Ahmedabad : બોપલની Satyamev International School નો વિવાદાસ્પદ આદેશ! વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા સુચના આપી
- અમદાવાદના બોપલની Satyamev International School વિવાદમાં
- શાળામાં વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા સુચના આપી
- વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેગીન્સ ન પહેરવાનો શાળાનો આદેશ
- જો વિદ્યાર્થિની લેગીન્સ પહેરે તો સજા અપાતી હોવાના આક્ષેપ
- શોર્ટ સ્કર્ટના સ્કૂલના નિર્ણય સામે વાલીઓએ નોંધાવ્યો વિરોધ
- યુનિફોર્મના વિવાદ મુદ્દે સ્કૂલનાં પ્રિન્સિપાલની પ્રતિક્રિયા
- 20 વર્ષમાં એકપણ વખત યુનિફોર્મમાં બદલાવ થયો નથી
- તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં જ આવવું પડશે
- વાલીઓ લેખિતમાં રજૂઆત આપશે તો ચોક્કસ નિર્ણય લઈશું
Satyamev International School controversy, Ahmedabad : શિક્ષણનું ધામ ગણાતી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસને બદલે, હવે ડ્રેસ કોડના નામે વિવાદો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારની જાણીતી સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ (Satyamev International School) તાજેતરમાં એક અત્યંત અસામાન્ય અને સંવેદનશીલ વિવાદને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. વાલીઓએ સ્કૂલ સંચાલકો પર વિદ્યાર્થિનીઓના પોશાક અંગે વિવાદિત અને અયોગ્ય નિયમો લાદવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
શું છે વિવાદનું મૂળ કારણ?
વાલીઓના આક્ષેપો મુજબ, સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ (Satyamev International School) દ્વારા વિદ્યાર્થિનીઓ માટે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમને ફરજિયાતપણે શોર્ટ સ્કર્ટ જ પહેરવા જણાવાયું છે. આનાથી પણ વધુ વિવાદાસ્પદ બાબત એ છે કે સ્કૂલે સ્પષ્ટપણે સ્કર્ટની નીચે લેગિન્સ ન પહેરવાની સૂચના આપી છે. વાલીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે શાળા આવો વિવાદિત અને ગંભીર નિર્ણય કઈ રીતે કરી શકે? ડ્રેસ કોડનો હેતુ વિદ્યાર્થીઓમાં સમાનતા અને શિસ્ત જાળવવાનો હોય છે, પરંતુ વિદ્યાર્થિનીઓને લેગિન્સ જેવા પૂરક અને આરામદાયક કપડાં ન પહેરવા દેવાનો આદેશ તર્કહીન અને અસંવેદનશીલ છે. ખાસ કરીને જ્યારે નાની બાળકીઓ સ્કર્ટમાં કમ્ફર્ટેબલ ન હોય અથવા ગરમી જેવા હવામાનમાં વધારાની સુરક્ષા અને આરામની જરૂર હોય, ત્યારે સ્કૂલનો આ નિર્ણય કેટલો યોગ્ય ગણી શકાય?
અમદાવાદના બોપલની સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં
શાળામાં વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા સુચના આપી
વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેગીન્સ ન પહેરવાનો શાળાનો આદેશ
જો વિદ્યાર્થિની લેગીન્સ પહેરે તો સજા અપાતી હોવાના આક્ષેપ
શોર્ટ સ્કર્ટના સ્કૂલના નિર્ણય સામે વાલીઓએ નોંધાવ્યો વિરોધ… pic.twitter.com/K4oQiKxlrd— Gujarat First (@GujaratFirst) October 8, 2025
નિયમ તોડવા પર સજાનો ગંભીર આરોપ (Satyamev International School)
વાલીઓ દ્વારા કરવામાં આવેલો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે જો કોઈ વિદ્યાર્થિની સ્કૂલના આ નિયમનું ઉલ્લંઘન કરીને સ્કર્ટની નીચે લેગિન્સ પહેરે તો તેને સજા કરવામાં આવે છે. આક્ષેપ છે કે સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા મજબૂર કરવામાં આવે છે અને લેગિન્સ પરનો પ્રતિબંધ બાળકીઓ માટે એક પ્રકારનું અસુરક્ષિત વાતાવરણ ઊભું કરી રહ્યો છે. ત્યારે કેટલાક સવાલો અહીં ઉભા થઇ રહ્યા છે.
- વાલીઓનો સવાલ: સ્કૂલને લેગિન્સ પહેરવા બદલ સજા કરવાની સત્તા કોણે આપી?
- સુરક્ષાનો મુદ્દો: બાળકીઓની સગવડ, આરામ અને સુરક્ષાને અવગણીને માત્ર ડ્રેસ કોડના કડક નિયમો લાદવા કેટલા વાજબી છે?
- માનસિક અસર: સજાના ડરથી બાળકીઓ પર પડતી માનસિક અસર વિશે સ્કૂલે વિચારવું જોઈએ.
શાળાનું કામ શિક્ષણ આપવાનું છે, પરંતુ આવા નિયમો દ્વારા વિદ્યાર્થિનીઓના પોશાક પર અત્યંત કડક નિયંત્રણ લાદવાનો પ્રયાસ વાલીઓમાં ભારે રોષ પેદા કરી રહ્યો છે. વાલીઓએ સામૂહિક રીતે આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે અને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.
કાયદાકીય લડતની તૈયારી
સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ અને વિવાદ વકરતા, જ્યારે મીડિયા અને નારાજ વાલીઓ દ્વારા સત્યમેવ સ્કૂલના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે સ્કૂલના સત્તાધીશોએ આ ગંભીર આક્ષેપો અંગે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સંચાલકોના આ મૌનથી વાલીઓના આક્ષેપોને વધુ બળ મળ્યું છે. વાલીઓ હવે માત્ર વિરોધ પૂરતા સીમિત ન રહેતા, આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. વાલીઓએ રાજ્યના શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવવા અને સ્કૂલના આવા વિવાદાસ્પદ અને ભેદભાવપૂર્ણ નિર્ણયની યોગ્ય તપાસ કરાવવા માટે માંગ કરી છે, જેથી વિદ્યાર્થિનીઓના હિતનું રક્ષણ થઈ શકે અને તેમને અન્યાય ન થાય.
યુનિફોર્મ વિવાદ પર પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતનું સ્પષ્ટ નિવેદન
સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતે તાજેતરમાં સ્કૂલના યુનિફોર્મ અંગે સ્પષ્ટતા કરી છે, જેમાં તેમણે યુનિફોર્મને તેમની પ્રાથમિકતા ગણાવ્યો છે. પ્રિન્સિપાલે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષોમાં સ્કૂલના યુનિફોર્મમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને તમામ વિદ્યાર્થીઓ માટે સ્કૂલના નિર્ધારિત યુનિફોર્મમાં આવવું ફરજિયાત છે. જોકે, તેમણે એક મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ ઉમેર્યો કે જો વાલીઓ તેમના બાળકોને યુનિફોર્મ સાથે લેગીંસ પહેરવા દેવા અંગે લેખિતમાં અરજી કરશે, તો સ્કૂલ મેનેજમેન્ટ આ વિષય પર ચોક્કસપણે નિર્ણય લેશે. પ્રિન્સિપાલના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે હાલ પૂરતું યુનિફોર્મનું પાલન કરવું અનિવાર્ય છે, પરંતુ વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લેવાની તૈયારી પણ સ્કૂલ દ્વારા દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો : Panipuri Health Benefits : પાણીપુરી ખરેખર કેટલી હેલ્ધી છે? કારણ જાણીને થશે આશ્ચર્ય!


