Ahmedabad Plane Crash દુર્ઘટના બાદ Air India SATS ના કર્મચારીઓને પાર્ટી કરવી ભારે પડી!
- અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ કરી કાર્યવાહી
- એર ઈન્ડિયા SATSના ચાર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા
- પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ પણ અધિકારીઓ કરતા હતા પાર્ટી
- SATSના અધિકારીઓનો ડાન્સ કરતો વીડિયો આવ્યો હતો સામે
- અધિકારીઓના અસંવેદનશીલ વ્યવહારના કારણે લેવાયા એક્શન
- પાર્ટી કરનારા કર્મચારીઓ પર કરાઈ અનુશાસનાત્મક કાર્યવાહીઃ AISATS
Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયા (Air India) ના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન AI-171ના દુઃખદ દુર્ઘટના (tragic accident) એ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી 241ના મોત થયા હતા, જ્યારે જમીન પર પણ ઘણા લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાના થોડા દિવસો બાદ એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવા પૂરી પાડતી કંપની AISATS (Air India SATS Airport Services Private Limited)ના ગુરુગ્રામ ઓફિસમાં યોજાયેલી એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો. આ અસંવેદનશીલ ઘટનાને પગલે AISATSએ 4 વરિષ્ઠ અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કર્યા છે અને અન્ય કેટલાક કર્મચારીઓને ચેતવણી આપી છે.
વાયરલ વીડિયો અને લોકોનો રોષ
20 જૂન, 2025ના રોજ ગુરુગ્રામમાં AISATSની ઓફિસમાં યોજાયેલી એક પાર્ટીમાં કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અબ્રાહમ ઝકારિયા સહિત અન્ય કર્મચારીઓ ડીજેના તાલે નૃત્ય કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતાં લોકોએ તેને અત્યંત અસંવેદનશીલ ગણાવ્યું, કારણ કે આ પાર્ટી અમદાવાદ વિમાન દુર્ઘટનાના થોડા દિવસ બાદની હોવાનું સામે આવી રહ્યું છે. આ સમયે ઘણા પીડિત પરિવારો હજુ પોતાના સ્વજનોના મૃતદેહની રાહ જોઈ રહ્યા હતા, અને દેશભરમાં શોકનું વાતાવરણ હતું. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, “ભારતીય કોર્પોરેટ્સની સમસ્યા એ છે કે તેમની પાસે દિલ નથી, ફક્ત પૈસા જ મહત્વના છે. કોઈનું મૃત્યુ થાય તો પીડિત પરિવારને થોડા પૈસા આપી દો, કોઈ જવાબદારી નથી, કોઈ તપાસ નથી.”
AISATSની સ્પષ્ટતા અને કાર્યવાહી
સોશિયલ મીડિયામાં આ વિશે ખૂબ ટીકા ટિપ્પણીઓ બાદ આખરે AISATS એ તાત્કાલિક એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "AI-171 અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવેલ વર્તન અમારી કંપનીની મૂળભૂત ભાવના અને વ્યાવસાયિક મૂલ્યો અનુસાર નથી. અમે જવાબદારો સામે કડક શિસ્તભંગના પગલાં લીધા છે." કંપનીએ 4 વરિષ્ઠ અધિકારીઓને રાજીનામું આપવા જણાવ્યું છે અને અન્ય કેટલાક કર્મચારીઓને ચેતવણી જારી કરી છે. AISATSએ આ ઘટનાને લઈને સંવેદનશીલતા, વ્યાવસાયિકતા અને જવાબદારી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાની વિગતો
ઉલ્લેખનીય છે કે, 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ટેકઓફની થોડી સેકન્ડોમાં જ બીજે મેડિકલ કોલેજના રેસિડેન્શિયલ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ તેમજ જમીન પરના લોકો સહિત 270 થી વધુ લોકોના મોત થયા હતા. ફ્લાઈટમાં એકમાત્ર જીવિત બચેલા મુસાફર, ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વશકુમાર રમેશ, જે સીટ 11A પર બેઠા હતા, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા ચાલી રહી છે, અને ફ્લાઈટના બ્લેક બોક્સમાંથી ડેટા પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash Incident : ફક્ત 10 મિનિટ... અને ભૂમિનો જીવ બચી ગયો