International Yoga Day 2025 : અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી, વૃક્ષારોપણના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
- આજે Amit Shah અમદાવાદના મહેમાન બન્યા છે
- શહેરના પ્રહલાદનગર ગાર્ડનમાં થયેલ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા
- વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ ભાગ લીધો
International Yoga Day 2025 : આજે સમગ્ર વિશ્વમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે અમદાવાદમાં છે. તેમણે યોગ દિવસની ઉજવણી અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. શહેરના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણીમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
મકરબામાં તૈયાર થશે ઓક્સિજન પાર્ક
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે અમદાવાદના મકરબામાં વડના છોડનું રોપણ કર્યુ. મિશન મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાના હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. મકરબા વિસ્તારમાં પણ વડના વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવનાર છે. આ વિસ્તારમાં અમિત શાહે સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ કર્યું છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર પણ ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદમાં ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર થઈ રહેલ યોગ દિવસની ઉજવણીમાં મેયર પ્રતિભાબેન જૈન (Pratibhaben Jain), બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે.