પરંતુ તળાવમાં મોટા પ્રમાણમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે જેના કારણે લોકો બાળકોને લઈને ફરવા પણ નથી આવી શકતા. સાથે જ સતત ગટરના પાણી તળાવની અંદર છોડવામાં આવે છે. વગર વરસાદ પણ તળાવની અંદર ગટરનું પાણી આવી રહ્યું છે તો અનેક તળાવમાં આપણે લીલું પાણી જોયું પરંતુ આ તળાવની અંદર ગટરનું કાળું પાણી સ્પષ્ટ દેખાય છે. કોર્પોરેશન દ્વારા તળાવનું ડેવલોપમેન્ટ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તેમ છતાં પરિસ્થિતિ તેમની તેમજ જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા છે અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ અહીં સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેથી લોકો બાળકોને પણ તળાવની ફરતે રમવા લાવી શકે તેમ પરિસ્થિતિ નથી.
તળાવ બચાવવાની વાતો ખાલી વાયદા?
અમદાવાદ શહેરના કમિશન દ્વારા પાછલા વર્ષમાં તળાવના સંરક્ષણ માટે ખાસ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેની અંદર સોલીડ વેટ હેલ્થ લાઇટ તેમજ ઇજનેર ખાતાના અધિકારીઓની રચના કરવામાં આવી હતી. જેમણે પહેલા વોર્ડ લેવલ પર એક મિટિંગ કરવાની બાદમાં ઝોન લેવલ ઉપર મીટીંગ કરવાની હતી. ત્યારે એક ચોકાવનારી માહિતી એ મળી કે ઉત્તર ઝોન સિવાય કોઈ એક પણ ઝોન દ્વારા આ પ્રકારની એક પણ કમિટીની મીટીંગ યોજવામાં આવી નથી. ત્યારે કોર્પોરેશન મોટી મોટી વાતો તો કરે છે પરંતુ આ તળાવને સાચવી શકતું નથી. સરકાર એક તરફ જળસંચય માટે ધારાસભ્યોની ગ્રાન્ટ પણ વરસાદી પાણીના સંગ્રહમાં વાપરવાની વાત કરે છે ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા એક પણ તળાવ વરસાદી પાણીથી ભરવામાં આવતા નથી. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સિઝનનો 40% વરસાદ પડ્યો છે પરંતુ તળાવની અંદર વરસાદનું પાણી નહીં પણ ગટરનું પાણી જોવા મળી રહ્યું છે.
કરોડો રૂપિયા બાદ પણ પરિસ્થિતિ કંઈક અલગ જ
અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખંભાત કુવા નવા તેમજ જળસંચય અભિયાન માટેનો આગ્રહ કરવામાં આવે છે. તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ તમામ મકાનોને બનાવવાની વાતો થાય છે પરંતુ કુદરતી જળ સંગ્રહ થાય તે પ્રકારની કોઈ પણ વ્યવસ્થા અમદાવાદ દ્વારા કરવામાં આવી રહી નથી કરોડો રૂપિયા બાદ પણ પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે.
અહેવાલ - રિમા દોશી
આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલીવાર યોજાશે ગરબાની રમઝટ! જાણો સંપૂર્ણ વિગત


