73

કબૂરતબાજીના રેકેટમાં 4 આરોપીની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયા લઈ ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરી યુ.એસમાં ઘુસણખોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે US બોર્ડરથી ઘુસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
આરોપી રાજુ પ્રજાપતિ,હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડા નામના ચાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહેસાણાના આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. અત્યાર સુધી 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલ્યા છે. આરોપી રાજુ પ્રજાપતિએ શિલ્પા પટેલને યુએસ જવાનું હોવાથી તેણે આરોપી પિતા-પુત્રનો સંપર્ક કરાવ્યો હતો. જો કે યુ.એસ જવા માટે ફેમેલી ગ્રૂપ રીતે વિઝા પ્રોસીઝર કરવા માટે આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવી બન્નેને પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા. જેના આધારે નાઇઝીરીયાના વિઝા માટે દિલ્હી ખાતે જઇ અરજી કરી હતી. નાઇઝેરીયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવી યુ.એસ મેક્સિકો બોર્ડરથી યુએસ રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી એમરીકન સિટીઝનશીપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા. જો કે ક્રાઇમ બ્રાંચને આ વાતની જાણ થતા આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા પડાવતા
ક્રાઈમ બ્રાન્ચના સી.પી. પ્રેમવીરસિંહે જણાવ્યું કે આરોપીઓ દિલ્હી ખાતેના એજન્ટ્સ મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેતા હતા. જેના બદલામાં જેતે વ્યક્તિને કે ફેમેલીને ભારતમાંથી ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી વિદેશના રેફ્યુઝી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારી એજન્ટો લેતા હતા. અને સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ તેઓના પેમેન્ટની ચૂકવણી કરવામાં આવતી હતી.
આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ દ્વારા વિદેશ મોકલ્યા છે. અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સંડોવાયેલ છે તે અંગે ક્રાઈમબ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
.