Ahmedabad : વેપારીને ગોંધી રાખી ફટકાર્યા બાદ લૂંટ ચલાવનારી ટપોરી ગેંગ અમદાવાદ પોલીસના ડરથી ફરાર
Ahmedabad : 'ભાઈ' બનવા ફરતો ટપોરી અને તેના સાગરિતો અમદાવાદ પોલીસ (Ahmedabad City Police) ના ડરથી હાલ છુપાતો ફરે છે. ગત શનિવારની રાતે એક ટ્રાવેલ્સ સંચાલકને ગોંધી રાખી, માર મારીને કાર-રૂપિયા સહિતની લૂંટ ચલાવનારી ટોળકી સામે નરોડા પોલીસે (Naroda Police) ગુનો નોંધ્યો છે. ગાંધીનગરના કરાઈ ગામે રહેતો દિપક દેસાઈ ધરપકડના ડરથી ઘર છોડીને ફરાર થઈ ગયો છે.
Ahmedabad નરોડા પોલીસે કોની સામે નોંધી ફરિયાદ ?
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) માં મૂળ કચ્છના વતની અને હાલ ગાંધીનગર રહેતા ધર્મેશ ચંદુભાઈ રૂડાચે અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. અપહરણ-લૂંટ કેસમાં સામેલ 20 શખ્સોની ટોળકીમાં મુખ્ય આરોપી તરીકે દિપક દેસાઈ (રહે. કરાઈ ગામ, જિ. ગાંધીનગર)ને દર્શાવાયો છે. ગાંધીનગર ચિલોડા અને અમદાવાદના નરોડા વિસ્તારમાં કાળા કાચવાળી નંબર પ્લેટ વિનાની ગાડીઓ લઈને ફરતા દિપક દેસાઈ ઉર્ફે ડીકે (Dipak Desai alias DK) સાથે કેટલાંક પોલીસ કર્મચારીઓનો ઘરોબો છે. દિપક અગાઉ ત્રણેક વખત પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે.
જીપીએસ લૉકેશનથી સ્કૉર્પિયો Ahmedabad ના છેવાડે મળી
મૂળ કચ્છના વતની એવા રૂડાચ બંધુઓ ઓમ હૉસ્ટેલ તેમજ ફિનિક્સ ટ્રાવેલ્સના નામે ગાંધીનગરમાં ધંધો કરે છે. ગત 12 સપ્ટેમ્બરના રોજ રાજ રબારીએ ધર્મેશ રૂડાચને ફોન કરી ટીના રબારીને અંબાજી જવા બે દિવસ માટે સ્કૉર્પિયો ભાડે અપાવી હતી. ભાડે આપેલી સ્કૉર્પિયોમાં લાગેલા જીપીએસ લૉકેશનથી ધર્મેશભાઈને જાણવા મળ્યું હતું કે, પ્રતિ દિવસના 5 હજાર રૂપિયા લેખે આપેલી સ્કૉપિયો ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં છે. ગત 13 સપ્ટેમ્બરની રાતે સ્કૉર્પિયોની તપાસ કરવા ધર્મેશ રૂડાચ નીકળ્યા હતા. પેથાપુર ખાતે લૉકેશન પર તપાસ કરતા ધર્મેશભાઈને તેમની નંબર પ્લેટ વગરની સ્કૉર્પિયો જોવા મળી હતી. મધરાત્રિના ધર્મેશ રૂડાચ તેમના બે મિત્રો આશિષ કાળિયા અને વિજય ગઢવી સાથે નીકળ્યા ત્યારે લૉકેશન ચેક કરતા સ્કૉર્પિયો નાના ચિલોડા SP Ring Road પર લુબી કંપનીની સામે ધ ગ્રાન્ડ શિવાય હોટલ પાસે બતાવતું હતું. ત્રણેય જણા સ્કૉર્પિયો પાસે પહોંચ્યા ત્યારે ચાર-પાંચ ગાડીઓમાં એક ટોળું આવ્યું હતું અને લાકડીઓ વડે ત્રણેયને માર મારવા લાગ્યા હતા.
રૂપિયાની લેવડદેવડ કારણભૂત હોવાની શક્યતા
લાકડીઓ વડે હુમલો કરનારી Dipak Desai alias DK ની ટોળકીએ ધર્મેશ અને આશિષને કારમાં બેસાડી મોટા ચિલોડા તરફ ઉપાડીને લઈ ગયા હતા. જ્યારે વિજય ગઢવી ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. નાસી છૂટેલા વિજય ગઢવીને ફોન કરી પરત બોલાવવા ટપોરી ગેંગે ધમકીઓ આપી હતી. દરમિયાનમાં ઘટનાની જાણ પોલીસને થઈ જતાં ધર્મેશ રૂડાચના ફોન પર પોલીસનો ફોન આપવા ટપોરીઓ ઘભરાઈ ગયા હતા અને અપહ્યુત ધર્મેશને ઘરે પહોંચી ગયો હોવાનું કહેવા ફરજ પાડી હતી. પોલીસને ઘટનાની જાણ થઈ ગઈ હોવાનું માલૂમ પડતાં ધર્મેશ રૂડાચને તેમની ગાડી સાથે હિંમતનગર રોડ પર મુકી દઈ રોકડ સહિતની વસ્તુઓ લૂંટીને અપહરણકર્તા ટોળકી ફરાર થઈ ગઈ હતી.


