Gujarat cold wave : રાજ્યમાં ઠંડીનો ચમકારો, ક્યાંક 10 ડિગ્રી; તો ક્યાંક માવઠાનું સંકટ!
- Gujarat cold wave
- ગુજરાતમાં ઠંડીનો કેર : પારો 10 ડિગ્રીના નીચે
- 2 થી 8 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડીની આગાહી
- અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ
Gujarat cold wave : ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવાર અને મોડી સાંજે લોકો હવે ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. એક તરફ જ્યાં પારો ગગડીને 10 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, ત્યાં હવામાન શાસ્ત્રીની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)નું સંકટ પણ તોળાઈ રહ્યું છે. આવો જાણીએ, રાજ્યમાં વર્તમાન ઠંડીની સ્થિતિ શું છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે.
ફુલગુલાબી ઠંડીનો પ્રારંભ: ક્યાં નોંધાયું સૌથી ઓછું તાપમાન?
રાજ્યમાં હવે ફૂલગુલાબી ઠંડીની મોસમ બરાબર જામી છે. છેલ્લા કેટલાક દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે લોકોએ દિવસ દરમિયાન પણ ઠંડક અનુભવવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કંડલામાં નોંધાઈ છે, જ્યાં તાપમાન માત્ર 10.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું ગયું છે. આ ઉપરાંત ડાંગમાં 12.4 ડિગ્રી, દાહોદમાં 13 ડિગ્રી, કચ્છના નલિયામાં 14.8 ડિગ્રી અને દીવમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાતા અહીં કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.
મુખ્ય શહેરોમાં ઠંડીની સ્થિતિ
હાલમાં રાજ્યના તમામ શહેરોમાં ઠંડી (Cold Wave) નું જોર વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી, અને રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 16.6 ડિગ્રી અને ડીસામાં 17.5 ડિગ્રી નોંધાતા અહીં પણ વહેલી સવારે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાન અન્ય વિસ્તારોની તુલનામાં થોડું વધુ, એટલે કે 19.1 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે સ્પષ્ટ સંભાવના વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યુનતમ તાપમાન હજુ પણ ઘટશે અને ઠંડીનું જોર વધશે. આ વધતી ઠંડીને કારણે બજારોમાં ગરમ કપડાંની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા, ગુજરાતમાં ઠંડી (Cold Wave) નો કેર
ભલે છેલ્લા 3 દિવસથી શિયાળાની ઋતુમાં પણ થોડી ગરમીનો અનુભવ થયો હોય, પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. ઉત્તર ભારતમાં શરૂ થયેલી શીતલહેર અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની તૈયારીમાં છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ખાસ કરીને 2 થી 8 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર ખૂબ વધશે. તેમના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના શહેરો અને કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લી જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડી શકે છે. રાજ્યના શહેરોમાં તાપમાન 10થી 14 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ શકે છે.
Ambalal Patel | આ વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રી સુધી નીચે પહોંચશે | Gujarat First
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી આગાહી
આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની કરી આગાહી
બે ડિસેમ્બર બાદ રાજ્યમાં ફરી એક વાર ઠંડીનો અનુભવ થશે
ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં… pic.twitter.com/8NYKvCKpTH— Gujarat First (@GujaratFirst) December 1, 2025
જગતના તાત પર માવઠાનું સંકટ
વધતી ઠંડીની સાથે સાથે ખેડૂતો (જગતના તાત) માટે ચિંતાજનક સમાચાર પણ છે. અંબાલાલ પટેલના મતે, ડિસેમ્બર મહિનામાં ઓક્ટોબરની જેમ જ માવઠું એટલે કે કમોસમી વરસાદ પડી શકે છે. 18થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વાતાવરણીય હલચલ થવાની સંભાવના છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ કમોસમી વરસાદ શિયાળુ પાક માટે મોટું નુકસાન લાવી શકે છે.
આ પણ વાંચો : IMD weather forecast: આ વર્ષે કાતિલ ઠંડીનો કહેર જોવા મળશે, શિયાળો 3 મહિના લાંબો ચાલશે!


