બાપુનગરમાં છેડતી બાબતે ઠપકો આપવા ગયેલા યુવકની હત્યા, જાણો શું છે મામલો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં દીકરીને હેરાન ન કરવા બાબતે યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના પિતા અને પિતરાઈ ભાઈ પર યુવકે ઉશ્કેરાઈ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં યુવતીના પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજતા બાપુનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.અજય દંતાણી નામના આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને એક નિર્દોષ યુવકની હત્
Advertisement
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં દીકરીને હેરાન ન કરવા બાબતે યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના પિતા અને પિતરાઈ ભાઈ પર યુવકે ઉશ્કેરાઈ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં યુવતીના પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજતા બાપુનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
અજય દંતાણી નામના આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને એક નિર્દોષ યુવકની હત્યાને અંજામ આપતા તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. બાપુનગર વિસ્તારમાં રહેતા વિજય દંતાણી નામના વ્યક્તિને પત્નીએ જણાવ્યું હતું કે તેઓની દીકરીને અજય દંતાણી નામનો યુવક અવારનવાર હેરાન કરે છે. દરમિયાન તેઓ પોતાના ભત્રીજા અનિલ સાથે બાપુનગર તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અજય દંતાણી તેના બે મિત્રો સાથે ઉભો હતો જેથી વિજય દંતાણીએ અજયને દીકરીને હેરાન ન કરવા માટે સમજાવ્યું હતું અને ઠપકો આપ્યો હતો જે બાબતે બોલાચાલી ઉગ્ર થતા અજય દંતાણી અને તેની સાથેના બે મિત્રોએ છરીના ઘા મારી વિજય દંતાણી અને તેઓના ભત્રીજા અનિલને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
હુમલો કર્યા બાદ અજય અને તેના મિત્રો ફરાર થઈ ગયા હતા, જેથી વિજય દંતાણી અને તેઓના ભત્રીજાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા બાપુનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જોકે સારવાર દરમિયાન અનિલ દંતાણી નામના યુવકનું મોત નીપજતા બાપુનગર પોલીસે અગાઉ દાખલ કરેલા હત્યાના પ્રયાસના ગુનામાં હત્યાની કલમો હેઠળ રિપોર્ટ કરી મુખ્ય આરોપી અજય દંતાણીની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે આ ગુનામાં હજુ પણ બે આરોપીઓ ફરાર હોવાથી તેઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત તેજ કરી છે તેમજ પકડાયેલા આરોપીએ અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.


