Gujarat Rain : રાજ્યમાં 6 કલાકમાં 81 તાલુકામાં માવઠું
- Gujarat Rain : રાજ્યમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદની આગાહી
- ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
- સૌરાષ્ટ્ર માથે તોળાતું માવઠાનું મોટું સંકટ
- માવઠાને લઈ 6જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું
- ગીર સોમનાથ, દીવ, જૂનાગઢમાં રેડ એલર્ટ
- પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ
- દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain : ગુજરાત રાજ્યમાં આગામી 10 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain)ની આગાહીને પગલે તંત્ર અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ સંકટ વધુ ઘેરું બનવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા 6 જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ જાહેર
આ જિલ્લાઓમાં ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે, જ્યાં નાગરિકોને અત્યંત સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, દ્વારકા, જામનગર, રાજકોટ અને બોટાદ જેવા અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદ (Unseasonal Rain) ની આ આગાહી કૃષિ પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે, જેથી ખેડૂતોને પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે.
ખેડૂતો પર આર્થિક આફત, લાખો હેક્ટરમાં પાક તબાહ (Rain)
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) ને કારણે ખેડૂતો પર જાણે આફત તૂટી પડી છે, જેનાથી તેમની માઠી દશા બેઠી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ અણધાર્યા માવઠાને કારણે ખેતરોમાં ઊભેલા અને લણણી માટે તૈયાર થયેલા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેમાં કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગરનો સમાવેશ થાય છે. અંદાજ મુજબ, આ વરસાદને લીધે લાખો હેક્ટરમાં વાવેલો કપાસ અને મગફળીનો પાક લગભગ તબાહ થઈ ગયો છે. અનાજ ઉપરાંત, કઠોળ, શાકભાજી અને બાગાયતી પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો પર દેવાનો બોજ વધી શકે છે અને તેમને વધુ આર્થિક ફટકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં 6 કલાકમાં 81 તાલુકામાં માવઠું
October 28, 2025 2:29 pm
રાજ્યના હવામાનમાં અણધાર્યો પલટો આવતા, માત્ર 6 કલાકના ગાળામાં જ 81 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ (માવઠું) નોંધાયો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના આ સમયગાળામાં ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, જેમાં ખાસ કરીને પાટણ-વેરાવળમાં 2 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, નજીકના સૂત્રાપાડા તાલુકામાં પણ પોણા 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સમગ્ર રાજ્યના 10 તાલુકાઓમાં દોઢથી એક ઇંચ સુધીનો મધ્યમ વરસાદ પડ્યો હતો, જ્યારે બાકીના અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી લઈને સાવ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
જૂનાગઢમાં મેઘકહે૨ : મગફળી-સોયાબીનનો પાક સંપૂર્ણ નાશ, ખેડૂતોએ વળતરની માંગ કરી
October 28, 2025 1:24 pm
જૂનાગઢ જિલ્લાભરમાં સાર્વત્રિક કમોસમી વરસાદને કારણે મેઘકહેર જોવા મળી છે, જેમાં સમગ્ર જિલ્લામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને માંગરોળ, માળિયાહાટીના, વિસાવદર અને મેંદરડા તાલુકાઓમાં મેઘ પ્રકોપ વધુ રહ્યો છે. મેંદરડાના માનપુરા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોની મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ખેડૂતોની જે જણસી ખુલ્લામાં હતી તેનું ધોવાણ થઈ ગયું છે, અને અગાઉ વહેલી વાવેતર કરેલી તેમજ ત્યારબાદની મગફળીના પાક પર પણ આ વરસાદનો કહેર વર્તાયો છે. પરિણામે, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. આ ભારે નુકસાનને પગલે હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને પૂરું વળતર ચૂકવવામાં આવે તેવી આક્રોશભરી માંગ કરી રહ્યા છે.
ખરાબ હવામાનને કારણે બોટાદ APMC 4 દિવસ માટે બંધ
October 28, 2025 12:36 pm
રાજ્યમાં પ્રવર્તી રહેલા ખરાબ વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડ (APMC) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી ખેડૂતોના તૈયાર માલને નુકસાન ન થાય. આ નિર્ણયના ભાગરૂપે બોટાદ APMC એ જાહેરાત કરી છે કે યાર્ડ આજથી 4 દિવસ એટલે કે 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે બોટાદ યાર્ડમાં રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી (કૃષિ પેદાશો) વેચવા માટે આવતા હોય છે, અને તેમની જણસ ખુલ્લામાં પલળીને બગડી ન જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
વડોદરા : વરસાદી માહોલમાં 6 ફૂટનો મગર ફ્લેટના પાર્કિંગમાં ઘૂસ્યો, લોકોમાં ફફડાટ
October 28, 2025 12:26 pm
વડોદરા શહેરમાં વરસાદ વરસતાની સાથે જ મગરોએ રહેણાંક વિસ્તારો તરફ આંટાફેરા શરૂ કરી દીધા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આવી જ એક ઘટનામાં, ભાયલી પ્રિય ટૉકીઝ પાસે આવેલી અશ્વમેઘ એવન્યુ સોસાયટીમાં એક 6 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. આ મગરે સોસાયટીના એક ફ્લેટના પાર્કિંગમાં ઊભેલી કારની નીચે સંતાઈને આશરો લીધો હતો. પોતાની કાર નીચે મગરને જોઈને કાર માલિક ગભરાઈ ગયા હતા, અને સોસાયટીના રહેવાસીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, તાત્કાલિક વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું અને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું. મગરને પકડી લેવાતા સોસાયટીના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.
અમરેલીમાં કમોસમી વરસાદની તારાજી, મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સાવરકુંડલામાં રૂબરૂ નિરીક્ષણ કર્યું
October 28, 2025 12:17 pm
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે, જેના પગલે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અમરેલી પહોંચ્યા હતા. મંત્રીએ ખાસ કરીને સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં જઈને ખેતરોનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને વરસાદથી ખેતીપાકને થયેલી નુકસાનીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને જે.વી. કાકડિયા, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ નેતાઓએ સાથે મળીને ખેડૂતોની વેદના સાંભળી હતી અને તેમને યોગ્ય સહાય મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
કમોસમી વરસાદ : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરના કાજાવદર ગામે, અધિકારીઓ સાથે બેઠક યોજી
October 28, 2025 12:00 pm
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનની સમીક્ષા કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ સૌપ્રથમ સિહોર પ્રાંત કચેરી ખાતે જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ, જેમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓનો સમાવેશ થતો હતો, તેમની સાથે એક બેઠક યોજીને વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક તાગ મેળવ્યો હતો. આ બેઠક બાદ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સિહોર તાલુકાના કાજાવદર ગામે ખેતરોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને પાકમાં થયેલી નુકસાની અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.
બોટાદ : સાળંગપુરની ઉતાવળી નદીમાં સફેદ ફીણની ચાદર, વીડિયો વાયરલ
October 28, 2025 11:56 am
બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત નારાયણ કુંડ નજીક આવેલી ઉતાવળી નદીનો એક અનોખો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ હતી, પરંતુ દ્રશ્યોમાં જોવા મળ્યા મુજબ, આખી નદી પાણીને બદલે સફેદ ફીણની જાડી ચાદરથી છવાઈ ગયેલી જોવા મળી હતી. આ અસામાન્ય દ્રશ્યોએ સ્થાનિકોમાં કુતૂહલ જગાવ્યું છે. નદીમાં પાણી આવવા છતાં સપાટી પર ફીણનું આટલું મોટું પ્રમાણ કેવી રીતે જમા થયું, તે અંગે ચર્ચા થઇ રહી છે.
9 મહિનાના ગર્ભ બાદ મૃત બાળક જન્મે તેવું દુઃખ : ભરતભાઈ કાનાબારે ખેડૂતોની વ્યથા વ્યક્ત કરી
October 28, 2025 11:53 am
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર તૂટી પડેલી આફત અંગે ભાજપના નેતા ડૉ. ભરતભાઈ કાનાબારે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખેડૂતોની વેદનાને સચોટ રીતે વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂત જ્યારે તનતોડ મહેનત કરીને ઉત્પાદન મેળવે અને તે ખુલ્લા ખેતરમાં પલળી જાય, ત્યારે તેની ચિંતાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમણે એક વેપારીની વ્યથા સાથે સરખામણી કરતાં કહ્યું કે, માલ પલળી જશે તેવી ચિંતામાં વેપારી રાતભર સૂઈ શકતો નથી, પરંતુ ખેડૂતની વેદના તો એનાથી પણ વધુ છે, કારણ કે તમામ ઉત્પાદન ખુલ્લા ખેતરમાં હોવાથી ખેડૂતોની બધી મહેનત પાણીમાં ગઈ છે. ભરતભાઈ કાનાબારે ખેડૂતોની આ વેદનાને નવ મહિનાના ગર્ભ બાદ મૃત બાળક જન્મે તેવા દુઃખ સમાન ગણાવીને સંવેદના વ્યક્ત કરી છે. આ કપરા સમયમાં તેમણે સમાજ અને સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની પડખે રહીને તેમને ફરી બેઠા કરવા એ સૌની નૈતિક જવાબદારી છે.
સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, ડાંગરનો પાક પલળતા લાખોનું નુકસાન
October 28, 2025 11:46 am
સુરત સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું છે, જ્યાં મુખ્યત્વે ડાંગરના પાકને ભારે નુકસાન થવાનો અંદાજ છે. સુરત જિલ્લાના 40 જેટલા ગામડાઓમાં મોટા પાયે ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. કાપણી કરીને રાખવામાં આવેલો તૈયાર પાક અચાનક પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને પલળી ગયેલા પાકને બચાવવા માટે હવે તેઓ તેને સૂકવવાની કામગીરીમાં લાગી ગયા છે. જોકે, પાકનો મોટો હિસ્સો નુકસાનમાં જતાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. આ સંજોગોમાં ખેડૂત અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે.
દ્વારકામાં સતત વરસાદી માહોલ! ખંભાળિયામાં જળબંબાકાર, ખેડૂતોને વ્યાપક નુકસાન
October 28, 2025 11:44 am
દ્વારકા જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને પરિણામે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ અણધાર્યા વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે, કારણ કે તેમને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. લણણી માટે તૈયાર ઊભા પાકો તેમજ ખેતરમાં કાઢીને રાખેલા પાકોને મોટું નુકસાન થયું છે, ખાસ કરીને મગફળીના પાક અને પશુઓના ચારાને ભારે નુકસાન થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.
ભાવનગર : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલાયા!
October 28, 2025 11:42 am
ભાવનગર જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણીની સતત આવક જળવાઈ રહેતા અને ડેમની સલામતીના ભાગરૂપે, ડેમનું પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં શેત્રુંજી ડેમના કુલ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના દ્રશ્યો આકાશમાંથી લેવાયેલા ફોટોગ્રાફ્સ અને વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ડેમમાં હાલમાં 15,340 ક્યૂસેક પાણીની આવક અને તેટલા જ પ્રમાણમાં જાવક નોંધાઈ છે. આટલા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
22 કલાકમાં 236 તાલુકામાં માવઠું! અમરેલી-ભાવનગરમાં 8 ઇંચથી વધુ વરસાદ સાથે મેઘતાંડવ
October 28, 2025 11:42 am
રાજ્યમાં કમોસમી વરસાદે સર્વત્ર હાહાકાર મચાવ્યો છે, જ્યાં છેલ્લા 22 કલાકમાં રાજ્યના 236 તાલુકાઓમાં માવઠું નોંધાયું છે, જે ચોમાસા જેવો માહોલ સર્જી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યું, જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 8 ઇંચથી વધુ અને ભાવનગરના મહુવામાં સાડા 7 ઇંચ જેટલો નોંધાયો છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો છે, જ્યાં ખેડાના ગળતેશ્વરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના ઉના અને અમરેલીના લીલિયા તથા સાવરકુંડલામાં પણ ૫ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, વડોદરા, ખાંભા, સૂત્રાપાડા, તળાજા, પાટણ-વેરાવળ, કોડીનાર, વલ્લભીપુર, ઉમરપાડા અને બારડોલી સહિતના તાલુકાઓમાં 4 થી 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 12 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 40થી વધુ તાલુકાઓમાં અઢીથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
ગીર સોમનાથમાં રાવલ ડેમના દરવાજા 1 ફૂટ ખોલીને પાણી છોડાયું, 17 ગામોને એલર્ટ
October 28, 2025 11:34 am
ગીર સોમનાથ જિલ્લામાં અનિશ્ચિત હવામાન અને કમોસમી વરસાદને પગલે રાવલ ડેમના જળસ્તરમાં વધારો થતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ડેમની સલામતી જાળવવા માટે રાવલ ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી કુલ 3708 ક્યૂસેક પાણીનો પ્રવાહ નદી તરફ વહેતો થતાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં, તંત્ર દ્વારા ઊના અને ગીર ગઢડા તાલુકાના કુલ 17 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટ કરાયેલા ગામોમાં ચિખલકુબા, જસાધાર, ધોકડવા, મોહબતપરા, કાંધી, મોડા સમઢીયાળા, પડાપાદર, પાતાપુર, ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ખત્રીવાડા, ગરાળ, મોઠા, સંજવાપુર અને માણેકપુર તેમજ સનખડાનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોના રહેવાસીઓને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.
Rain Alert - સૌરાષ્ટ્ર પર મોટું સંકટ, અમરેલી, ભાવનગરવાસીઓ ચેતજો
October 28, 2025 11:04 am
Gandhinagar : રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર એક્શનમાં
October 28, 2025 11:01 am
ગાંધીનગર ખાતે રાજ્યમાં કમોસમી વરસાદથી સર્જાયેલી ખેડૂતોની કફોડી હાલતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક સિનિયર મંત્રીઓ સાથે બેઠક યોજીને પાક નુકસાનના આકલન અને રાહત કામગીરી માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. બેઠક બાદ 5થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપવામાં આવી છે. જે મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમાં કૌશિકભાઈ વેકરિયા, જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, નરેશભાઈ પટેલ અને જયરામભાઈ ગામીતનો સમાવેશ થાય છે. આ તમામ મંત્રીઓને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને તાત્કાલિક કામગીરી શરૂ કરવા અને ખેડૂતોને મદદરૂપ થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ગીર સોમનાથમાં પાક નુકસાનીનું આકલન : મંત્રીઓ કોડીનાર અને સૂત્રાપાડાની મુલાકાતે
October 28, 2025 10:54 am
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનની ગંભીરતાનો તાગ મેળવવા માટે 2 મંત્રીઓ – અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમનભાઈ વાજા – મુલાકાત લેવાના છે. કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શીવા સોલંકી તરફથી મળેલી માહિતી અનુસાર, આ બંને મંત્રીઓ ખાસ કરીને કોડીનાર અને સૂત્રાપાડા વિસ્તારના ગામોમાં ખેતરોની મુલાકાત લેશે અને સ્થળ પર હાજર ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવશે. ખેતરોમાં આકલન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, તેઓ જિલ્લામાં નુકસાનીના વ્યાપ અને સહાય અંગેની રૂપરેખા તૈયાર કરવા માટે કલેક્ટર કચેરીમાં બેઠક યોજશે.
ભાવનગરમાં મેઘતાંડવ : 48 કલાકમાં 14 ઇંચ વરસાદ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે મુલાકાતે
October 28, 2025 10:53 am
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે, જ્યાં માત્ર 48 કલાકના ગાળામાં મહુવા વિસ્તારમાં વિક્રમી 14 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે સિહોર અને પાલિતાણા સહિતના વિસ્તારોમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ અતિવૃષ્ટિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે ભાવનગર જિલ્લાની મુલાકાત લેવાના છે. તેઓ ખાસ કરીને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે સિહોર અને મહુવાની મુલાકાત લેશે અને ખેતીના નુકસાનનું આકલન કરશે. આ મુલાકાત દરમિયાન મંત્રી ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળશે અને સરકાર દ્વારા જરૂરી સહાય અંગે ખાતરી આપશે.
કારતકમાં અષાઢી માહોલ, 3 સિસ્ટમ સક્રિય થતાં મેઘકહેર, ખેડૂતોની આશા પર પાણી
October 28, 2025 10:48 am
રાજ્યના હવામાનમાં મોટો પલટો આવ્યો છે, જેના કારણે કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ જામ્યો છે. ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે, જેના પરિણામે આજે રાજ્યના 13 જિલ્લામાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ અણધારી મેઘકહેરને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, કારણ કે લણણી માટે તૈયાર ઊભા પાકને વ્યાપક નુકસાન થતાં તેમના મોઢે આવેલો કોળિયો છિનવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 120 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, અને આ માવઠાના કારણે સર્જાયેલી ખેતીના નુકસાનની સ્થિતિનું આકલન કરવા માટે મંત્રીઓ આજથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે જવાના છે.