અમદાવાદ એરપોર્ટ અને સુરતની 2 શાળાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી
- અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ ની ધમકી મળી
- સુરતમાં શાળાને બોમ્બથી ઉડાડવાની ધમકી
- જોકે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી
Bomb blast threat in Ahmedabad and Surat : રાજ્યના બે મોટા શહેરો, અમદાવાદ અને સુરત, મંગળવારે (22 જુલાઈ, 2025) બોમ્બ ધમકીના સમાચારથી હચમચી ગયા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સુરતની 2 શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી, અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ સાથે બંને સ્થળોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષાને લઈને કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને એક નનામી ઈ-મેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી, જેમાં એરપોર્ટને ઉડાડી દેવાની વાત કરવામાં આવી હતી. આ ધમકીની જાણ થતાં જ અમદાવાદ સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુસાફરો અને અન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, અને એરપોર્ટના સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી. આ ઘટનાને કારણે ફ્લાઈટ્સના શેડ્યૂલ પર અસર થવાની આશંકા છે, જોકે એરપોર્ટ ઓથોરિટીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. સુરક્ષા એજન્સીઓ ઈ-મેઈલના સ્ત્રોતની તપાસ કરી રહી છે, અને સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
સુરતની શાળાઓને ધમકી
સુરતમાં 2 જાણીતી શાળાઓ, જી.ડી. ગોયેન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ અને લાન્સર આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ધમકીઓની જાણ થતાં સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને બંને શાળાઓની સુરક્ષા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડને મોકલી. સાવચેતીના ભાગરૂપે, શાળાઓમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફને રજા આપી દેવામાં આવી, અને બંને શાળાઓના પરિસરની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી. હાલમાં, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ પોલીસે સુરક્ષાને લઈને કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે. શાળા વહીવટીતંત્રે વાલીઓને શાંત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
ધમકીભર્યા ઈ-મેઈલનો સતત વધતો ટ્રેન્ડ
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં વિવિધ જાહેર સ્થળો, જેમ કે એરપોર્ટ્સ, શાળાઓ અને હોસ્પિટલોને બોમ્બ ધમકીભર્યા ઈ-મેઈલ મળવાનો સિલસિલો વધી રહ્યો છે. આ ધમકીઓ મોટાભાગે નનામી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવે છે, જેના સ્ત્રોતની શોધ કરવી સુરક્ષા એજન્સીઓ માટે પડકારજનક રહી છે. અમદાવાદ અને સુરતની આ ઘટનાઓ પણ આવા જ એક ટ્રેન્ડનો ભાગ છે. સાયબર ક્રાઈમ વિભાગ આવા ઈ-મેઈલના આઈપી એડ્રેસ અને સ્ત્રોતની તપાસ કરી રહ્યું છે, જેથી ધમકી આપનારની ઓળખ થઈ શકે. આ પ્રકારની ધમકીઓ લોકોમાં ભયનો માહોલ ઊભો કરે છે અને જાહેર સુરક્ષા વ્યવસ્થા પર દબાણ વધારે છે.
આ પણ વાંચો : વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી


