દોઢ લાખના લાંચ કેસમાં ફરાર આરોપીની Team ACB એ ધરપકડ કરી, અપ્રમાણસર મિલકતના કેસમાં ફરાર આરોપીના લૉકરમાંથી 88.72 લાખના દાગીના મળ્યા
લાંચ કેસમાં પાંચ દિવસ ફરાર રહેલા આરોપીએ સામેથી જ Team ACB સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. જ્યારે અન્ય એક અપ્રમાણસર મિલકતના કેસમાં માર્ગ અને મકાન વિભાગ (Roads and Building Department) ના ઈજનેર એસીબીના ચોપડે હજુ ફરાર છે. નાયબ કાર્યપાલક ઈજનેર દિલીપકુમાર પટેલના બેંક લૉકરમાંથી Team ACB એ 88.72 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. સિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીની ધરપકડ બાદ હજુ પણ એક આરોપી 1.50 લાખના લાંચ કેસમાં ફરાર છે.
Team ACB એ લાંચ કેસમાં કોને-કોને રંગે હાથ પકડ્યા હતા ?
ફરજ દરમિયાન કૌભાંડ કરનારા કરાર આધારિત કલસ્ટર કૉ ઑર્ડિનેટરને પુનઃ નોકરી આપવા ભાવનગરની સિહોર તાલુકા પંચાયત (Sihor Taluka Panchayat) માં વિસ્તરણ અધિકારી દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણે લાંચ માગી હતી. દશરશ ચૌહાણે તેના કરારા આધારિત કર્મચારી કમ ખાનગી વહીવટદાર વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ વતી પૂર્વ કલસ્ટર કૉ ઑર્ડિનેટરને પુનઃ નોકરી, બાકી પગાર આપવા તેમજ પોલીસ ફરિયાદ નહીં કરવા પેટે 2 લાખ લાંચ માગી હતી. પૂર્વ કલસ્ટર કૉ ઑર્ડિનેટર લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેમણે Team ACB નો સંપર્ક કર્યો હતો. એસીબીના ફરિયાદી કામ અર્થે અમદાવાદ ખાતે આવ્યા હોવાની જાણ થતાં લાંચિયો દશરથ ચૌહાણ 2 લાખની લાંચ લેવા ઉતાવળીયો બન્યો હતો અને આ કામ પોતાના કૌટુંબિક ભાણેજને સોંપ્યું હતું. ફરિયાદી અમદાવાદ ખાતે ગત શુક્રવારે આંખની હૉસ્પિટલમાં આવ્યા હોવાની જાણ થતાં દશરથ ચૌહાણે ભાણેજ રૂતુરાજસિંહ પરમારને પૈસા લેવા મોકલ્યા હતા. બોડકદેવ પોલીસ સ્ટેશન (Bodakdev Police Station) ના કૉન્સ્ટેબલ રૂતુરાજસિંહ ધીરૂભાઈ પરમાર એક ખાનગી વ્યક્તિ જીગર ઠક્કરને લાંચ લેવા સાથે લઈ ગયા હતા. કૉન્સ્ટેબલ રૂતુરાજ પરમારના કહેવાથી જીગર ઠક્કરે 2 લાખ સ્વીકારતા બંને જણા ACB Trap માં સપડાઈ ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી દશરશ ચૌહાણ અને વિરેન્દ્ર ગોહેલ લાંચ કેસની જાણ થતાં ફરાર થઈ ગયા હતા.
આરોપીઓને શોધવા Team ACB તેમના ઘરે ગઈ અને...
ભાવનગરની સિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ અને તેમનો વહીવટદાર વિરેન્દ્ર ગોહેલ ફરાર હોવાથી Team ACB એ શોધખોળ આરંભી હતી. એસીબીની એક ટીમ ભાવનગર ખાતે રહેતા દશરથસિંહ ચૌહાણના ઘરે તપાસ અર્થે પહોંચી હોવાની જાણ આરોપીને થતાં તેણે શરણાગતિ વ્હોરી લીધી હતી. 26 નવેમ્બરના રોજ દશરશ ચૌહાણની ધરપકડ કરી અદાલતમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે કરાર આધારિત કર્મચારી વિરેન્દ્ર ગોહેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફરાર ઈજનેરના બેંક લૉકરમાંથી લાખોના દાગીના મળ્યા
માર્ગ અને મકાનના વિસનગર પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર રતીલાલ પટેલ સામે બારેક દિવસ અગાઉ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે. Disproportionate Assets Case અનુસાર વર્ષ 2023માં બાર મહિના દરમિયાન ભ્રષ્ટ રિતરસમ આચરીને 37 લાખથી વધુની મિલકતો દિલીપ પટેલે વસાવી છે. કાયદેસરની આવક કરતા 16 ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે. ધરપકડના ડરથી ફરાર થઈ ગયેલા દિલીપ પટેલના કેસની તપાસ કરી રહેલી Team ACB ને લાખો રૂપિયાના દાગીના મળી આવ્યા છે. ધી મહેસાણા અર્બન કૉ.ઑ. બેંક (The Mehsana Urban Co Op Bank) માં આવેલા દિલીપ પટેલના લૉકરની જડતી લેતાં તેમાંથી 762.290 ગ્રામ સોનાના તેમજ 752 ગ્રામ ચાંદીના દાગીના (કિંમત 88.72 લાખ) મળી આવતા કબજે લેવાયા છે.
આ પણ વાંચો : બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીને CBI એ ઝડપ્યો, મિસ્ટીએ અમદાવાદને ગઢ બનાવ્યો હતો


