Ahmedabad Plane Crash : રાત-દિવસ એક કરી કામગીરી કરનાર વર્ગ 3-4 નાં 450 કર્મચારીઓનું સન્માન
- અમદાવાદ એરઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો
- ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ 3-4 ના કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન
- હોસ્પિટલનાં દરેક સ્ટાફે રાત-દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ નીભાવી: ડો. રાકેશ જોષી
ભારત સહિત સમગ્ર વિશ્વને હચમચાવનારી એવી અમદાવાદ એરઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતનાં વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-4 અને વર્ગ-3 ના કર્મચારીઓનું હોસ્પિટલ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલનાં દરેક સ્ટાફે રાત-દિવસ કલાકો સુધી કામ કર્યું
આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આજે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બનાવને એક મહિનો પૂરો થયો છે ત્યારે અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવમાં સિવિલ હોસ્પિટલનાં દરેક સ્ટાફે રાત-દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી પોતાની ફરજનાં કલાકોની પરવાહ કર્યા વગર કામ કર્યુ હતું, જેના પ્રતાપે આખા બનાવ બાદ ઊભી થયેલી તમામ પરિસ્થિતિમાં ઘાયલ લોકોની સારવાર તેમ જ જે લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા હતા, તેમના DNA સેમ્પલ લેવાથી માંડી તેમને ડેડ બોડી હેન્ડઓવર કરવાની કામગીરી યોગ્ય રીતે સમયસર થઇ શકી.
આ પણ વાંચો - VADODARA : બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના વ્હારે આવ્યા ધારાસભ્ય, બે વર્ષનો પગાર આપશે
વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી
ડો. રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, આ આખા કરુણ બનાવમાં જે લોકો ઘાયલ થયા કે જે લોકો એ પોતાનાં સ્વજનો ગુમાવ્યા એ દુ:ખને તો આપણે ન લઇ શકીએ પરંતુ, તે બાદની તમામ કાર્યવાહીમાં મૃત્યુ પામનારનાં સગાને કોઇપણ જાતની અગવડ ન પડે તેનું ધ્યાન અમારા દરેક સ્ટાફે રાખી ઉતમ કામગીરી કરી હતી. આ સ્ટાફમાં તમામ ડેડ બોડીને કોલ્ડ બોક્ષમાં રાખવાથી લઇ તેને કોફીનમાં રાખી સગાઓને સોંપવા સુધીની કામગીરી કરનાર વર્ગ-4 નાં પીએમ વિભાગમાં કામ કરતા કર્મચારીથી માંડી દર્દીનાં સગાઓ સાથે શરુઆતથી અંત સુધી રહી તેમને સાંત્વનાની સાથે તેમના સ્વજનનું પાર્થિવ શરીર સોંપાય ત્યાં સુધી તેમની સાથે રહેનાર PRO તેમ જ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ કંટ્રોલ રુમ, PM રુમ, ટ્રોમા સેન્ટર, વિવિધ વોર્ડ, BJ મેડિકલ કોલેજ ખાતે કામ કરનાર વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ પણ વાંચો - Junagadh : સાવજ ડેરી સામે ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ, ચેરમેન ભડક્યા! કહ્યું- તમે કોનાં ઇશારે..!
450 કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોર્સિંગ એજન્સી વિષ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા વર્ગ -3 અને વર્ગ 4 નાં કુલ 450 જેટલા વિવિધ કર્મચારીઓને આ પ્રસંગે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી ઉપરાંત બી.જે. મેડિકલ કોલેજનાં ડીન મિનાક્ષી પરીખ, એડિશનલ ડિન તેમ જ પીજી ડાયરેક્ટર ડો. ધર્મેશ પટેલ, ડો. રજનીશ પટેલ વગેરેએ હાજર રહી આ તમામ સ્ટાફની કામગીરીને બીરદાવી હતી.
અહેવાલ : સંજય જોશી, અમદાવાદ
આ પણ વાંચો - Indranil Rajguru : પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજયગુરૂ સાથે Gujarat first ની ખાસ વાતચીત


